Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

ડો. રાજેન્દ્ર પ્રસાદના હસ્તે ઇ.સ. ૧૯૨૩ માં ગીતા પ્રેસ ને શરૂ કરવામાં આવેલું

ધાર્મિક પુસ્તકોનું તિર્થસ્થાન એટલે ગોરખપુરનું ગીતા પ્રેસ

ગીતા અને રામચરિત માનસ સિવાય અહીં ૨૦૦૦ પુસ્તકોની ૬૧ કરોડ નકલો છપાઈ ચૂકી છે : એટલું જ નહીં ૧૦૦ થી વધુ આકાર પ્રકારની ગીતાની ૧૨ કરોડથી વધુ નકલો પણ અહીં છપાઈ ચૂકી છે ! ગીતા પ્રેસનું લોકપ્રિય મેગેઝિન કલ્યાણની દર મહિને ૨.૩૦ લાખ નકલો વેંચાય છે : એકવાર પુસ્તક પ્રકાશિત થયા પછી તેને જમીન પર રાખવામાં આવતું નથી : ગીતા પ્રેસના કુલ પ્રકાશનોની સંખ્યા ૧,૬૦૦ છે, આમાંથી ૭૮૦ પ્રકાશનો હિન્દી અને સંસ્કૃતમાં છે : બાકીના પ્રકાશનો ગુજરાતી, મરાઠી, તેલુગુ, બંગાળી, ઉડિયા, તમિલ, કન્નડ, અંગ્રેજી અને અન્ય ભારતીય ભાષાઓમાં છે : રામચરિત માનસ નેપાળી ભાષામાં પણ પ્રકાશિત થાય છે : ૨૦૨૧-૨૨માં કોરોનાની બીજી લહેર તેની ટોચ પર હતી આમ છતાં એપ્રિલથી નવેમ્બર સુધીમાં ૪૯.૮૦ કરોડ રૂપિયાના પુસ્તકોનું વેચાણ થયું હતું : શેઠ જયપાલ ગોએન્કાએ માત્ર દસ રૂપિયામાં ભાડાના મકાનમાંથી ગીતા પ્રેસ શરૂ કર્યું! : આજે ઉત્ત્।ર પ્રદેશના મુખ્ય પ્રધાન અને નાથ સંપ્રદાયના વડા, યોગી આદિત્યનાથ ગીતા પ્રેસના સંરક્ષક છે

જેતે સમયે ચૂંટણી પ્રચાર દરમિયાન નરેન્દ્રભાઇ મોદી જયારે ગોરખપુર પહોંચ્યા હતા ત્યારે તેમણે ગીતા પ્રેસની મદદથી લોકોના દિલમાં જગ્યા બનાવવાનો પ્રયાસ કર્યો હતો. ગીતા પ્રેસની આ સ્થિતિ એક દિવસમાં બનાવવામાં આવી નથી. તેની પાછળ છેલ્લા ૧૦૦ વર્ષનો ઈતિહાસ છે. આમ તો 'ગીતા પ્રેસ ગોરખપુર'થી લગભગ બધા પરિચિત હોયજ. ગીતા પ્રેસ અથવા ગીતા મુદ્રણાલય એ હિન્દુ ધાર્મિક પુસ્તકોની વિશ્વની સૌથી મોટી પ્રકાશન સંસ્થા છે. તે પૂર્વી ઉત્ત્।ર પ્રદેશના ગોરખપુર શહેરના શેખપુર વિસ્તારમાં એક બિલ્ડિંગમાં ધાર્મિક પુસ્તકોના પ્રકાશન અને પ્રિન્ટિંગનું ભગીરથ કામ વર્ષોથી કરે છે. તે લગભગ ૨૦૦ કર્મચારીઓને રોજગારી આપે છે. તે એક સંપૂર્ણ આધ્યાત્મિક સંસ્થા છે. દેશ અને વિશ્વમાં હિન્દી, સંસ્કૃત અને અન્ય ભારતીય ભાષાઓમાં પ્રકાશિત ધાર્મિક પુસ્તકો, ગ્રંથો અને સામયિકોનું વેચાણ કરતી ગીતાપ્રેસને રામચરિતમાનસ અને ભગવદ ગીતાને ભારતમાં ઘરે-ઘરે પહોંચાડવાનો શ્રેય આપવામાં આવે છે. ગીતા પ્રેસના પુસ્તકો ૧૮ ખાનગી હોલસેલ દુકાનો, હજારો પુસ્તક વિક્રેતાઓ અને ૪૨ મોટા રેલ્વે સ્ટેશનો પર ગીતા પ્રેસ બુક સ્ટોલ દ્વારા વેચાય છે. કલ્યાણ (હિન્દી માસિક) અને કલ્યાણ-કલ્પતરુ (અંગ્રેજી માસિક) પણ ગીતા પ્રેસ ગોરખપુર દ્વારા પ્રકાશિત થાય છે. આ પ્રેસની શરૂઆતની કથા ખૂબ જ રસપ્રદ છે.

