Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

સવારે ચા સાંજે અકિલા આ કાપલી સાચવી રાખો

ગુજરાત પંચાયત સેવા વર્ગ-૩ ની કુલ ૩૪૪ જગ્‍યાઓ ઉપર ભરતી આવી

આંકડા મદદનીશ, સમાજ કલ્‍યાણ નિરીક્ષક, વિસ્‍તરણ અધિકારી તથા પશુધન નિરીક્ષક તરીકે નોકરી મેળવવાની તક : - તારીખ પ ફેબ્રુઆરી સુધીમાં https://ojas.gujarat.gov.in ઉપર ઓનલાઇન અરજી કરો

રાજકોટ તા. ર૧ :.. સત્તા સાથે સેવા કરવાનો તથા સન્‍માન મેળવવાનો મોકો આપતી લાખેણી સરકારી નોકરી મેળવવા માટે આજનું યુવાધન સતત આતુર હોય છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા પંચાયત સેવા વર્ગ-૩ સંદર્ભે કુલ ૩૪૪ જગ્‍યાઓ ભરવા માટે ભરતી જાહેરાત બહાર પાડવામાં આવી છે. જેમાં પ-ર-ર૦રર ની છેલ્લી ઓનલાઇન અરજી તારીખ સાથે https://ojas.gujarat.gov.in  વેબસાઇટ ઉપર જઇને અરજી કરી શકાય છે.
સીધી ભરતીથી ભરવામાં આવનાર આ તમામ જગ્‍યા માટેની વિગતવાર માહિતી તથા જાહેરાત કે જેમાં વયમર્યાદા, શૈક્ષણીક લાયકાત, ઓનલાઇન અરજી કરવાની રીત, ફી ભરવાની રીત તથા કુલ કક્ષાવાર જગ્‍યાઓ, દિવ્‍યાંગ ઉમેદવારો માટે, માજી સૈનિક માટે, મહિલાઓ માટે અને રીઝર્વ કેટેગરીના ઉમેદવારો માટે અનામત જગ્‍યાઓની તમામ વિગતોનો સમાવેશ થાય છે તેની વિગતવાર જોગવાઇઓ-માહિતી-સૂચના અને શરતો મંડળના નોટીસ બોર્ડ ઉપર તેમજ મંડળની વેબસાઇટ https://gpssb.gujarat.gov.in  અને https://ojas.gujarat.gov.in  ઉપર જોવા મળી શકે છે.
વર્ગ-૩ ની જે પોસ્‍ટ - સંવર્ગ માટે જાહેરાત આવી છે તેમાં આંકડા મદદનીશ (૮૪ જગ્‍યાઓ), સમાજ કલ્‍યાણ નિરીક્ષક (જુનીયર ગ્રેડ, ૭ જગ્‍યાઓ), વિસ્‍તરણ અધિકારી (સહકાર, ગ્રેડ II, ૪ જગ્‍યાઓ) તથા પશુધન નિરીક્ષક (ર૪૯ જગ્‍યાઓ) નો સમાવેશ થાય છે.
આપેલ જગ્‍યાઓની સંખ્‍યામાં સરકાર શ્રીની સુચનાને આધીન ફેરફાર પણ શકય હોવાનું અને ભરતી-જાહેરાત સંદર્ભે તમામ સત્તા-અધિકાર મંડળ પાસે હોવાનું પણ જાહેરાતમાં દર્શાવ્‍યું છે. સાથે - સાથે ઓનલાઇન અરજી કરવા છેલ્લી તારીખની રાહ જોયા વગર વહેલીતકે અરજી કરી દેવી પણ હિતાવહ છે.
તો ચાલો, ઉજ્જવળ કારકીર્દીનું નિર્માણ કરવા માટેની તક આવી છે ત્‍યારે યોગ્‍ય લાયકાત, સચોટ માર્ગદર્શન, સ્‍વપ્રયત્‍ન, આત્‍મ વિશ્વાસ, હકારાત્‍મક અભિગમ, સમાજ માટે કંઇક કરી છૂટવાની તમન્‍ના તથા ઇશ્વર ઉપર શ્રધ્‍ધા રાખીને જલ્‍દીથી અરજી કરીને મહેનત કરવા તૂટી પડો-મંડી પડો. સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે. સૌને ઓલ ધ બેસ્‍ટ.

 

(3:30 pm IST)