Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

રાજકોટ ક્રાઇમ બ્રાંચની બાતમી પરથી લજાઇમાં દરોડો : કુખ્યાત બૂટલેગર ફિરોઝ સંધી અને ધવલનો ૧૩.૬૮ લાખનો દારૂ જપ્ત

ટંકારા પોલીસને સાથે રાખી કાર્યવાહીઃ દારૂનો જથ્થો, બોલેરો ગાડી કબ્જેઃ ફિરોઝ તથા ધવલ સિતાપરાની શોધખોળ : લજાઇ જીઆઇડીસી ચોકડીએ નામ વગરના નવા બનેલા ગોડાઉનમાં ૩૦૪ પેટી દારૂ ઉતર્યો હતોઃ કટીંગ થાય એ પહેલા પકડાયો : ડીસીબીના ક્રિપાલસિંહ જાડેજા, સુભાષભાઇ ઘોઘારી, દેવાભાઇ ધરજીયા અને મૈસુરભાઇ કુંભારવાડીયાની બાતમી

રાજકોટ તા. ૨૧: રાજકોટ સોૈરાષ્ટ્રના કુખ્યાત બુટલેગર જંગલેશ્વરના ફિરોઝ સંધી અને કોઠારીયા સ્વાતિ પાર્કના ધવલ સિતાપરાએ ટંકારાના લજાઇ ચોકડીએ નવા બનેલા ગોડાઉનમાં ત્રણ રાજસ્થાની મારફત દારૂનો મોટો જથ્થો ઉતાર્યો હોઇ રાજકોટ ડીસીબીની બાતમી પરથી ટંકારા પોલીસને સાથે રાખી દરોડો પાડવામાં આવતાં ૧૩.૬૮ લાખનો દારૂ અને એક બોલેરો ગાડી સાથે ત્રણ રાજસ્થાની શખ્સો ઝડપાઇ ગયા હતાં. ધવલ અને ફિરોઝ હાથમાં આવ્યા નહોતાં.

ટંકારાના લજાઇમાં જીઆઇડીસીમાં સિલ્વર રીસાઇકલ ઇન્ડસ્ટ્રીઝ ગોડાઉનની બાજુમાં નવા બનેલા નામ વગરના ગોડાઉનમાં રાજકોટ જંગલેશ્વરના નામચીન બુટલેગર ફિરોઝ હાસમભાઇ સંધી અને સ્વાતિ પાર્કના ધવલ રસિકભાઇ સાવલીયાએ વાંકાનેર, લજાઇના શખ્સ સાથે મળી દારૂ ઉતાર્યો હોવાની બાતમી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચને મળતાં અહિના ચાર કર્મચારીઓને સાથે રાખી ટંકારા પોલીસે દરોડો પાડતાં ગોડાઉનમાંથી રૂ. ૧૩,૬૮,૦૦૦નો ૩૬૪૮ બોટલ દારૂ મળી આવતાં દારૂ, ૩ાા લાખની બોલેરો મળી એક રાજસ્થાની શખ્સ તથા લજાઇ, વાંકાનેરના બે શખ્સોને પકડી લેવાયા હતાં. દારૂ મંગાવનાર ફિરોઝ અને ધવલ હાથમાં આવ્યા નહોતાં.

પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટ ડીસીબીના હેડકોન્સ. ક્રિપાલસિંહ, હેડકોન્સ. સુભાષભાઇ ઘોઘારી અને કોન્સ. દેવાભાઇ ધરજીયા તથા મૈસુરભાઇ કુંભારવાડીયા એસીપી ડી. વી. બસીયા અને પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં નાસતા ફરતાં આરોપીની તપાસ માટે ટંકારા તરફ ગયા ત્યારે ટંકારાના કોન્સ. હિતેષભાઇ ચાડા, સિધ્ધરાજસિંહ ઝાલાને સાથે રાખી લજાઇ ચોકડી તરફ તપાસ માટે જતાં રાજકોટની ટીમને બાતમી મળી હતી કે લજાઇ ચોકડીએ નવા બનેલા ગોડાઉન કે જેમાં નામનું કોઇ બોર્ડ નથી ત્યાં રાજકોટના બુટલેગર ધવલ સાવલીયા છુપાયો હોવાની બાતમી હોઇ દરોડો પાડતાં જીજે૦૩બીડબલ્યુ-૧૬૧૯ નંબરની બોલેરો જોવા મળી હતી અને ત્રણ શખ્સો મળી આવ્યા હતાં.

આ શખ્સોએ પોતાના નામ દિનેશ શાંતિલાલ મીણા (ઉ.૨૦-રહે. ખેડાઆહિરાન તા. ડુંગલા જી. ચિત્તોડગઢ રાજસ્થાન), શંભુલાલ પદ્દમસિગ મીણા (ઉ.૨૦-રહે. લજાઇ તા. ટંકારા) અને દુર્જનસિંગ પદમસિંગ સિસોદીયા (ઉ.૩૨-રહે. વાંકાનેર ગામ ફાટક પાસે) જણાવ્યા હતાં. આ ગોડાઉનમાંથી અલગ અલગ બ્રાન્ડનો ૩૦૪ પેટી દારૂ (૩૬૪૮ બોટલો) રૂ. ૧૩,૬૮,૦૦૦નો મળી આવતાં તે તથા બોલેરો ગાડી કબ્જે કરી ત્રણેયને પકડી લેવાયા હતાં.

પકડાયેલા ત્રણેય શખ્સો મુળ રાજસ્થાનના છે અને હાલમાં રાજકોટના કુખ્યાત બુટલેગર ફિરોઝ સંધી અને ધવલ સિતાપરાના માણસો તરીકે કામ કરે છે. આ ત્રણેયએ ધવલ અને ફિરોઝના કહેવાથી આ દારૂ ગોડાઉનમાં ઉતાર્યો હોવાનું પણ કબુલતાં ટંકારા પીએસઆઇ એસ. એમ. રાણા હેડકોન્સ. વિજયભાઇ બાર સહિતની ટીમે ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.

(12:42 pm IST)