હકીકતમાં, આ આઝાદી પહેલાની વાત છે જયારે કોલકાતાના પ્રખ્યાત શેઠ જયપાલ ગોએન્કાએ લોકોને સંભળાવવા માટે પ્રિન્ટિંગ પ્રેસમાં શ્રીમદ ભગવદ ગીતા છપાવી હતી. પણ મુદ્રિત ગીતામાં શબ્દો અને જોડણીની મોટી ભૂલો જોઈને તે નિરાશ થઈ ગયા. અહીંથી જ તેમના મનમાં પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કરવાનો વિચાર આવ્યો જેમાં સસ્તું અને ભૂલમુકત ધાર્મિક સાહિત્ય છાપવામાં આવે તે બાબત અમલ કરવા વિચાર્યું. તેમણે ગોરખપુરના મોટા ઉદ્યોગપતિ ઘનશ્યામદાસ જાલાન સાથે વાત કરી અને તે ચર્ચા સફળ રહેતા ગીતા પ્રેસ માત્ર દસ રૂપિયામાં ભાડાના મકાનમાંથી શરૂ થયું.! પ્રોડકશન મેનેજર લાલમણિ તિવારીના જણાવ્યા અનુસાર તેઓ બહારના પ્રિન્ટરોમાં છપાવતા હતા ત્યારે બહારના પ્રિન્ટરોએ કહ્યું કે જો તમારે આટલું દોષરહિત સાહિત્ય જોઈતું હોય તો તમારું ખુદનું પ્રેસ ખોલો. બસ.. ગોયંદકાજીને આ ભાગવત આદેશ લાગ્યો અને ગીતા પ્રેસની શરૂઆત થઇ.

ગીતા પ્રેસની શરૂઆત દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદ ના હસ્તે કરવામાં આવી હતી. ઇ.સ. ૧૯૨૩ માં શરૂ થયેલ ગીતા પ્રેસ દસ દાયકામાં તીર્થસ્થાન બની ગયું છે. ગોરખપુર આવતા મોટા ભાગના લોકો આ પ્રિન્ટિંગ પ્રેસને જોવા એકવાર જરૂર આવે છે. તેનું કારણ તેની લોકપ્રિયતા છે. થોડા વર્ષો પહેલા ગીતા પ્રેસે પાંચ હજાર ટન કાગળ પર ગીતા, માનસ અને અન્ય ગ્રંથો પ્રકાશિત કર્યા હતા. આ આંકડો અન્ય કોઈપણ મોટા પ્રકાશનમાં કાગળની કિંમત કરતાં વીસ ગણો વધુ છે.! ગીતા અને રામચરિતમાનસ સિવાય અહીં ૨૦૦૦ પુસ્તકોની ૬૧ કરોડ નકલો છપાઈ ચૂકી છે. ૧૦૦ થી વધુ આકાર પ્રકારની ગીતાની ૧૨ કરોડથી વધુ નકલો પણ અહીં છપાઈ ચૂકી છે. ગીતા પ્રેસના પ્રથમ સંપાદક અગ્રણી સમાજસેવક હનુમાન પ્રસાદ પોદ્દાર હતા. તેમની દેખરેખ હેઠળ અહીં પ્રકાશિત થતા પ્રખ્યાત માસિક સામયિક કલ્યાણનું પ્રકાશન શરૂ થયું હતું. પોદ્દાર, જેઓ શ્રી અરબિંદો (તે સમયે બાબુ અરબિંદો ઘોષ) સાથે આલીપોર જેલમાં બંધ હતા. તેમણે જેલમાં જ ગીતાનો અભ્યાસ શરૂ કર્યો. તેમની મુકિત પછી તેમણે નોંધ્યું કે કેવી રીતે કલકત્ત્।ા ખ્રિસ્તી મિશનરી પ્રવૃત્ત્િ।નું કેન્દ્ર બની ગયું હતું. જયાં બાઇબલ સિવાય, અન્ય ખ્રિસ્તી પુસ્તકો, હિંદુ ધાર્મિક પરંપરાઓના અનાદરથી લઈને જૂઠાણા સુધી સહેલાઈથી ઉપલબ્ધ હતા. પરંતુ ગીતા - જે હિંદુઓનો સૌથી જાણીતો ગ્રંથ હતો, તેની નકલો પણ ઉપલબ્ધ ન હતી. તેથી જ બંગાળીઓ ઝડપથી હિંદુમાંથી ખ્રિસ્તી બની રહ્યા હતા. ૧૯૨૬ માં આયોજિત મારવાડી અગ્રવાલ મહાસભાના દિલ્હી અધિવેશનમાં હનુમાન પ્રસાદ પોદ્દાર, શેઠ ઘનશ્યામદાસ બિરલાને મળ્યા કે જેઓ પહેલાથી જ આધ્યાત્મિકતામાં ઊંડો રસ ધરાવતા હતા તેમણે પોદ્દારને સલાહ આપી કે તેમણે આધ્યાત્મિક વિચારો અને ધર્મનો સાર લોકો સુધી પહોંચાડવા માટે સંપૂર્ણ સામયિક હિન્દીમાં પ્રકાશિત કરવું જોઈએ. પોદ્દારે જયદયાલ ગોએન્કા સાથે તેમના વિચારની ચર્ચા કરી જેમણે તે સમય સુધીમાં ગોવિંદ ભવન કાર્યાલય હેઠળ ગીતા પ્રેસ નામનું પ્રકાશનની નોંધણી કરાવી હતી. ગોએન્કાએ પોદ્દારને તેમના પ્રેસમાંથી આ મેગેઝિન પ્રસિધ્ધ કરવાની જવાબદારી સોંપી અને આ રીતે 'કલ્યાણ'મેગેઝિનનો જન્મ થયો જે હિન્દુ ઘરોમાં વ્યાપકપણે પ્રસારિત થયું. આજે લગભગ દરેક લોકપ્રિય ભારતીય ભાષા અને અંગ્રેજીમાં આવતા કલ્યાણના માસિક અંક ઉપરાંત સામયિકનો વાર્ષિક અંક પણ પ્રકાશિત થાય છે. જે સામાન્ય રીતે કોઈ એક પુરાણ અથવા અન્ય ધર્મશા સ્ત્ર પર આધારિત હોય છે.

