Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

શ્રી મંગલમય ક્રેડીટ સોસાયટીના ચેક રિટર્નના કેસમાં રેલ્વે કર્મચારીને એક વર્ષની સજા ફરમાવતી કોર્ટ

રાજકોટ તા. ર૧ : અત્રે શ્રી મંગલમ ક્રેડીટ કો.ઓ.સોસાયટી લી.માંથી લીધેલ ધિરાણની વસુલાત પેટે આપેલ ચેક રીર્ટનની ફરીયાદમાં રેલ્વેના કર્મચારીને ૧ વર્ષની સજા કોર્ટ  ફરમાવતી હતી.

સદર બનાવની હકીકત એવી છે કે આ કામના ફરીયાદી મંગલમ ક્રેડીટ કો.ઓ.સોસાયટી લી. રાજકોટમાંથી આ કામના આરોપી મહેશભાઇ પરશુરામભાઇ દવેએ રૂ.પ૦,૦૦૦ અંકે રૂપીયા પચાસ હજાર પુરાની જાત જામીન ધિરાણ લીધેલ હતું અને આ ધિરાણ લેતી વખતે આરોપીએ મંડળીના ધારા-ધોરણો મુજબના ડોકયુમેન્ટમાં સહીઓ કરી આપેલ હતી. અને મંડળીના હપ્તા નિયમીત રીતે ભરપાઇ કરવાની બાંહેધરી આપેલ હતી. તેમ છતાં આરોપીએ  મંડળીની કાયદેસરની લેણી રકમ રૂ.૩૬,૬૬૧ અંકે રૂપિયા છત્રીસ હજાર છસો એકસઠ પુરાનો ફરીયાદી મંડળીને ચેક આપેલો અને જે ચેક રીટર્ન થતા ફરીયાદીએ પોતાના એડવોકટ અશ્વિન ડી.પાડલીયા મારફતે લીગલ નોટીસ આપેલ તેમ છતાં આરોપીએ મંડળીની લેણી રકમ પરત ન ચુકવતા ફરીયાદીએ રાજકોટની ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ સમક્ષ નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ-૧૩૮ મુજબ ફરીયાદ દાખલ કરેલી.

આ કામમાં કોર્ટ દ્વારા આરોપી મહેશભાઇ પરશુરામભાઇ દવેને સમન્સ ઇસ્યુ કરેલ અને જે સમન્સ ધોરણસર રીતે આરોપીને બજી ગયેલ અને કોર્ટ દ્વારા આરોપીની પ્લી લીધેલ ત્યારબાદ આ કામના આરોપી કોર્ટમાં સતત અને સતત ગેરહાજર રહેતા હોય નામદાર કોર્ટ દ્વારા ઘણી વખત વોરંટ ઇસ્યુ કરવામાં આવેલ તેમ છતાં પણ આરોપી નામદાર કોર્ટમાં હાજર રહેતા ન હોય ફરીયાદીના એડવોકેટ દ્વારા આરોપી તરફે ઉલટ તપાસનો હકકબંધ કરવાની અરજી કરવામાં આવેલી જેથી નામદાર કોર્ટ દ્વારા આરોપીનો ઉલટતપાસનો હકકબંધ કરવામાં આવેલો અને ત્યારબાદ આરોપી સતત નામદાર કોર્ટમાં ગેરહાજર રહેતા હોય કોર્ટ દ્વારા આરોપીના વિશેષ નિવેદનનો પણ હકકબંધ કરવામાં આવેલ અને ત્યારબાદ કોર્ટ દ્વારા અરોપીની ફાઇનલ દલીલનો હક્ક બંધ કરવામાં આવેલ ત્યારબાદ ગત તા.ર૪/૧ર/ર૦ર૧ ના રોજ નામદાર કોર્ટ દ્વારા આરોપી મહેશભાઇ પરશુરામભાઇ દવેને ૧ વર્ષની સજા ફરમાવતો હુકમ ફરમાવવામાં આવેલ અને ફરીયાદીને ચેક મુજબ રકમ રૂ. ૩૬,૬૬૧ અંકે રૂપિયા છત્રીસ હજાર છસો એકસઠ પુરા વળતર તરીકે ચુકવી આપવાનો હુકમ ફરમાવવામાં આવેલો અને જો આ વળતરની રકમ ફરીયાદી મંડળીને પરત ન ચૂકવે તો  વધુ ૬ માસની સજા ફરમાવવાનો હુકમ કરવામાં આવેલ.

આ કામમાં ફરીયાદી મંગલમ શરાફી સહકારી મંડળી લી. તરફથી  રાજકોટના એડવોકેટ અશ્વિન ડી.પાડલીયા રોકાયેલ હતા.

(3:08 pm IST)