Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

દૂધ સાગર રોડ ફારૂકી મસ્જીદ પાસે પીજીવીસીએલની ચેકીંગ ટીમ પર હુમલોઃ ઇજનેર સહિત ૪ને ઇજા

ગ્રાહક અશ્વિન રાઠોડ સહિતનાએ ચેકીંગ સમયે લાકડીથી હુમલો કર્યાની ફરિયાદઃ હુમલો થયો એ વિસ્તારમાં વધુ ટીમો ઉતારાઇ ચેકીંગઃ હુમલાખોરોના વિજકનેકશન કાપી નખાયાઃ થોરાળા પોલીસે ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૨૧: દૂધસાગર રોડ પર ફારૂકી મસ્જીદ પાસે શહેર વિભાગ-૧ની આઇસી સ્કવોડની ટીમ સવારે આજી-૧ પેટા વિભાગ હેઠળના વિસ્તારમાં વિજ ચેકીંગ માટે ગઇ ત્યારે એક ગ્રાહકે ચેકીંગ ટૂકડીના નાયબ ઇજનેર, જુનિયર ઇજનેર અને બે ઇલેકટ્રીકલ આસિસ્ટન્ટ સહિત ચારની ફરજમાં રૂકાવટ કરી લાકડીથી હુમલો કરતાં ચારેયએ સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. આ બનાવ અંગે થોરાળા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

પીજીવીસીએલની વિભાગ એકની આઇ.સી. સ્કવોડના નાયબ ઇજનેર એન. જે. મે, જુનિયર ઇજનેર જી. એન. સોલંકી, ઇલેકટ્રીક આસીસ્ટન્ટ એમ. કે. ભટ્ટ અને એ. આર. પીઠડીયા સહિતની ટીમ એસઆરપીને સાથે લઇ ૧૧ કેવી થોરાળા અર્બન ફીડર હેઠળના દૂધ સાગર રોડ ફારૂકી મસ્જીદ પાસે રહેતાં ગ્રાહક અશ્વિન મેરામભાઇ રાઠોડના ઘરે ચેકીંગ કરવા પહોંચી ત્યારે આ ગ્રાહક તથા અન્ય ત્રણ અજાણ્યાએ મળી વિજચેકીંગની કામગીરીમાં અડચણ ઉભી કરી સરકારી ફરજમાં રૂકાવટ કરી ચારેય ઉપર હુમલો કરતાં મુંઢ ઇજાઓ થતાં સારવાર લીધી હતી.

આ મામલે થોરાળા પોલીસમાં જાણ કરતાં ગુનો નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી છે. જ્યાં હુમલો થયો એ વિસ્તારમાં વધુ ટીમો ઉતારી ચેકીંગ યથાવત રખાયું હતું. હુમલાખોરોના વિજજોડાણ કાપી નાંખવામાં આવ્યાનું પીજીવીસીએલના અધિકારીઓએ જણાવ્યું હતું.

આ માથાકુટમાં વિસ્તારના વિરોધ પક્ષના નેતાના પુત્રનું નામ પણ ચર્ચાયુ હતું. આ મામલે પ્રવિણભાઇ સોરાણીએ જણાવ્યું હતું કે વિસ્તારમાં ચેકીંગ આવ્યું હોઇ લોકોએ મને ફોન જોડ્યો હતો. પણ હું કામમાં હોઇ ફોન રિસીવ ન થતાં મારા પુત્ર નજીકમાં રહેતાં હોઇ તેને લત્તાવાસીએ બોલાવતાં મારા પુત્ર ત્યાં ગયા હતાં. પરંતુ તે હુમલામાં કયાંય સામેલ નથી. માથાકુટ થયાની જાણ મારા પુત્રએ દૂર ઉભેલા એસઆરપી સ્ટાફને કરી હતી. પોલીસ ફરિયાદમાં મારા દિકરાનું નામ છે કે નહિ તે અંગે ખબર નથી.

નોંધનીય છે કે હાલ પોલીસે પીજીવીસીએલ અધિકારીએ આપેલી ફરિયાદ આધારે અશ્વિન રાઠોડ અને ત્રણ અજાણ્યા સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

(3:29 pm IST)