Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

જુનો સ્ટોક ખાલી કરવા વધુ સમય ફાળવો : રમકડાના વેપારીઓની માંગ

કોરોના અને લોકડાઉનની અસર વચ્ચે બે વર્ષ પણ ઓછા પડે : રમકડાના નાના ધંધાર્થી પર રહેમ રાખો : બીઆઇએસ એકટની અમલવારી ઉતાવળે ન કરવા અરજ

રાજકોટ તા. ૨૧ : બીઆઇએસ નિયમ હેઠળ રમકડાના વેપારીઓને ત્યાં દરોડાનો શરૂ કરાયેલ દોર અન્યાય કરતા હોવાનો અવાજ રમકડાના વેપારીઓએ ઉઠાવ્યો છે. ટોયઝ એન્ડ ઇન્ફેકટ મર્ચન્ટ એસોસીએશનના નેજા હેઠળ આ બાબતે કલેકટરને વિસ્તૃત આવેદનપત્ર પાઠવી જુનો સ્ટોક ખાલી કરવા થોડો વધુ સમય ફાળવવા માંગણી ઉઠાવવામાં આવી છે.

રમકડાના વેપારીઓએ આ રજુઆતમાં જણાવ્યુ છે કે બીઆઇએસનો નિયમ ૨૦૨૦ માં જાહેર કરવામાં આવ્યો હતો. જેને અમલમાં મુકવાની અંતિમ તારીખ જાન્યુઆરી ૨૦૨૧ હતી. પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોના અને લોકડાઉનનો સામનો તમામ ક્ષેત્રના વેપારીઓ કરી રહ્યા છે. ત્યારે આ અસરના કારણે રમકડાના વેપારીઓ પણ જુનો સ્ટોક ખાલી કરી શકયા નથી. આમ રર માસની સમય મર્યાદા પણ કોરોના અને લોકડાઉનને કારણે ટુંકી પડી છે.

ત્યારે આવી કપરી સ્થિતીનો સામનો કરી રહેલ રમકડાના વેપારીઓ પર બીઆઇએસ કાયદાના બહાને રેડ પાડી પરેશાન કરવામાં આવે તે હળાહળ અન્યાય ભરેલુ હોવાનું રમકડાના વેપારીઓએ જણાવ્યુ છે.

વેપારીઓ પાસે જુના સ્ટોકનો અઢળક માલ પડયો છે. ઓછા સમયમાં આ બધો સ્ટોક ખાલી કરવો અશકય છે. આ કિંમતી માલનો નાશ કરવો પણ ખોટમાં ઉતરવા જેવુ છે. દુકાનો બંધ કરી દેવી પડે. જો દુકાનો બંધ થાય તો વેપારીઓના પરિવારની હાલત શું થશે? તેનો વિચાર કોઇએ કર્યો છે ખરો?

ત્યારે આવા સંજોગો ધ્યાને લઇ રમકડાના નાના વેપારીઓ ઉપર થોડી રહેમ દાખવી બીઆઇએસ અમલવારી માટે થોડો વધુ સમય ફાળવવા રમકડાના વેપારીઓએ આવેદનપત્રના અંતમાં રજુઆત કરી છે.

(3:28 pm IST)