Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

હાશ... આતુરતાનો અંત

લક્ષ્મીનગર અંડરબ્રીજ સોમવારે ખુલ્લો મુકાશે

તા.૨૪ના સવારે ૧૦ કલાકે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની વર્ચ્યુઅલ તથા મંત્રી અરવિંદ રૈયાણીની વિશેષ ઉપસ્થિતીમાં ઈ-લોકાર્પણ : પ્રદીપ ડવ, પુષ્કર પટેલ, કેતન પટેલ, અમિત અરોરાની જાહેરાતઃ હજારો લોકોની ટ્રાફીક સમસ્યાનો અંત આવશે

રાજકોટ, તા.૨૧: શહેરના નાનામૌવા અને મવડીનાં પ્રવેશ દ્વાર સમા નાનામૌવા તથા મવડી વિસ્તારમાં આવવા-જવા માટે અત્યંત મહત્વનાં એવા લક્ષ્મીનગર નાલા તરીકે ઓળખાતા અન્ડર પાસમાં વોર્ડ નં. ૮માં નાના-મવા મેઇન રોડના છેડે લક્ષ્મીનગર રેલ્વે સ્ટેશન પાસે ટ્રાફિકની સમસ્યાની નિરાકરણ હેતુ હૈયાત નાલાની બાજુમાં બનાવવામાં આવેલ અન્ડર બ્રીજ આખરે સોમવારે લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે.આ બ્રિજ બનવાથી રાજકોટ પશ્ચિમ વિસ્તાર તરફનાં પ્રજાજનોએ શહેરમાં અવર-જવર કરવા માટે વધુ સુગમતા થતાં ટ્રાફિકનાં પ્રશ્નનું નિરાકરણ આવશે. 

આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિ.કમિશનર અમિત અરોરા, બાંધકામ સમિતીના ચેરમેન કેતનભાઈ પટેલે જણાવ્યું હતું કે, તા. ૨૪ના રોજ સવારના ૯.૪૫ કલાકે લક્ષ્મીનગર તરફ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ. ૪૨.૩૮ કરોડના ખર્ચે નિર્માણ પામેલ લક્ષ્મીનગર અન્ડરબ્રિજનું ઈ-લોકાર્પણ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે તથા મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીની ઉપસ્થિતિમાં ઈ-લોકાર્પણ થશે. આ કાર્યક્રમ મેયર ડો. પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને યોજાશે.

 હયાત લક્ષ્મીનગર બ્રિજ ખુબ જ સાંકડો હોવાના કારણે ટ્રાફિક સમસ્યા ખુબ જ રહેતી હતી. આ સમસ્યાના નિરાકરણ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેલ્વે વિભાગ પાસે ડીપોઝીટ વર્કથી ચાર માર્ગીય રેલ્વે અન્ડર બ્રિજ બનાવવામાં આવેલ છે. આ બ્રિજની બંને બાજુ ૭.૫૦ મીટર પહોળાઈ તથા ૪.૫૦ મીટર ઊંચાઈ હોવાને કારણે સ્કૂલ બસ, ઔદ્યોગિક વિસ્તારના વાહનના આવન જાવન માટે સુગમ બનશે. આ ઉપરાંત રાહદારીઓ તથા સાઈકલ સવાર માટે અલગથી પાથ વે બનાવવામાં આવેલ છે. આ બ્રિજના કારણે શહેરના આશરે ૫ થી ૬ લાખ લોકોને ટ્રાફિકની રોજિંદી સમસ્યામાંથી મુકિત મળશે.   આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારિયા, રામભાઈ મોકરીયા, ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડના પુર્વ ચેરમેન ડો. ધનસુખભાઈ ભંડેરી, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠિયા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, ડિવિઝનલ રેલ્વે મેનેજર અનિલકુમાર જૈન, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, જીતુભાઈ કોઠારી, નરેન્દ્રસિંહ ઠાકુર, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, વિરોધપક્ષ નેતા ભાનુબેન સોરાણી, દંડક સુરેન્દ્રસિંહ વાળા, કોર્પોરેટરો, અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહેશે.(૨૧.૨૧)

બ્રિજની ટેકનિકલ માહિતી

બ્રીજની કુલ લંબાઇ        ૩૦૩.૮૦ મીટર

કેરેજ વે                   ૭.૫૦ મીટર બન્ને તરફ

બોકસની સાઈઝ (બન્ને બાજુ)     ૫૦.૫૦મી.*૭.૫૦ મી.*૪.૫૦ મી.

રાહદારીઓ તથા સાઇકલીસ્ટ      ૨.૫૦ મીટર (ઊંચાઈ ૨.૯૦)

માટે પાથ વે

એપ્રોચ રોડ (નાના મવા તરફ )  ૧૩૭.૦ મીટર

એપ્રોચ રોડ (ટાગોર રોડ તરફ)   ૧૧૬.૩૦ મીટર

વરસાદી પાણીના નિકાલ માટે    વિરાણી હાઈસ્કુલ તરફ ૨૫૦૦૦૦ લીટર

પમ્પ રૂમ તથા સમ્પ      એક સમ્પ તથા પંપ રૂમ  તથા રેલ્વે સ્ટેશન                       તરફ  ૪૫૦૦૦૦ લીટરનો સમ્પ

(3:28 pm IST)