Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

કોર્ટોમાં ફીઝીકલ કાર્યવાહી ચાલુ કરવાનું વિચારીએ છીએ : નવી એસ.ઓ.પી.પ્રસિધ્ધ થશે : ચીફ જસ્ટીસ

રાજકોટ, તા. ર૧ : ગઇકાલે મળેલ વિવિધ બાર એસો.ની મીટીંગના સંદર્ભે ચીફ જસ્ટીસ શ્રી એ નવી SOP તૈયાર કરી શનિવાર સુધીમાં પ્રસિધ્ધ કરવાની ખાતરી આપી છે. સાથે સાથે જે સ્થાનો પર કોરોના કે એમીક્રોન નું પ્રમાણ નિયંત્રણ હેઠળ હશે તે કોર્ટ ફિઝીકલી સત્વરે ચાલુ કરવા વિચારણા હેઠળ છે તેવું પણ જણાવેલ છે. આમ છતાં જ્યાં સંક્રમણ વધુ છે તે ક્ષેત્ર ના વકીલોને બે વિક સુધી સહકાર આપવા અને હાલની જેમ કોર્ટ કાર્યવાહી ચાલે તેમાં સહકાર આપવા વિનંતી પણ કરેલ છે. વધુમાં જે જીલ્લા કે તાલુકા કોર્ટ ફિઝીકલી ચાલુ થઇ શકે તેમ હશે તે જીલ્લા તથા તાલુકા કોર્ટ ની યાદી સોમવાર સુધીમાં શક્ય હશે તો પ્રસિધ્ધ કરવાની ખાતરી આપેલ છે.

ગઇકાલે ગુજરાતના વિવિધ બાર એસો.ના પ્રતિનિધિઓ સાથે હાઇકોર્ટના ચીફ જસ્ટીસશ્રીની વર્ચ્યુલ મીટીંગ યોજાઇ હતી. જેમાં વકીલોને પડતી મુશ્કેલીઓ તેમજ કોર્ટમાં પ્રવેશબંધી તેમજ ફીઝીકલ કાર્યવાહી તાત્કાલીક શરૂ કરાવવા અંગે વકીલ સંગઠનો દ્વારા થયેલ રજુઆત બાદ ચીફ જસ્ટીસશ્રીએ ઉપર મુજબની ખાત્રી આપી હતી.

દરમ્યાન વકીલોની એવી પણ માંગણી છે કે, જયાં નાના મથકો છે અને કોરોનાના કેસો નહિવત છે. તેવા સ્થળોએ તાત્કાલીક પ૦ ટકાની ક્ષમતા સાથે પણ કોર્ટ કાર્યવાહીઓ ચાલુ કરી દેવી જોઇએ.

કોરોનાના કારણે છેલ્લા બે વર્ષોથી કોર્ટોમાં કેસોનો ભરાવો પણ થયેલ હોય આ અંગે સત્વરે યોગ્ય કરવા વકીલો ઇચ્છી રહ્યા છે.

(3:09 pm IST)