Gujarati News

Gujarati News

News of Sunday, 20th November 2022

મિલાપનગરના સોની વેપારી કીર્તિભાઈ ધોળકિયા, પત્નિ, પુત્રને ઝેર પીવા મજબૂર કરનારા ૪ શખ્સ સામે ગુનો દાખલ : પુત્ર ધવલનું મૃત્યુ : એક શખ્શની અટકાયત

ધંધાના કામે લક્ષ્મીવાડીના સંજયરાજસિંહ ઝાલા પાસેથી ૧૦ લાખ, સાડીની દુકાન ધરાવતા યુવરાજસિંહ ઝાલા પાસેથી ૫૦ હજાર અને ત્રિકોણબાગ પાસે બેઠક ધરાવતા મહેબૂબશા પાસેથી ૮ લાખ લીધા હતા: વ્યાજ ચૂકવવા છતાં ધમકી આપતા હોવાનો પુત્ર ધવલનો ફરિયાદમાં આરોપ

રાજકોટઃ શહે૨ના યુનિવર્સિટી રોડ પરના મિલાપનગરમાં રહેતા સોની વેપારીએ પત્નિ અને પુત્ર સાથે ગઈકાલે ઝેર પી આપઘાતનો પ્રયાસ કર્યાના બનાવ બન્યો હતો. આ બનાવમાં પોલીસે વેપારીના પુત્રની ફરિયાદ પરથી ચાર શખ્સો વિરૂદ્ધ વ્યાજખોરીનો ગુનો નોંધ્યો છે. ચારેયને વ્યાજ ચૂકવવા છતાં વધુ ઉઘરાણી કરી હેરાન કરતાં હોઈ આ પગલું ભરવા મજબૂર થયાનું તેણે ફરિયાદમાં જણાવ્યું છે.

 દરમિયાન વ્યાજખોરોના ત્રાસથી સામુહિક આપઘાતનો પ્રયાસ કરનારા ધોળકિયા પરિવારના યુવાન પુત્ર ધવલનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે જયારે દંપતીની હાલત ગંભીર ગણાવાઈ રહી છે, આ મામલે એક શખ્શની અટકાયત થયાનું જાણવા મળે છે

  શહેરના યુનિવર્સિટી રોડ, મિલાપનગર-2માં રહેતા કીર્તિભાઇ હરકિશનભાઇ ધોળકિયા નામના વેપારીએ પત્ની માધુરીબેન અને પુત્ર ધવલ સાથે રાતે ઝેરી દવા પી લીધી હતી. દરમિયાન ગત બપોર સુધી કીર્તિભાઇ દુકાને નહિ આવતા તેમના મોટાભાઇ ઘરે આવી તપાસ કરતા ત્રણેયને ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવ્યા હતા, જેથી તુરંત 108 મારફતે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બનાવની જાણ થતા યુનિવર્સિટી પોલીસ હોસ્પિટલ દોડી ગઇ હતી. વેપારી કીર્તિભાઇની તબિયત નાજુક હોઇ પોલીસે સારવાર લઇ રહેલા વેપારીના પુત્ર ધવલની પૂછપરછ બાદ સંજયરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા, ધવલ પપ્પુ મુંધવા, યુવરાજસિંહ ઝાલા અને મહેબૂબશા નામના વ્યાજખોર સામે મનીલેન્ડ એક્ટ, આઇપીસી 386, 506(2)ની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

 ધવલ ધોળકીયાની ફરિયાદ મુજબ પોતે પરિણીત છે અને હાલ પત્ની અમરેલી પિયર ગઇ છે. પોતે અને પિતા ઝેરોક્સની દુકાન ચલાવે છે. ગત રાતે પિતાએ વાત કરી કે, આપણે વ્યાજે લીધેલા નાણાંની વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરી અમારી માલિકીની ઝેરોક્સની દુકાન લખાવી લેવા સતત ફોન પર ધમકી આપે છે, જેથી હવે મરવા સિવાય કોઇ રસ્તો નથી. જે વાતથી પોતે અને મમ્મી સહમત થતા પિતા કીર્તિભાઇએ ઝેરી દવાની બોટલ કાઢી હતી. જે ઝેરી દવા પાણીમાં ભેળવી પી લીધી હોવાનું જણાવ્યું છે. 

ધવલે વધુમાં જણાવ્યું છે કે ધંધાના કામે લક્ષ્મીવાડીના સંજયરાજસિંહ ઝાલા પાસેથી રૂ.10 લાખ, સાડીની દુકાન ધરાવતા યુવરાજસિંહ ઝાલા પાસેથી રૂ.50 હજાર અને ત્રિકોણબાગ પાસે બેઠક ધરાવતા મહેબૂબશા પાસેથી રૂ.8 લાખ લીધા હતા. જેનું સમયસર વ્યાજ સાથેની રકમ ચૂકવી છતાં ચારેય સતત પિતાને પઠાણી ઉઘરાણી કરતા કંટાળીને પગલું ભર્યાનું ધવલે પોલીસને જણાવ્યું છે. જોકે, અન્ય ક્યા ક્યા વ્યાજખોર પાસેથી પિતાએ નાણાં લીધા છે તે પોતાને ખબર નથી. પરંતુ તેમના મોબાઇલની કોલ ડિટેઇલમાં નાણાંની ઉઘરાણી કરી ધમકી દેનાર વ્યાજખોરોના નંબર મળી શકે તેમ હોવાનું જણાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. પીઆઇ એ.બી. જાડેજા અને પીઆઇ બી.વી. ઝાલાએ વિશેષ તપાસ આદરી છે.

 

(8:39 pm IST)