Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

તારે અમને પૈસા દેવા પડશે...જંગલેશ્વર એકતા કોલોનીમાં હુશેન, મુનીયો અને શબલાની ગુંડાગીરી

રેતી-કપચીના ધંધાર્થી થોરાળાના ભરત સિંધવે પૈસા ન દેતાં માર મારી બ્‍લેડથી ઇજા કરતાં હોસ્‍પિટલમાં ખસેડાયોઃ ભક્‍તિનગર પોલીસે એટ્રોસીટી હેઠળ કાર્યવાહી કરી

 

 

રાજકોટ તા. ૨૧: જંગલેશ્વર એકતા કોલોનીમાં બિલ્‍ડીંગ મટીરીયલ્‍સનો ડેલો ધરાવતો થોરાળાનો વણકર યુવાન રાત્રે પોતાના ડેલા પર હતો ત્‍યારે જંગલેશ્વર વિસ્‍તારના ત્રણ શખ્‍સોએ આવી ‘તારે અમને પૈસા વાપરવા દેવા પડશે' તેમ કહેતાં યુવાને પૈસા આપવાની ના પાડતાં ત્રણેયએ ધમાલ મચાવી મારકુટ કરી બ્‍લેડથી ઇજા કરતાં ઘાયલ યુવાનને હોસ્‍પિટલમાં ખસેડાયો હતો.

આ બનાવમાં ભક્‍તિનગર પોલીસે થોરાળા ક્રિષ્‍ના પાર્ક-૨ અવધ પાર્કની બાજુમાં રહેતાં અને બિલ્‍ડીંગ મટીરીયલ્‍સનો ધંધો કરતાં ભરતભાઇ કમાભાઇ સિંધવ (વણકર) (ઉ.વ.૩૫) પર રાતે હુમલો થતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં ચોકીના આર. એસ. સાંબેડ જાણ કરતાં ભક્‍તિનગર પોલીસે હોસ્‍પિટલે પહોંચી ભરતભાઇની ફરિયાદ પરથી જંગલેશ્વરના હુશેન યાકુબભાઇ જુણાચ, મુનિયો ઉર્ફ જીમ્‍મી અને શબલો પોપટ સામે આઇપીસી ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૧૧૪, એટ્રોસીટી એક્‍ટ હેઠળ ગુનો નોંધ્‍યો છે.

ભરતભાઇએ પોલીસને જણાવ્‍યું છે કે પોતે બિલ્‍ડીંગ મટીરીયલ્‍સનો ધંધો કરતાં હોઇ અને જંગલેશ્વર એકતા કોલોની-૫માં પોતાના ડેલા હોઇ અહિ ટ્રેકટર રાખતાં હોઇ રાતે સાડા નવેક વાગ્‍યે પોતે એકતા કોલોનીમાં આંબેડકરભવન પાસે પોતાના ડેલા ખાતે હતાં ત્‍યારે હુશેને આવી લુખ્‍ખાગીરી કરી વાપરવા માટેના પૈસા માંગતા તેને પૈસા આપવાની ના પાડતાં તે અને તેની સાથેના મુનીયો ઉર્ફ જીમ્‍મી તથા શબલાએ મળી ગાળાગાળી કરી હતી. તેમજ જ્ઞાતિ પ્રત્‍યે અપમાનીત કરી ઢીકાપાટુનો માર માર્યો હતો.

આ ઉપરાંત હુશેને બ્‍લેડ કાઢી ગળાના ભાગે મારી દેતાં ઇજા થઇ હતી. ભરતભાઇના સગાના કહેવા મુજબ આ શખ્‍સો વિસ્‍તારમાં અવાર નવાર આ રીતે માથાકુટ કરે છે. પૈસા વાપરવા ન આપતાં ગુંડાગીરી આચરી હુમલો કરી ભાગી ગયા હતાં. એસસીએસટી સેલના એસીપી એસ. ડી. પટેલે વધુ તપાસ હાથ ધરી છે.

ભરતભાઇએ આક્ષેપ કર્યો હતો કે આ શખ્‍સો ગમે તેની પાસેથી પૈસા પડાવે છે. ભૈયા મજૂરો પાસેથી પણ આ રીતે ધાકધમકી આપી પૈસા પડાવી નશો કરતાં રહે છે. પોલીસ આકરી કાર્યવાહી કરે લોકોને ત્રાસમાંથી છોડાવે તે જરૂરી છે.

(3:17 pm IST)