Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

રાજકોટના ૩૦૦ તબિબી અધ્યાપકો-ઇન સર્વિસ ડોકટરો સરકારના નિર્ણયથી રાજી રાજી

લાંબા સમયથી અણઉકેલ તમામ પ્રશ્નોનો અંત આવી જતાં હડતાલ મોકુફ

રાજકોટ તા. ૨૧: લાંબા સમયથી પડતર રહેલી સરબારી તબિબી અધ્યાપકો અને ઇન સર્વિસ ડોકટરોની અનેક માંગણીઓનો અંતે ગત સાંજે સરકારે સ્વીકાર કરી લેતાં આજથી રાજ્યભરમાં શરૂ થનારી હડતાલ કેન્સલ કરવામાં આવી હતી. રાજકોટ સિવિલ હોસ્પિટલ, મેડિકલ કોલેજ અને આરોગ્ય કેન્દ્રોના ૩૦૦ જેટલા તબિબો-અધ્યાપકોએ સરકારે માંગણીઓ સ્વીકારી લીધી તે નિર્ણયને આવકારી ખુશી વ્યકત કરી છે. કોરોનાના કેસ વધ્યા છે ત્યારે જ તબિબોએ હડતાલ પર જવાની ચિમકી ઉચ્ચારી હતી. જેને લઇને સરકારે તાકીદની બેઠક યોજી હતી અનેઅણઉકેલ પ્રશ્નોનો અંત લાવી દીધો હતો.

લાંબા સમયથી ચાલતી લડતમાં પરમ ગઇકાલે ગુરૂવારે રાજ્યભરના તબિબી અધ્યાપકો, ઇન સર્વિસ ડોકટરો હડતાલ કરવાના હતાં. પરંતુ સરકારે પ્રશ્નો ઉકેલવાની બાહેંધરી આપી હોઇ ગઇકાલની હડતાલ મોકુફ રહી હતી. અંતે ગત સાંજે આરોગ્યમંત્રી સાથે તબિબોની સમાધાન બેઠક યોજાઇ હતી. જેમાં તમામ માંગણીઓ સરકારે સ્વીકારી લેતાં તબિબોએ હડતાલ પાછી ખેંચી છે. રાજકોટના ૩૦૦ જેટલા તબિબો પણ હડતાલ પર ઉતરવાના હતાં. પણ ઉકેલ આવી જતાં આ એસોસિએશને સરકારના આ નિર્ણયને આવકાર્યો છે.

સરકારે જે માંગણીઓ સ્વીકારી છે તે આ મુજબ છે. સરકારી ડોકટરો માટે ૧-૬-૨૦૧૯ની તારીખના અમલથી નવુ એનપીએ લાગુ  કરાશે અને એરિયર્સ પાંચ હપ્તામા ચુકવાશે તેમજ હવે ૧-૬-૨૦૧૯થી રૂ. ૨,૩૭,૫૦૦નું ઉચ્ચતર પગાર ધોરણ મળશે. ૩૧મી માર્ચ પહેલા સેવા સળંગ ઓર્ડર અને સેવા વિનયમિત ઓર્ડર પુરા કરી બોલા દેવાશે,  ૩૧મી માર્ચ પહેલા તમામ પેન્ડિંગ ઓર્ડર પૂર્ણ કરી જાહેર કરી દેવાશે,  ૩૧મી માર્ચ પહેલા ડોકટરોના રીડેઝિગ્નેશનના ઠરાવનો અમલ કરતા લિસ્ટ પણ જાહેર કરી દેવાશે,  ડોકટરોના પગારમાંથી નાણાંની રીકવરીનો ૨૨ નવેમ્બર ૨૦૨૧નો ઓર્ડર સંપૂર્ણ કેન્સલ કરાશે અને હવે કોઈ પણ રીકવરી નહી કરાય તેમજ થયેલ રીકવરીના  નાણા પરત કરાશે, અધ્યાપકો-ડોકટરોને સાતમા પગાર પંચની ચુકવણી માટેના સ્ટીકર પ્રોબ્લેમને નિવારવા તેમજ પેન્શન ઈસ્યુ મુદ્દે પેન્શન કેમ્પ અને પે પેન્શન સેલ કેમ્પ યોજવામા આવશે. પેન્ડિંગ કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમના ઓર્ડર ટૂંક સમયમાં કરાશે અને ૭મા પગારપંચ મુજબ પે સ્કેલનો લાભ અપાશે, સર્વિસમાં જોડાવા બાબતે પોલીસીનો ઓર્ડર પણ ટૂંક સમયમાં જાહેર કરાશે ૯૨ અને ૨૨ મેડિકલ ટીચર્સના સેવા સળંગ અને સેવા વિનિયમિતના ઓર્ડરની ફાઈલ પણ ટૂંક સમયમાં કલીયર કરાશે.

(12:43 pm IST)