ગીતા પ્રેસની સ્થાપના પાછળની દ્રષ્ટી સ્પષ્ટ હતી. પ્રકાશન અને સામગ્રી/માહિતીની ગુણવત્ત્।ા સાથે સમાધાન કર્યા વિના શા સ્ત્રોને સૌથી ઓછા ખર્ચે અને સરળ ભાષામાં લોકો માટે સુલભ બનાવવા. ગીતા પ્રેસની સ્થાપના બિન-લાભકારી સંસ્થા તરીકે કરવામાં આવી હોવા છતાં ગોએન્કા-પોદ્દારે તેના માટે કોઈપણ દાન સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને લઘુત્ત્।મ નફાના સિદ્ઘાંત પર ચલાવવાનું નક્કી કર્યું હતું. ૫ વર્ષની અંદર ગીતાપ્રેસ દેશભરમાં ફેલાઈ ગઈ હતી, વિવિધ ગ્રંથોનો અનુવાદ અને પ્રકાશન કરતી હતી. ગરુડ પુરાણ, કુર્મપુરાણ, વિષ્ણુપુરાણ જેવા મહત્વના ગ્રંથોનું પ્રકાશન એટલું જ નહીં, પહેલો શુદ્ઘ અને સાચો અનુવાદ પણ ગીતા પ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો.! આમ તો ગીતા પ્રેસે શ્રીમદ ભાગવત ગીતા અને રામચરિતમાનસની કરોડો નકલો પ્રકાશિત કરી અને તેનું વિતરણ પણ કર્યું છે. તેનો પ્રથમ અંક વેંકટેશ્વર પ્રેસ બોમ્બેમાંથી પ્રકાશિત થયો હતો અને એક વર્ષ પછી તે ગોરખપુરથી પ્રકાશિત કરાયો હતો. તે જ સમયે ગોરખધામ મંદિરના વડા અને નાથ સંપ્રદાયના સિરમૌરને પ્રેસના માનદ સંરક્ષક તરીકે નિમણુંક આપવામાં આવી હતી. એટલે કે આજે ઉત્ત્।ર પ્રદેશના મુખ્ય પ્રધાન અને નાથ સંપ્રદાયના વડા, યોગી આદિત્યનાથ ગીતા પ્રેસના સંરક્ષક છે.

