Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2024

ક્ષત્રિયોનું સન્‍માન નહિ તો ભાજપને માન નહિ.... ગુજરાતની ૨૬ બેઠકો ઉપર ભાજપનો બહિષ્‍કાર કરાશે

હવે કાળા વાવટાને બદલે ભગવા ઝંડાથી વિરોધ કરાશે : સ્‍વમાનની લડાઇ શરૂ થશે : દરેક ગામડે ક્ષત્રિય સમાજ સભાઓ ગજાવશે :રૂપાલાના નિવેદન મામલે કોઇ નિર્ણય ન લેવાતા ક્ષત્રિય સંકલન સમિતિ દ્વારા આંદોલન પાર્ટ-૨નું એલાન

રાજકોટ તા. ૨૦ : રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાની વિવાદાસ્‍પદ ટિપ્‍પણીને લઈ ઉમેદવારી રદ કરવા ક્ષત્રિયોએ માગ કરી હતી. ભાજપ દ્વારા ઉમેદવારી રદ ન કરવામાં આવતાં હવે નારાજ ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન પાર્ટ- ૨ અંતર્ગત ગુજરાતની ૨૬ લોકસભા બેઠકમાં ભાજપનું બહિષ્‍કારનું એલાન કરાયું છે. 

ગઇકાલે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે રાજપૂત સંકલન સમિતિ અને તેની સાથે રાજપૂત સમાજની ૯૨ સંસ્‍થાના પ્રતિનિધિઓની એક મહત્ત્વની બેઠક અમદાવાદ ગોતા રાજપૂત ભવન ખાતે મળી હતી. આ બેઠકમાં રૂપાલાના નિવેદન મામલે ભાજપ મોવડી મંડળ દ્વારા કોઇ કાર્યવાહી ન કરાતા પાર્ટ-૨ આંદોલનની જાહેરાત કરાઇ છે. ગુજરાતની તમામ ૨૬ લોકસભા બેઠક ઉપર ભાજપનો બહિષ્‍કાર કરવાનો એલાન કરાયું હતું અને ભાજપના વિરૂધ્‍ધમાં સક્ષમ પક્ષના ઉમેદવારને મતદાન કરાશે. તેમજ કાળા વાવટાને બદલે હવેથી ભગવા ઝંડાથી વિરોધ કરવાનું નક્કી કરાયું હતું.  ક્ષત્રિય સંકલન સમિતિની બેઠકમાં આ આંદોલન માત્ર ગુજરાત નહિ પણ ભારતના અન્‍ય રાજ્‍ય સુધી પહોંચાડવાનું નક્કી કરાયું છે. ક્ષત્રિય સમાજના આંદોલન પાર્ટ-૨ અંતર્ગત હવે મહિલાઓ દ્વારા એક દિવસ માટે તબક્કાવાર પ્રતિક ઉપવાસનું આયોજન કરશે. તેમજ ગુજરાતના ગામડે ગામડે સભાઓનું આયોજન કરી ભાજપ વિરૂધ્‍ધ મતદાન કરાવવા સર્વે સમાજને આહવાન કરાશે.

દરેક જિલ્લાઓની સામાજિક સંસ્‍થા કે કમિટિ દ્વારા શિસ્‍ત અને સંયમથી ભાજપ વિરૂધ્‍ધ મતદાન માટે કાર્યક્રમો અપાશે. આ બેઠકમાં સંકલન સમિતિના આગેવાનોએ જણાવ્‍યું હતું કે, ક્ષત્રિયઓને સન્‍માન નહિ તો ભાજપને માન નહિ. સ્‍વમાનની લડાઇ ગામડે ગામડે પહોંચાડાશે.

(1:41 pm IST)