Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

રાજકોટમાં કોરોનાની ત્રિપલ સેન્ચુરી

અ...ધ...ધ રાજકોટમાં બપોર સુધીમાં જ ૩૬૮ કોરોના પોઝિટિવ કેસ

શહેરમાં કુલ કેસનો આંક ૫૧,૨૨૦એ પહોંચ્યોઃ આજ દિન સુધીમાં ૪૪,૮૬૭: દર્દીઓ સાજા થયાઃ રિકવરી : રેટ ૮૭.૭૯% થયોઃ હાલ ૫૬૨૫ દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ, તા. ૨૧ : શહેરમાં કોરોના કેસમાં દરરોજ વધારો થઇ રહયો છે. લોકોમાં ફફડાટ ફેલાઇ રહયો છે. ગઇકાલે ૧૩૩૩ કેસ નોંધાતા સતત ત્રીજા દીવસે કોરોનાનો આંક ૧ હજારને પાર થયો છે. જયારે આજ બપોર સુધીમાં અ...ધ...ધ ૩૬૮ કેસ નોંધાતા મનપાનું આરોગ્ય વિભાગ ઉંધા માથે થયુ છે. શહેરમાં હાલ ૫૬૨૫  દર્દીઓ સારવાર હેઠળ છે. ગઇકાલે ૪૪૦ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. આજ દિન સુધીમાં કુલ ૫૧,૨૨૦ કેસ નોંધાયા છે.

મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ૩૬૮ કેસ નોંધાયા છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૫૧,૨૨૦ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ  ૪૪,૮૬૭ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. ગઇકાલે કુલ ૫૨૬૫ સેમ્પલ લેવાયા હતા. જેમાં ૩૬૮ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૨૫.૨૩ ટકા થયો હતો. આજ દિન સુધીમાં ૧૬,૨૨,૬૨૨ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૫૧,૨૨૦ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૩.૧૫ ટકા થયો છે. રિકવરી રેટ ૮૭.૭૯ ટકાએ પહોંચ્યો છે.

હાલ જે રીતે કોરોના ફેલાઇ રહ્યો છે, તેને ધ્યાને લેતા નાગરિકોએ સાવચેતી રાખવી આવશ્યક છે. મ્યુનિ. દ્વારા તમામ પગલા લેવાઇ રહ્યા છે. ડિસેમ્બરમાં જ્યાં રોજના ૧૫૦૦ થી ૧૮૦૦ ટેસ્ટ થતા હતા તેમાં વધારો કરીને હવે ૪૫૦૦ થી ૫ હજારથી વધુ ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યા છે.

(3:50 pm IST)