ગીતા પ્રેસની સૌથી આકર્ષક વિશેષતા એ છે કે તેમના દ્વારા વર્ષોથી સામગ્રીની ગુણવત્ત્।ા સાથે કોઇ જ પ્રકારનું સમાધાન કરવામાં આવ્યું નથી. પ્રેસ દ્વારા ૬૦૦ કરોડથી વધુ નકલો પ્રકાશીત કરાઇ ચૂકી છે અને હાલ પણ પ્રકાશન ચાલુ છે. એક વર્ષમાં ૨ કરોડ થી વધુ પુસ્તકો છપાય છે અને વેંચાય પણ છે. આ સમગ્ર પ્રકાશન પ્રક્રિયામાં વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. એકવાર પુસ્તક પ્રકાશિત થયા પછી તેને જમીન પર રાખવામાં આવતું નથી. કોઇ લાકડાના સ્ટેન્ડ પર અથવા આસન પાથરી તેના પર પુસ્તકો રાખવામાં આવે છે. કારણ એવું માનવામાં આવે છે કે આ પુસ્તક માત્ર ધાર્મિક પુસ્તકોજ નથી પણ ગીતાનો સાર છે, મંત્રોચ્ચારનો વાર છે જેના દ્વારા મનુષ્ય તેનું જીવન ધન્ય બનાવે છે. સમગ્ર ગીતા પ્રેસને મંદિર તરીકે જ રાખવામાં આવે છે. અન્ય ખાસ વાત એ છે કે અહિં પુસ્તકોના પાના ને ચોંટાડવા મશીનનો નહીં માત્ર કુદરતી રીતે બનેલા પદાર્થનોજ ઉપયોગ કરાય છે જેથી તેની પવિત્રતા જળવાય રહે. ૧૦૦ વર્ષોથી તે ઉચ્ચ ગુણવત્ત્।ાવાળા કાગળ પર પ્રકાશિત થાય છે. તેનું પ્રિન્ટિંગ સ્વચ્છ અને સ્પષ્ટ હોય છે. અનુવાદ અથવા પ્રિન્ટિંગમાં ભાગ્યે જ કોઈ ભૂલો હોય છે અને તે સામાન્ય રીતે નોંધાયેલા ગ્રાહકોને સમયસર પહોંચાડવામાં આવે છે. હનુમાન પ્રસાદ પોદ્દારે જે રીતે ગીતા પ્રેસને ચલાવ્યું એજ સિદ્ઘાંતો ગીતા પ્રેસ ગોરખપુરમાં આજ સુધી અનુસરવામાં આવે છે. જમાના સાથે તાલ મીલાવતા ગીતા પ્રેસમાં જાપાનીઝ ટેકનોલોજીવાળા ફોર કલર પ્રિન્ટિંગ મશીન આવવાથી પ્રિન્ટિંગ અને દેખાવમાં પણ ઘણો સુધાર આવ્યો છે. 'ભાઈજી'તરીકે ઓળખાતા પોદ્દારે આવી સિસ્ટમ બનાવી અને તેનું સંચાલન કર્યું અને એવી માન્યતાને તોડી નાખી કે ધર્મ કાર્ય કરવામાં કાં તો પૈસાની ખોટ થાય છે અથવા ગુણવત્ત્।ાની. ગીતા પ્રેસને નફાખોરી અને ખોટ બંનેની ચરમસીમાએ જતા અટકાવીને તેમણે નૈતિક વ્યવસાય અને ધર્મ આધારિત સાહસિકતાનું ઉદાહરણ આપ્યું. આઝાદી પછી અંગ્રેજોના રાય બહાદુર સન્માન અને ભારત સરકારના ભારત રત્ન બંનેને નકારનાર અમુક જાહેર વ્યકિતઓમાં હનુમાન પ્રસાદ પોદ્દાર એક હતા. તેઓ જે ડેસ્ક અને રૂમ પર પ્રેસ ચલાવતા હતા અને 'કલ્યાણ'નું સંપાદન કરતા હતા, મેગેઝિનમાં 'શિવ'ના ઉપનામથી લખતા, તે ડેસ્ક અને રૂમ આજે પણ અકબંધ છે.

