Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

પોસ્ટ વિભાગની બેદરકારીથી વિદ્યાર્થી કલાર્કની ભરતીમાં અરજી ન કરી શકયોઃ ૧ લાખ પ હજારનો દંડ ફટકારતી ગ્રાહક સુરક્ષા ફોરમ

ઇજનેરી છાત્ર કિશન અભાણીએ ન્યાય માટે કરેલી અરજી બાદ જીલ્લા ફોરમનો મહત્વનો ચુકાદો

રાજકોટ તા.ર૦ : પોસ્ટ વિભાગની બેદરકારીથી વિદ્યાર્થી કલાર્કની ભરતીમાં અરજી ન કરી શકતા ન્યાય માટે રાજકોટ જીલ્લા ગ્રાહક સુરક્ષા ફોરમમાં કેસ કરતા ફોરમે અરજદાર વિદ્યાર્થી કિશન નરેન્દ્રભાઇ અભાણીને ૧ લાખ પ હજાર વળતર ચુકવવા હુકમ કર્યો છે.

આ કેસની વિગત મુજબ રાજકોટના વિદ્યાર્થી કિશન નરેન્દ્રભાઇ અભાણી (રહે.રેસકોર્ષ પાર્ક, રાજકોટ)એ તા.રર-૩-ર૦૧૭ના અમદાવાદ કેન્ટોનમેન્ટ બોર્ડમાં ચાલી રહેલી કલાર્કની ભરતી માટે અરજીપત્ર તેમજ પ્રમાણપત્રો અરજી સાથે રાજકોટ આર.એમ.એસ. ઓફિસથી સ્પીડ પોસ્ટ સાથે રજી એડી કરી રવાના કર્યુ હતુ. જે પાંચ દિવસ થવા છતાં પોસ્ટ વિભાગની વેબસાઇટમાં ચેક કરતા જણાયુ કે, અરજી હજુ રાજકોટ પોસ્ટ વિભાગમાં જ છે ત્યારબાદ વિદ્યાર્થી કિશન નરેન્દ્રભાઇ અભાણી રૂબરૂ આર.એમ.એસ. ઓફિસ પર જતા ત્યાંથી ઉડાઉ જવાબ મળ્યો હતો. ત્યારબાદ અમદાવાદ કોન્ટોનમેન્ટ બોર્ડ પર તપાસ કરતા ત્યાં અરજી પહોંચી ન હોવાનું જાણવા મળ્યુ ત્યારબાદ કિશન નરેન્દ્રભાઇ અભાણીએ ધારાસભ્ય, સાંસદશ્રી, શિક્ષણમંત્રી, સુચના પ્રસારણ મંત્રી તેમજ સચિવ શ્રી વડાપ્રધાનને ફરિયાદ પત્ર મોકલ્યો હતો. જેનો ર દિવસ બાદ પોસ્ટ વિભાગ અમદાવાદ તેમજ રાજકોટ પોસ્ટ વિભાગ દ્વારા લેખિત જવાબ મળેલ હતો જેમાં વિદ્યાર્થીનું અરજીપત્રક પોસ્ટ વિભાગ દ્વારા ખોવાઇ ગયેલ છે તે પોસ્ટ વિભાગ દ્વારા સ્વીકારવામાં આવેલ હતુ તેમજ તેના માત્ર  માફી દર્શાવતો પત્ર મોકલવામાં આવ્યો હતો અને વળતર સ્વરૂપે મંજુર કર્યા હતા. જે વિદ્યાર્થી કિશન અભાણીને માન્ય ન હતુ.

ત્યારબાદ કિશન નરેન્દ્રભાઇ અભાણીએ રાજકોટ ગ્રાહક સુરક્ષા ફોરમમાં પોસ્ટ વિભાગ સામે કેસ દાખલ કર્યો હતો. તેમજ કિશન નરેન્દ્રભાઇ અભાણી પોતાનો કેસ જાતે જ લડવાનો નિર્ણય કર્યો ત્યાર બાદ પોસ્ટ વિભાગ દ્વારા પોસ્ટ ઓફીસ એકટ ૧૮પ૮ની કલમ ૬ મુજબ પોસ્ટ વિભાગ દ્વારા મોકલેલ અરજી પત્રક તેમજ કવર ખોવાઇ જાય અથવા સમયસર ન પહોંચે તે માટે જવાબદાર નથી તેવી દલીલ કરવામાં આવેલ હતી અને અરજીમાં શું મોકલેલ હતું તેના પુરાવા માંગ્યા હતા. જેથી અરજદારે ગ્રાહક સુરક્ષા ફોરમ સમક્ષ તમામ સચોટ પુરાવા તેમજ અન્ય દસ્તાવેજી પુરાવા રજુ કરતા ગ્રાહક સુરક્ષા ફોરમના જજશ્રી ગોહેલ સાહેબ તથા જે.આઇ.રાવલ સાહેબે પોસ્ટ વિભાગની બેદરકારી તેમજ જાગૃત વિદ્યાર્થીએ રજુ કરેલ. સચોટ પુરાવાને ધ્યાનમાં રાખીને સીમા ચિહનરૂપ ચુકાદારૂપે જે દંડ સ્વરૂપે રૂ.૧,૦પ,૦૦૦ ફરિયાદીને ચુકવવા પોસ્ટ વિભાગને આદેશ આપેલ છે.

(4:19 pm IST)