Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

કારમાં દારૂ-બીયરના જથ્‍થા સાથે રસિક, અજય અને સતિષ પકડાયા

મોરબી રોડ સેટેલાઇટ ચોકના પટમાં ક્રાઇમ બ્રાંચનો દરોડો : મુળ ચણોલ, સુધાગુનાના બે શખ્‍સો મળી ત્રણેય પાસેથી ૧.૮૦ લાખનો મુદ્દામાલ કબ્‍જે

રાજકોટ તા. ૨૧: મોરબી રોડ પર સેટેલાઇટ ચોક પંચવટી સોસાયટીના પટમાંથી ક્રાઇમ બ્રાંચે કારમાં રૂા. ૩૪,૪૪૦નો દારૂ અને બીયરના ટીન સાથે ત્રણ શખ્‍સોને પકડી લઇ કુલ રૂા. ૧,૮૦,૧૬૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે.

ડીસીબીની ટીમ દારૂ જૂગારના કેસ શોધવા પેટ્રોલીંગમાં હતી ત્‍યારે હેડકોન્‍સ. સિધ્‍ધરાજસિંહ જાડેજા અને કોન્‍સ. ભાવેશભાઇ ગઢવીને મળેલી બાતમી આધારે મોરબી રોડ સેટેલાઇટ ચોકના પટમાં વોચ રાખી વર્ના કારને આંતરી લઇ તપાસ કરતાં અંદરથી રૂા. ૩૪૪૪૦નો દારૂ અને બીયરના ૬ ટીન મળી આવતાં તે તથા કાર, ત્રણ મોબાઇલ  ફોન કબ્‍જે કરી ત્રણ શખ્‍સો મુળ પડધરીના નવી ચણોલના અને હાલ મોરબી રોડ સેટેલાઇટ ચોક પંચવટી સોસાયટી-૨માં રહેતાં રસિક જેન્‍તીભાઇ દુધાગરા (ઉ.૩૨), ખોરાણા ગામના અજય હંસરાજભાઇ સોલંકી (ઉ.૨૮) અને મુળ ધ્રોલ સુધાગુનાના અને હાલ સેટેલાઇટ ચોક વૃજભુમિ સોસાયટી-૧માં રહેતાં સતિષ માધાભાઇ તળપદા (ઉ.૩૩)ને પકડી લીધા હતાં. ઝડપાયેલામાં રસિક અને અજય ઇમિટેશનનું કામ કરે છે. સતિષ છુટક મજૂરી કરે છે.

ત્રણેય કારની ડેકી, પાછળની સીટ તથા ડેકી વચ્‍ચેની ખાલી જગ્‍યામાં દારૂ બીયર છુપાવીને નીકળ્‍યા હતાં. રસિક અગાઉ ભાવનગરમાં ઠગાઇના ગુનામાં અને રાજકોટ ડીસીબીમાં દારૂના ગુનામાં પકડાયો હતો. જ્‍યારે અજય અગાઉ બી-ડિવીઝનમાં ધમકી તથા ડીસીબીમાં બે વખત દારૂના ગુનામાં પકડાયો હતો. ત્રણેય દારૂ ક્‍યાંથી લાવ્‍યા હતાં અને કોને આપવાનો હતો? તેની તપાસ થઇ રહી છે.

સીપી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની રાહબરી તથા પીઆઇ વી. કે. ગઢવીની સુચના હેઠળ આ કામગીરી પીએસઆઇ પી. એમ. ધાખડા, હેડકોન્‍સ. મયુરભાઇ પટેલ, અમિતભાઇ અગ્રાવત, સિધ્‍ધરાજસિંહ જાડેજા, વિરેન્‍દ્રસિંહ ઝાલા, કોન્‍સ. નગીનભાઇ ડાંગર, સંજયભાઇ રૂપાપરા, પ્રદિપસિંહ જાડેજા અને ભાવેશભાઇ ગઢવીએ કરી હતી.

(3:22 pm IST)