ગીતા પ્રેસની કેટલીક વિશેષતાઓ જોઇએ તો, ગીતા પ્રેસ સરકાર કે અન્ય કોઈ વ્યકિત કે સંસ્થા પાસેથી કોઈ ગ્રાન્ટ લેતું નથી. ગીતા પ્રેસમાં દરરોજ ૫૦ હજારથી વધુ પુસ્તકો પ્રકાશિત થાય છે. મૂળ ગીતાના ૧૦૦ થી વધુ પુસ્તકો અને તેના ભાષ્યોની ૧૧ કરોડથી વધુ નકલો પ્રકાશિત કરવામાં આવી છે. આમાંના ઘણા પુસ્તકોના ૮૦-૮૦ ગ્રંથો છપાયા છે. પુસ્તકો કુલ ૧૫ ભાષાઓમાં પ્રકાશિત થાય છે જેમાં હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ગુજરાતી, મરાઠી, બાંગ્લા, ઉડિયા, આસામી, ગુરુમુખી, નેપાળી અને ઉર્દુ નો સમાવેશ થાય છે. અહીં પુસ્તકો કિંમત કરતાં ૪૦ થી ૯૦ ટકા ઓછા ભાવે વેચાય છે. દેશભરના ૪૨ રેલવે સ્ટેશનો પર સ્ટોલ અને ૨૦ શાખાઓ છે. ગીતા પ્રેસ તેના પુસ્તકોમાં કોઈ જીવંત વ્યકિતનું ચિત્ર છાપતું નથી અને કોઈ જાહેરાત પ્રકાશિત કરતું નથી. ગીતા પ્રેસ કોલકાતા સ્થિત 'ગોવિંદ ભવન' દ્વારા સંચાલિત છે. વધુમાં ગીતા પ્રેસ ગોરખપુરના ધાર્મિક પુસ્તકોના વેચાણમાં ૯૮ વર્ષનો રેકોર્ડ પણ તૂટ્યો હતો. કોરોના સંક્રમણ બાદ ધાર્મિક પુસ્તકોમાં લોકોનો રસ વધ્યો હોવાના કારણે ગીતાપ્રેસના પુસ્તકોનું વેચાણ વધ્યું હતું. ૨૦૧૮-૧૯માં જયારે કોરોના ન હતો ત્યારે એપ્રિલથી નવેમ્બર સુધી પુસ્તકોનું વેચાણ રૂ. ૪૨.૧૯ કરોડ અને ૨૦૧૯-૨૦માં સમાન મહિનામાં રૂ. ૪૧.૨ કરોડ હતું. જયારે ૨૦૨૧-૨૨માં કોરોનાની બીજી લહેર તેની ટોચ પર હતી આમ છતાં એપ્રિલથી નવેમ્બર સુધીમાં ૪૯.૮૦ કરોડ રૂપિયાના પુસ્તકોનું વેચાણ થયું હતું.!

