Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

વિધીના નામે ૨૫ લોકોને છેતર્યાઃ ૭ ધૂતારા ઝબ્બે

તમારા ઘરમાં ઘાત છે, વિધી નહિ કરાવો તો ધનોત-પનોત નીકળી જશે...કહી ભયભીત કરતાં: રામાપીરના ભુવા બધુ સારૂ કરી દેશે તેમ જણાવી ટોળકી તૂત કરતીઃ ક્રાઇમ બ્રાંચે રાજકોટ, જસદણ, સાયલાના ૭ શખ્સોને પકડ્યાઃ સુત્રધાર અરવિંદ માંગરોળીયા રામાપીરનો ભુવો હોવાનું કહી સાગ્રીતો સાથે મળી નડતર દૂર કરવાની વિધીના નામે રોકડ-દાગીના ઉસેડી જતોઃ રોકડા-દાગીના-વાહનો મળી રૂ. ૨,૫૫,૦૦૦નો મુદ્દામાલ કબ્જેઃ રાજકોટ, મેટોડા, ન્યારા, અમરેલી, કાલાવડ, મોરબી, ટંકારા, ગોંડલ, જામનગર, ભાવનગર સહિતના પંથકમાં એકાદ વર્ષ દરમિયાન કરી લાખોની રોકડ-દાગીનાની ઠગાઇ

ધુતારા ટોળકીને ઝડપી લેવાયાની માહિતી આપી રહેલા એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા, પી.આઇ. એચ. એમ. ગઢવી, પી.એસ.આઇ. આર. સી. કાનમીયા અને ટીમ તથા સાતેય ગઠીયા જાઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૨૦: શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં પોતે રામાપીરના ભુવા છે તેવી ખોટી ઓળખ આપી તમારા ઘરમાં નડતર છે, કોકનો જીવ લઇ લેશે...તેવી ભયભીત કરતી વાતો કરી ડરાવી તંત્ર-મંત્ર વિધી કરવાના નામે પૈસા તથા સોનાના ઘરેણા પડાવતી ગેંગને ઝડપી લેવામાં ક્રાઇમ બ્રાંચને સફળતા મળી છે. રાજકોટ, જસદણ, સાયલાના ૭ શખ્સોની ટોળકીને હેડકોન્સ. કૃપાલસિ્ંહ ઝાલા, મયુરભાઇ પટેલ અને જયસુખભાઇ હુંબલની ખાસ બાતમી પરથી આજીડેમ ચોકડી નજીકથી દબોચી લેવાયા છે અને રૂ. ૨,૫૫,૦૦૦નો મુદ્દામાલ કબ્જે લેવાયો છે. આ ટોળકીએ મેટોડા, ન્યારા, રાજકોટ, અમરેલી, કાલાવડ, મોરબી, ટંકારા, ગોંડલ, જામનગર, ભાવનગર સહિતના પંથકમાં એકાદ વર્ષ દરમિયાન ૨૫થી વધુ લોકોને છેતરીને લાખોની ઠગાઇ કરી છે.

પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોત અને જેસીપી ડી.એસ. ભટ્ટ તથા ડીસીપી ઝોન-૧ બલરામ મીના તથા ઝોન-૨ કરણરાજ વાઘેલા સમક્ષ કેટલાક સમયથી એવી ફરિયાદો આવતી હતી કે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં એક ટોળકીના શખ્સો પોતે ભુવા છે એવો ડહોળ કરી લોકોને મળી તમારે નડતર છે, વિધી કરવી પડશે તેમ કહી રોકડ-દાગીના ઉસેડી જાય છે. આથી આ અધિકારીઓએ ટોળકીને શોધી કાઢવા ખાસ સુચના આપી હોઇ એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા તથા પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરી હેઠળ પી.એસ.આઇ. આર. સી. કાનમીયા, હેડકોન્સ. જગમાલભાઇ ખટાણા, જયસુખભાઇ હુંબલ, મયુરભાઇ પટેલ, કૃપાલસિંહ ઝાલા, મહાવીરસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, સંતોષભાઇ મોરી, રવિરાજસિંહ જાડેજા, સંજય રૂપાપરા સહિતની ટીમ કામે લાગી હતી. અંતે ટીમના જયસુખભાઇ, મયુરભાઇ અને કૃપાલસિંહની બાતમી પરથી ૭ શખ્સો દબોચાઇ ગયા હતાં.

આ ટોળકીએ ઠગાઇના ૧૬ ગુનાની કબુલાત આપી છે. જેમાં વીસથી વધુ લોકોને છેતર્યા છે. તે અંગેની માહિતી પત્રકારોને એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા, પી.આઇ. એચ. એમ. ગઢવી અને પી.એસ.આઇ. આર. સી. કાનમીયાએ આપી હતી.

