Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

કોરોનામાં ૩ લાખના મોત : ભાજપ આંક છુપાવે છે : મોઢવાડિયા

સરકારી ચોપડે નોંધાયેલા મૃત્યુથી ઘણી વધુ અરજીઓ આવી : અત્યાર સુધીમાં ૯૧,૮૧૦ પૈકી ૫૮,૮૪૦ અરજીઓ મંજૂર થઇ : રાજકોટમાં યોજાયેલ પત્રકાર પરિષદમાં ભાજપની રાજ્ય સરકારને આડે હાથ લેતા કોંગ્રેસ પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા

કોંગ્રેસ દ્વારા રાજ્યમાં કોવિડ ન્યાય યાત્રા યોજવામાં આવી રહી છે. જેને પગલે રાજકોટમાં આજે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયા, રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી, પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂત, રાજકોટ મનપા ના વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી, ડો. હેમાંગભાઇ વસાવડા, દિનેશભાઈ મકવાણા, જસવંતસિંહ ભટ્ટી, રહીમભાઇ સોરા, કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયા, પ્રવીણભાઈ રાઠોડ, અતુલભાઇ રાજાણી અને ભાર્ગવભાઇ પઢીયાર ઉપસ્થિત રહ્યા હતા તે વખતની તસ્વીર. (તસ્વીર : અશોક બગથરીયા) (૨૧.૨૫)

રાજકોટ તા. ૨૧ : કોવિડ મહામારીમાં ભાજપ સરકારના ગુન્હાહીત અને અણઘડ વહીવટને પરિણામે રાજયના ૩ લાખો નાગરિકોએ તેમના જીવ ગુમાવ્યા છે. ઉપરાંત મૃતકોના આંકડા છુપાવવાના અત્યંત નિંદનીય પ્રયાસો પણ ભાજપની સરકારે કર્યા છે. ત્યારે તાજેતરમાં સુપ્રિમકોર્ટની આકરી ટિપ્પણીઓના સંદર્ભમાં આ સઘળી હકીકતો બહાર આવી છે. તેવો આક્ષેપ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયાએ આજે રાજકોટમાં યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં કર્યો હતો.

શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે સવારે ૧૦.૩૦ કલાકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયા ની ઉપસ્થિતિ માં પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા કહેવામાં આવ્યું હતું કે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોને વળતર ચુકવવા મામલે થયેલી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે ત્યારે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ સ્વીકાર્યું કે સરકારી ચોપડે નોંધાયેલા મૃત્યુથી ઘણી વધુ અરજીઓ આવી છે જેમાં અત્યાર સુધીમાં ૯૧,૮૧૦ અરજીઓ આવી જેમાંથી ૫૮૮૪૦ અરજીઓ મંજૂર કરવામાં આવી છે તેમજ ૧૫૦૦૦ જેટલી અરજીઓ પેન્ડીંગ છે અને ૫૦૦૦ જેટલી અરજીઓ રીજેકટ કરવામાં આવી છે તેમજ ૧૧૦૦૦ જેટલી અરજીઓ પ્રોસેસમાં છે. ગુજરાત સરકાર ને સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તકનીકી કારણો પર સરકાર લોકોની અરજીઓ નામંજૂર ના કરે અને જેની અરજી નામંજૂર કરો છો એમને કારણો આપો છો ? સરકાર માફી માંગે એ નહિ ચાલે અને મૃતકોના પરિવારજનોને વળતર ચુકવણીમાં વિલંબ નહિ ચલાવી લેવાય. લોકો સરકારની દયા પર નથી જીવતા સરકાર વળતર ચૂકવીને કોઈની પર ઉપકાર નથી કરતી.

કોંગ્રેસ પાર્ટીના નેતારાહુલ ગાંધી છેલ્લા ૫ મહિનાથી કહી રહ્યા છે કે ગુજરાતમાં કોરોના ને કારણે ૩ લાખ કરતા વધુ મૃત્યુ થયા છે અને તેમના પરિવારોને NDMA ની જોગવાઈ મુજબ રૂપિયા ૪ લાખ મળવા જોઈએ. ૩ દિવસ અગાઉ સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સરકારે જણાવ્યું કે તેમણે ૬૮૩૭૦ કોરોના મૃત્યુ એપ્રુવ કાર્ય છે અને બીજા ૨૪૦૦૦ કલેમ પ્રોસેસમાં છે કુલ ૮૯૬૩૩ એ વળતર માટે અરજી કરેલ છે. તેમજ ગયા અઠવાડિયે THE SCIENCE JOURNAL ના ભારતમાં કોરોના મૃત્યુ ના રીપોર્ટમાં જણાવ્યું છે કે ભારતમાં મહામારી ના કારણે સપ્ટેમ્બર ૨૦૨૧ સુધીમાં ૩૫ થી ૪૦ લાખ લોકોના મૃત્યુ થયા છે. તેમજ WHO એ પણ હમણા જણાવ્યું છે કે WHO ભારતના કોવીડ મૃત્યુ આંકડા પર વિશ્વાસ કરતુ નથી.