આજે ગીતાપ્રેસ દ્વારા આપવામાં આવેલ નિઃસ્વાર્થ સેવા, કર્તવ્યની ભાવના, જવાબદારીની પરિપૂર્ણતા, વફાદારી, કલ્યાણની ભાવના અને સ્વ-સુધારણાનો ઉપદેશ બધા માટે અનુકરણીય આદર્શ છે તેણે સમગ્ર ભારતમાં જ નહીં વિદેશમાં પણ પોતાનું સ્થાન બનાવ્યું છે. ગીતા પ્રેસ સ્થપાયું ત્યારથી અત્યાર સુધીમાં લગભગ ૪૫.૪૫ કરોડથી વધુ નકલો પ્રકાશિત કરવામાં આવી છે. તેમાંથી લગભગ ૮.૧૦ કરોડ ભગવદ ગીતાની અને ૭.૫ કરોડ રામચરિત માનસની નકલો છે. ગીતા પ્રેસમાં પ્રકાશિત મહિલાઓ અને બાળ સાહિત્યના પુસ્તકોની લગભગ ૧૦.૩૦ કરોડ નકલો વેચાઈ ચૂકી છે. ગીતા પ્રેસનું લોકપ્રિય મેગેઝિન કલ્યાણની દર મહિને ૨.૩૦ લાખ નકલો વેંચાય છે. ગીતા પ્રેસના પુસ્તકોની માંગ એટલી વધારે છે કે આ પબ્લિશિંગ હાઉસ માંગને પહોંચી વળવા અસમર્થ છે તેમ કહી શકાય. ઔદ્યોગિક રીતે પછાત, પૂર્વ ઉત્ત્।ર પ્રદેશના આ પ્રકાશન ગૃહમાંથી દર વર્ષે દેશ-વિદેશમાં ૧.૭૫ કરોડથી પણ વધુ પુસ્તકો વેચાય છે. ગીતા પ્રેસના પ્રોડકશન હાઉસનું કહેવું છે કે તેઓ દરરોજ ૫૦,૦૦૦ થી વધુ પુસ્તકો વેંચે છે. વિશ્વમાં કોઈ પ્રકાશન ગૃહ આટલા પુસ્તકો વેચતું નથી. આજે ધાર્મિક પુસ્તકોમાં રામચરિતમાનસની સૌથી વધુ માંગ છે. ગીતા પ્રેસના કુલ બિઝનેસમાં ૩૫ ટકા યોગદાન રામચરિતમાનસ દ્વારા છે. આ પછી, ભગવદ ગીતાના વેચાણ દ્વારા ૨૦ થી ૨૫ ટકા યોગદાન આપવામાં આવે છે. ગીતા પ્રેસના પુસ્તકોની લોકપ્રિયતાનું કારણ એ છે કે તેમના પુસ્તકો ખૂબ જ સસ્તા છે. ઉપરાંત, તેમની પ્રિન્ટિંગ ખૂબ જ સ્વચ્છ છે અને ફોન્ટ્સની સાઇઝ પણ મોટી છે. ગીતાપ્રેસનો ઉદ્દેશ્ય નફો મેળવવાનો નથી. સારા પ્રચાર માટે અહીં પુસ્તકો પ્રકાશિત કરવામાં આવે છે. ગીતા પ્રેસના પુસ્તકોમાં હનુમાન ચાલીસા, દુર્ગા ચાલીસા અને શિવ ચાલીસાની કિંમત એક રૂપિયા થી શરૂ થાય છે. ગીતા પ્રેસના કુલ પ્રકાશનોની સંખ્યા ૧,૬૦૦ છે. આમાંથી ૭૮૦ પ્રકાશનો હિન્દી અને સંસ્કૃતમાં છે. બાકીના પ્રકાશનો ગુજરાતી, મરાઠી, તેલુગુ, બંગાળી, ઉડિયા, તમિલ, કન્નડ, અંગ્રેજી અને અન્ય ભારતીય ભાષાઓમાં છે. રામચરિત માનસ નેપાળી ભાષામાં પણ પ્રકાશિત થાય છે. તમામ પ્રકાશનો હોવા છતાં, ગીતા પ્રેસના માસિક સામયિક કલ્યાણની લોકપ્રિયતા કંઈક અલગ છે. એવું માનવામાં આવે છે કે રામાયણનો એકપાત્ર ગ્રંથ કલ્યાણના વિશેષ અંકમાં પ્રકાશિત થયા પછી જ શરૂ થયો હતો. કલ્યાણની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે શરૂઆતના અંકમાં ૧,૬૦૦ નકલો છપાઈ હતી, જે આજે વધીને ૨.૩૦ લાખ થઈ ગઈ છે. ગરુડ, કુર્મ, વામન અને વિષ્ણુ જેવા પુરાણોનો હિન્દી અનુવાદ સૌપ્રથમવાર કલ્યાણમાં જ પ્રકાશિત થયો હતો. હવે માત્ર ભારતમાં જ નહીં વિદેશમાં પણ તેના પ્રકાશનો ખૂબ જ ભકિતભાવથી વાંચવામાં આવે છે. વિદેશી ભારતીયો પણ ગીતા પ્રેસનું સાહિત્ય વાંચવા ઉત્સુક હોય છે.(૨૧.

ગીતા પ્રેસ ગોરખપુર પુસ્તકો - અહીં ઓનલાઈન ઓર્ડર કરો

ગીતાપ્રેસ ગોરખપુર વર્ષોથી એક નવા સમાજના નિર્માણ માટે તેનું જ્ઞાન યજ્ઞ ચલાવી રહ્યું છે. ગીતાપ્રેસના પુસ્તકોમાંથી ભારતની સંસ્કૃતિ, સભ્યતા અને પ્રાચીન જ્ઞાનથી ઘણી પેઢીઓ પરિચિત થઈ છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે તમે 'ગીતાપ્રેસ ગોરખપુર'ના પુસ્તકો ઈન્ટરનેટ પરથી પણ ઘરે બેઠા ઓનલાઈન ઓર્ડર કરી શકો છો.

https://book.gitapress.org/

સંપર્કૅં (સવારે ૯.૩૦ થી ૧ અને ૧.૩૦ થી ૫.૩૦)

ગીતા પ્રેસ, ગીતાપ્રેસ રોડ, ગોરખપુર - ૨૭૩૦૦૫

ઉત્તર પ્રદેશ, ભારત

ફોન નંબર - ૦૫૫૧ - ૨૩૩૧૨૫૦, ૨૩૩૪૭૨૧, ૨૩૩૧૨૫૧ / ૯૨૩૫૪૦૦૨૪૨/ ૯૨૩૫૪૦૦૨૪૪

રામાયણ બનાવતા પહેલા રામાનંદ સાગર ગીતા પ્રેસમાં આવ્યા હતા!

