Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

રાત્રી કર્ફયુ, સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સહિત જાહેરનામા ભંગના ૧૦૯ કેસ

રાજકોટ,તા. ૨૧ : કોરોનાનું સંક્રમણ વધતા અટકાવવા માટે સરકાર દ્વારા કર્ફયુના સમયમાં વધારો કરી રાત્રે ૧૦ થી સવારના ૬ સુધી કર્ફયુનો સમય કરાયો છે. છતા કેટલાક લોકો જાહેરનામાનું પાલન કરતા નથી. ત્યારે રાત્રે પોલીસે અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન કર્ફયુ ભંગ, માસ્ક તથા સોશ્યલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન ન કરતા ૧૦૯ લોકો સામે કાર્યવાહી કરી છે.

રાજ્યભરમાં કોરોનાનું સંક્રમણ ફરી વધવા લાગતા સરકાર દ્વારા કોરોનાના નવા વાયરસ ઓમીક્રોનના સંક્રમણને અટકાવવા માટે કર્ફયુના સમયમાં ફેરફાર તથા સોશ્યલ ડીસ્ટન્સ અને માસ્ક પહેરવું ફરજીયાત સહિતના અનેક નિયમોનું પાલન કરવા અંગેની માર્ગદર્શક, મુજબ શહેર પોલીસ કમશિનર શ્રી મનોજ અગ્રવાલે જાહેરનામુ બહાર પાડ્યુ છે. અને શહેરમાં પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ વધારીને લોકો પાસે જાહેરનામાનું પાલન કરાવવામાં આવે છે. ત્યારે ગઇ કાલે રાત્રે પોલીસે જુદા-જુદા વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધરી કર્ફયુ સમયે આંટાફેરા કરનારા ૮૫, તથા દુકાન બહાર ગ્રાહકો વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સનું પાલન ન કરનારા ૧૦ અને માસ્ક પહેર્યા વગર ઘરની બહાર નીકળનારા ૮ વ્યકિતઓને પકડી લઇ કુલ ૧૦૯ કેસ નોંધ્યા છે.

(3:27 pm IST)