વધુમાં શ્રી મોઢવાડિયાએ કહ્યું હતું કે વળતર બધાજ ૩ લાખ પરિવારને જેના પરિવારજન સપ્ટેમ્બર ૨૦૨૧ સુધીમાં મૃત્યુ પામ્યા છે તેમને મળવું જોઈએ અને સરકાર મૃતક પરિવારજનો પાસે અરજી કરવાની કેમ અપેક્ષા રાખે છે? તેણે હોસ્પિટલ વગેરે પાસેથી પણ માહિતી મેળવી વળતર આપવું જોઈએ તેમજ આંકડા છુપાવનાર વ્યકિતઓ સામે પગલા લેવા જોઈએ અને સરકારી કર્મચારીઓના મૃત્યુ થયા છે તેમના પરિવારજનને કાયમી નોકરી આપવી જોઈએ અને હાલ સરકાર ત્રીજા વેવમાં જે આંકડા આપે છે તેની ભરોસા પાત્રતા કેટલી ? સરકારે પોતાની અક્ષમતા અને ભૂલનો સ્વીકાર કરી સારી તૈયારી કરવી જોઈએ તેમજ આરોગ્ય વ્યવસ્થા સુધારવી જોઈએ જેથી ત્રીજા વેવમાં તથા નુકસાનને અટકાવી શકાય.

અંતમાં શ્રી મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, સરકારે WHOની ચેતવણી પણ ન સાંભળી આજે સમગ્ર દેશમાં ૪.૩૦ લાખ કેસો છે.ગુજરાતમાં કોરોનાના કયારેય આટલા કેસો આવ્યા નથી. ગઇકાલે ૨૫ હજારની નજીક આંકડો પહોંચી ગયો છે. કોરોના હાલમાં હળવો છે. પરંતુ જયારે લોકો અસરગ્રસ્ત થાય ત્યારે તેની અસર ના થાય તેવું નથી. હજી આ આંકડો વધશે.(૨૧.૨૬)

કોવિડથી મૃત્યુ પામેલ વ્યકિતના સ્વજનોને ૪ લાખની સહાય આપો

રાજકોટ : આજે યોજાયેલ પત્રકાર પરીષદમાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, કોરોના મહામારી અંગે કોંગ્રેસ પક્ષ દ્વારા કોવિડથી મૃત્યુ પામેલ દરેક મૃતક માટે રૂ. ૪ લાખનું વળતર આપવા, કોવિડગ્રસ્ત તમામ દર્દીઓના તમામ મેડિકલ ખર્ચની રકમની ચૂકવણી, સરકારી તંત્રની ઘોર નિષ્ફળતાની ન્યાયિક તપાસ તથા કોવિડથી મૃત્યુ પામેલ સરકારી કર્મચારીઓના સંતાન - પરિવારજનો પૈકી કાયમી નોકરી આપવા સહિતની માંગણીઓ કરવામાં આવી રહી છે. (૨૧.૨૬)

ભાજપને ભીડવતા કોંગ્રેસના સવાલો

   ગુજરાત સરકારને માત્ર ૧૦,૦૦૦ મૃત્યુ દર્શાવવા બાબતે પ્રશ્ન પૂછવો.

   કોવિડ ટેસ્ટ કરાવ્યા વગર મૃત્યુ પામ્યા તેનું શું ?

   આંકડા છુપાવવાને કારણે હજારો નિરાધાર બનેલા લોકો કલ્યાણ લાભથી વંચિત રહેશે તેનું શું ?

   વળતર બધા જ ૩ લાખ પરિવારને જેના પરિવારજન સપ્ટેમ્બર ૨૦૨૧ સુધી મૃત્યુ પામ્યા છે તેમને મળવું જોઇએ.

   સરકાર મૃતક પરિવારજનો પાસે અરજી કરવાની કેમ અપેક્ષા રાખે છે ? તેણે હોસ્પિટલ વગેરે પાસેથી પણ માહિતી મેળવી વળતર આપવું જોઇએ.

   આંકડા છુપાવનાર વ્યકિતઓ સામે પગલા લેવા જોઇએ.

   સરકારી કર્મચારીઓના મૃત્યુ થયા છે તેમના પરિવારજનને નોકરી આપવી જોઇએ.

   સરકાર અત્યારે ત્રીજા વેવમાં જે આંકડા આપે છે તેની ભરોસાપાત્રતા કેટલી?

(3:08 pm IST)