રામાયણ બનાવતા પહેલા રામાનંદ સાગર ચાર દિવસ ગીતા પ્રેસમાં આવ્યા હતા. ગીતા પ્રેસમાં દેવતાઓની સેંકડો તસવીરો રાખવામાં આવી છે. રામાનંદ સાગરે એ ચિત્રો નજીકથી જોયા. ચિત્રોમાં દેવી-દેવતાઓના વ સ્ત્રો, રંગો અને આભૂષણોના આધારે તેમણે તેમની ધારાવાહિક રામાયણમાં શ્રીરામ, લક્ષ્મણ, સીતા, કૌશલ્યા, હનુમાન, સુગ્રીવ વગેરે પાત્રોના વ સ્ત્રો, રંગો અને આભૂષણો પસંદ કર્યા હતા.

સચિત્ર ગીતાની માંગ વધતા બે જ મહિના પછી બીજી આવૃત્ત્િ। પણ છપાઈ !

ગીતાપ્રેસ માંથી પ્રથમ વખત આર્ટ પેપર પર પ્રકાશિત સચિત્ર ગીતાની માંગ એટલી વધી ગઈ કે બે જ મહિના પછી બીજી આવૃત્ત્િ। પ્રકાશિત કરવી પડી. આ સાથે જ આ પુસ્તકનું ગુજરાતીમાં પ્રકાશન પણ શરૂ કરાયું હતું. પ્રથમ વખત ગીતા પ્રેસે એક પ્રયોગ તરીકે આર્ટ પેપર પર ગીતાના ત્રણ હજાર પુસ્તકો પ્રકાશિત કર્યા હતા. આ પુસ્તકમાં ૧૨૯ ચિત્રો છે. મોટા અને રંગબેરંગી અક્ષરોમાં પ્રકાશિત આ ગીતાની માંગ વધી છે. તેથી બે જ મહિનામાં તમામ પુસ્તકો વેચાઈ ગયા. વાંચકોની સતત માંગને ધ્યાનમાં રાખીને પ્રેસ મેનેજમેન્ટે ચાર હજાર નકલોની બીજી આવૃત્ત્િ। પ્રકાશિત કરી હતી. સાથોસાથ ગુજરાતીમાં પણ આ જ પ્રકારનું પુસ્તક પ્રકાશિત કરવાની માંગ ઉઠી હતી અને ગુજરાતીમાં પણ ચાર હજાર નકલો પ્રકાશિત કરાઇ હતી. પુસ્તક સંસ્કૃત-હિન્દીમાં છે. શ્લોકો સાથે અર્થો આપવામાં આવ્યા છે. અત્યાર સુધી પ્રકાશિત ગીતાના પુસ્તકોમાં અલગ-અલગ ચિત્રો હતા. આ પ્રથમ વખત છે કે પુસ્તક સાથે ચિત્રો છાપવામાં આવ્યા હોય. પુસ્તક ૨૨૪ પાનાનું છે, જેમાં ચાર રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આખું પુસ્તક આર્ટ પેપર પર પ્રકાશિત કરવામાં આવ્યું છે. જેની કિંમત ૨૫૦ રૂપિયા છે. પુસ્તકમાં ચિત્રોની સંખ્યા ૧૨૯ છે. ૧૫ ભાષાઓમાં ગીતાપ્રેસ દ્વારા શ્રીમદ ગીતા પ્રકાશિત કરવામાં આવી છે. સચિત્ર ગીતા માત્ર સંસ્કૃત-હિન્દી અને ગુજરાતીમાં પ્રકાશિત કરવામાં આવી છે. આ પછી તે અનુક્રમે અન્ય ભાષાઓમાં પ્રકાશિત થશે.

ગીતા પ્રેસ બંધ થવાની અફવા સોશિયલ મીડિયા પર થઈ હતી વાયરલ

ગીતા પ્રેસ બંધ કરવાનો મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તેને બંધ થવાથી બચાવવાના નામે સોશિયલ મીડિયા પર પણ મદદ લેવામાં આવી રહી હતી. જોકે, ગીતા પ્રેસે તેને અફવા ગણાવીને વાચકોને જાગૃત અને સતર્ક રહેવાની અપીલ કરી  હતી. વર્ષ ૨૦૧૫માં કામદારોના આંદોલનને કારણે ગીતા પ્રેસને થોડા દિવસો માટે બંધ રાખવું પડ્યું હતું. તે જ સમયે, ગીતા પ્રેસને બંધ કરવાની અફવાઓ સોશિયલ મીડિયા પર ફેલાઈ હતી ત્યારે ગીતા પ્રેસને બચાવવા માટે સોશિયલ મીડિયા પર લોકોની મદદ માંગવામાં આવી હતી. વોટ્સએપ ગ્રૂપ પર સમયાંતરે એક જ મેસેજ આવતા રહે છે. આ જ મેસેજ ફરીથી દેશભરમાં વાયરલ થયો હતો. ગીતા પ્રેસ મેનેજમેન્ટે એ સમયે કહ્યું હતું કે ગીતા પ્રેસે કયારેય કોઈ બહારની મદદ લીધી નથી. ગીતા પ્રેસના પુસ્તકોની સમગ્ર વિશ્વમાં માંગ છે અને પુરવઠો હંમેશા માંગની તુલનામાં ઓછો હોય છે. તેને જોતા સતત નવા મશીનો લગાવવામાં આવી રહ્યા છે. પ્રેસ દ્વારા પુસ્તકોના ગુણવત્ત્।ા અને વધુ પ્રકાશન માટે પાંચ કરોડની કિંમતનું કોમોરી મશીન ખરીદવામાં આવ્યું હતું. વાંચકોએ આવી અફવાથી જાગૃત રહેવું જોઈએ.