ટોળકીએ ૨૫ દિવસ પહેલા મેટોડામાં પટેલ દંપતિના ઘરે જઇ ઘરમાં નડતર છે, વિધી કરવી પડશે...નહિ કરો તે હેરાનગતિ ભોગવવી પડશે. અમારી સાથેના ભાઇ રામાપીરના ભુવા છે, તે વિધી કરીને નડતર દૂર કરી દેશે તેમ કહી વિશ્વાસમાં લઇ તેની પાસેથી રૂ. ૨૧ હજાર રોકડા, દેશી ઘાટનો સોનાનો હાર મળી રૂ. ૯૬ હજારની મત્તા ઓળવી લીધી હતી. એકાદ માસ પહેલા ન્યારાની સીમમાં પટેલ દંપતિની વાડીએ જઇ તેની પાસેથી રૂ. ૨૪ હજારની મત્તામોરબી રોડ પર રાધીકા પાર્ક-૧માંથી પટેલ પરિવારના ઘરે જઇ રૂ. ૨૫ હજારની મત્તા, નવેક માસ પહેલા અમરેલીના બાબરા તાલુકાના પીપળીયા ગામે તથા ચાવંડ ગામે પટેલ પરિવારના ઘરેથી ૧૦ હજાર અને ૧૨ હજારની છેતરપીંડી, એકાદ વર્ષ પહેલા મોરબીના ખાનપરમાં પટેલ કુટુંબના ઘરેથી રામાપીરના ભુવાની ઓળખ દઇ વિધીના બહાને રૂ. ૧૫ હજાર, ચારેક માસ પહેલા કાલાવડના નિકાવામાં નાસ્તાની લારી ધરાવતાં પટેલ યુવાનને છેતરી રૂ. ૫ હજાર, દોઢેક વર્ષ પહેલા ટંકારાના હડમતીયા ગામે પટેલ કુટુંબમાં જઇ રૂ. ૫૦૦૦, છએક માસ પહેલા ટંકારાના ધુનડા સજનપરમાં પટેલ પરિવારના ઘરેથી રૂ. ૧૫ હજાર, ગવરીદળમાંથી પટેલ પરિવારના ઘરે જઇ રૂ. ૫ હજાર, અમરેલીના બાબરાના દેવળીયા ગામે, ચરખા અને ત્રંબોડા ગામે પટેલ પરિવારોના ઘરેથી રૂ. ૧૦ થી ૧૫ હજાર છેતરીને મેળવ્યા હતાં. ઉપરાંત બાબરાના વાનોળીયા તથા કોટડા ગામે આઠેક માસ પહેલા બે પટેલ પરિવારને છેતરીને રૂ. ૧૦ થી ૧૨ હજારની રોકડ મેળવી હતી.

આ ઉપરાંત આઠેક માસ પહેલા અમરેલીના માછીયાળા, નાની માછીયાળા અને મતીરાળા તથા આંકડીયા ગામે પટેલ પરિવારોના ઘરે જઇ ૫ થી ૧૦ હજારની રકમો વિધીના તૂત હેઠળ છેતરીને લઇ લીધી હતી. દસેક મહિના પહેલા ગોંડલના ડોડીયાળા તથા કેશવાળા અને કોટડા ગામે પટેલ કુંટુંબોના ઘરે જઇ રૂ. ૬ થી ૧૧ હજારની છેતરપીંડી કરી હતી. તેમજ એકાદ વર્ષ પહેલા જામનગરના ધ્રોલના લતીપરમાં પટેલ પરિવારને છેતરી રૂ. ૧૦ હજાર અને પાંચેક માસ પહેલા ભાવનગરના ઢસાના રસનાળ ગામે પટેલ પરિવારના ઘરે જઇ રૂ. ૧૦ હજાર વિધીના નામે મેળવી લીધા હતાં.

પકડાયેલા ૭ શખ્સો પૈકીનો અરવિંદ બાબુ માંગરોળીયા અને રમેશ ઝવેરભાઇ લકુમ અગાઉ મોરબી જીલ્લાના ટંકારા પોલીસ મથકમાં આ પ્રકારના ગુનામાં પકડાઇ ચુક્યા છે.

મુંજવણ ધરાવતાં લોકોને ઓળખી જતાં અને તેને જ છેતરતાં: ૨૫ જેટલાને છેતર્યા એ તમામ પટેલ જ્ઞાતિના

પાણીનો લોટો મંગાવી વિધીના બહાને તેમાં સેકરીન ભેળવી દેતાં: ગળ્યું પાણી  ચાખીને લોકો સમજતાં સાચ્ચે જ ચમત્કાર થયો!