દુનિયાનું સૌથી અનોખું છે 'લીલા ચિત્ર મંદિર' :અહીં દિવાલ પર લખેલી છે સંપૂર્ણ શ્રીમદ ભગવદ ગીતા!

જયારે તમે ગીતા પ્રેસમાં જાવ ત્યારે અહીં લીલા ચિત્ર મંદિરની મુલાકાત લેવાનું ભૂલશો નહીં. એક અનોખું મંદિર અહિં છે. આખી દુનિયામાં કયાંય પણ આવું ચિત્ર મંદિર નથી. અહીં દિવાલો પર શ્રીમદ ભાગવત ગીતાના ૧૮ અધ્યાય લખેલા છે. આ ઉપરાંત એક જ છત નીચે દેવી-દેવતાઓના સેંકડો ચિત્રો છે જે બીજે કયાંય નથી. ગીતા પ્રેસના લીલા ચિત્ર મંદિરમાં ચિત્રકાર બી.કે.મિત્ર, જગન્નાથ અને ભગવાનદાસ દ્વારા બનાવાયેલ સેંકડો ચિત્રો સચવાયેલા છે. લીલા ચિત્ર મંદિરની દિવાલો પર શ્રીમદ ભાગવત ગીતાના ૧૮ અધ્યાય આરસ પર લખેલા છે. તેમજ દેવી-દેવતાઓના ૭૦૦થી વધુ ચિત્રો છે. તેમની સુંદરતા જોઈને મન પ્રસન્ન થઈ જાય છે. લીલા ચિત્ર મંદિરમાં પૂર્વ બાજુએ ભગવાન શ્રી કૃષ્ણના ચિત્રો છે. પશ્ચિમ બાજુએ શ્રી રામની લીલા-ચિત્રો છે. દક્ષિણ બાજુએ દશાવતાર અને તેમની સાથે જોડાયેલા ચિત્રો છે. જયારે ઉત્ત્।ર બાજુએ નવદુર્ગા સહિત અનેક દેવીઓના ચિત્રો છે. આમાંના મોટાભાગના ચિત્રો બીકે મિત્રા, જગન્નાથ અને ભગવાનદાસ દ્વારા બનાવવામાં આવ્યા છે. આ સિવાય ૬૦૦ થી વધુ પેઈન્ટિંગ્સ પણ છે. આમાં ભગવાન શ્રી કૃષ્ણની લીલાને મેવાડી શૈલીમાં બતાવવામાં આવી છે. એ જ રીતે જયપુર, મુઘલ, ઓરિએન્ટલ આર્ટના ચિત્રો પણ અહિં છે. અહીંયા એવી ઘણી તસવીરો છે જે ૨૦૦ વર્ષથી વધુ જૂની છે. બીજી તરફ ૧૭મી સદીના ગોવિંદ ગદ્દીનું ચિત્ર અહીંનું ખાસ આકર્ષણ છે. આ સિવાય વિશ્વની ૨૨ ભાષાઓમાં છપાયેલી ગીતાજીની ૧૧૬૭ વિવિધ આવૃત્ત્િ।ઓનું સંકલન છે. આમાં ગીતાના ઘણા હસ્તલિખિત સચિત્ર પુસ્તકોનો પણ સમાવેશ થાય છે. લીલા ચિત્ર મંદિરમાં એવી ઘણી વસ્તુઓ છે જે સાચવવામાં આવી છે, જેમાં મહાત્મા ગાંધીનો એક પત્ર પણ સામેલ છે. તેમણે આ પત્ર ૧૯૩૫માં લખીને ગીતા પ્રેસને મોકલ્યો હતો. ત્યારથી એ પત્ર અહિં સચવાયેલો છે.

પ્રશાંત બક્ષી

મો. ૭૯૯૦૫ ૫૮૪૬૯

(10:28 am IST)