ટોળકીની સુત્રધાર અરવિંદ માંગુકીયા સાગ્રીતોને સાથે લઇ જુદા-જુદા ગામોમાં પહોંચતો અને ગામમાં ભલાભોળા લોકો અને કોઇપણ રીતે જે ઘરમાં યુવાન દિકરાના લગ્ન સહિતની મુંજવણ હોઇ તેવા લોકોને શોધી કાઢતો અને એવા લોકોની ઘરે પહોંચી જતો હતો. સાગ્રીતો એવું કહેતાં કે સાથેના ભાઇ રામાપીરના ભુવા છે અને તે બધુ જાણે છે. તેમ કહી જે તે લોકોને તમારા ઘર ઉપર ઘાત છે.   ગમે ત્યારે તમારા ઉપર મુશ્કેલીઓ તુટી પડશે. આમ કહી જે તે લોકોને ભયભીત કરી મુકતાં અને બાદમાં જા આ ઘાતમાંથી ઉગરવું હોય તો રામાપીરના ભુવા વિધી કરી આપશે તેમ કહી જે તે ઘરમાંથી પાણીનો લોટો મંગાવતાં અને તેમાં સેકરીન ભેળવી દઇ ઘરના બધા લોકોને પ્રસાદી તરીકે આપતાં. આ પાણી એકદમ મીઠુ લાગે એટલે જે તે ઘરના લોકો ભગવાનની કૃપા થઇ તેમ સમજી આ ભેજાબાજને સાચા ભુવા માની લેતાં અને બાદમાં તે કહે તેમ કરી વિધી માટે રોકડ-દાગીના કાઢી આપતાં હતાં. મત્તા મળી ગયા બાદ આ ટોળકી વિધી કરીને ફરીથી આવશે તેમ કહી ભોળવીને ભાગી જતી હતી. ઉલ્લેખનિય છે કે ક્રાઇમ બ્રાંચ સમક્ષ આ ઠગ ટોળકીને ૧૬ જેટલા ગુનાઓમાં જે પચ્ચીસેક લોકોને છેતર્યા છે તે તમામ પટેલ જ્ઞાતિના છે.  પોતે આજુ બાજુના ગામમાં રામા મંડળ રમીને આવ્યા છે, રામાપીરના ભુવા છે એટલે બહારનું કંઇ ખાતા-પીતા નથી તેમ કહી જે તે પરિવારના ઘરે જઇ કાવો બનાવવાનું કહી બાદમાં વિધીના નામે પોતાની જાળ ફેલાવી કળા કરી ભાગી જતાં હતાં.

આ ૭ ગુનેગારો ઝડપાયા

(૧) અરવિંદ બાબુભાઇ માંગરોળીયા (બાવાજી) (ઉ.૩૨-રહે. આજીડેમ ચોકડી પાસે ભારતનગર, મોમાઇ ચોક) ‡(૨) સુરેશનાથ નારણનાથ ધાંધુ (બાવાજી) (ઉ.૨૮-રહે. જસદણ વિંછીયા રોડ, શિવનગર) ‡(૩) દિપકનાથ નારણનાથ ધાંધુ (બાવાજી) (ઉ.૨૪-રહે. જસદણ વિંછીયા રોડ શિવનગર), ‡(૪) રોહિતનાથ ભગવાનનાથ ધાંધુ (બાવાજી) (ઉ.૨૪-રહે. જસદણ શિવનગર), ‡(૫) રમેશ ઝવેરભાઇ લકુમ (બાવાજી) (ઉ.૩૫-રહે. આજીડેમ ચોકડી ભારતનગર મોમાઇ ચોક) ‡(૬) જીતેન્દ્રનાથ મીઠાનાથ લકુમ (બાવાજી) (ઉ.૩૧-રહે. ભારતનગર આજીડેમ ચોકડી) ‡(૭) જેસલનાથ ભુરાનાથ બ્લોચ (બાવાજી) (ઉ.૪૦-રહે. સાયલા હોળીધાર, સર્વોદય જીનની બાજુમાં)ને ક્રાઇમ બ્રાંચે પકડ્યા છે.

આ સાતેય પાસેથી રૂ. ૧,૨૦,૦૦૦ના સોના-ચાંદીના દાગીના તથા રૂ. ૫૭ હજાર રોકડા તેમજ ગુનામાં ઉપયોગમાં લીધેલા રૂ. ૭૫ હજારના ત્રણ વાહનો, મોબાઇલ ફોન ત્રણ મળી કુલ રૂ. ૨,૫૫,૦૦૦નો મુદ્દામાલ કબ્જે લેવાયો છે.

(3:03 pm IST)