Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2024

રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્‍ય સમાજના મતો નિર્ણાયક

રાજકોટ લોકસભા બેઠક : લેઉઆ મતદારો સાડા ત્રણ લાખ, કડવા બે લાખથી ઓછા અને અન્‍ય મતદારોની સંખ્‍યા ચાર લાખ છે : દોઢ લાખ જેટલા ક્ષત્રિય મતદારો છે જેને ઓછા આંકવાની ભૂલ ભાજપ અને રૂપાલાને ભારે પડી શકે છે

નવી દિલ્‍હી, તા.૨૦: સૌરાષ્‍ટ્રની રાજકોટની બેઠક પરનો જંગ રસપ્રદ બની ગયો છે. પરશોત્તમ રૂપાલાની સામે કોંગ્રેસના યુવા નેતા અને પૂર્વ ધારાસભ્‍ય પરેશ ધાનાણી મેદાનમાં ઉતર્યા છે. એક તરફ રાજકીય પંડિતોના અનુમાન અને કોંગ્રેસ પાર્ટીની ધારણા મુજબ રૂપાલા સામે ક્ષત્રિયોના ચાલતા આંદોલન-વિરોધનો ફાયદો ધાનાણી થશે. પણ રાજનીતિમાં કયારે બાજી ફરે તે અંગે કઈ પણ કહેવું મુશ્‍કેલ છે. કારણ કે ભાજપના રૂપાલા કડવા પાટીદાર અને પરેશ ધાનાણી લેઉઆ પાટીદાર છે. જો પાટીદારના વોટના કડવા-લેઉવામાં વહેંચી જાય તો અન્‍ય મત નિર્ણાયક સાબિત થઈ શકે છે.

 અહીં એ ટાંકવું જરૂરી બને છે પોણા બે લાખ મુસ્‍લિમ મતદારો અને એસસીના પણ દોઢ લાખથી વધુ મતદારો છે. આ બંને સમાજ કોંગ્રેસની વૉટબેંક ગણાય છે. રોટી-બેટીવાળા નિવેદન બાદ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં ભારોભાર રોષ છે. ટિકિટ પાછી નહી ખેંચાતા ક્ષત્રિય મહિલાઓ પણ રણચંડી બનીને વિરોધ કરી રહી છે. આ બેઠક પરના દોઢ લાખ જેટલા ક્ષત્રિય મતદારો છે જેને ઓછા આંકવાની ભૂલ ભાજપ અને રૂપાલાને ભારે પડી શકે છે.

બીજી તરફ જોઈએ તો મુસ્‍લિમ ૧૮૯૬૫૩, કોળી ૩૧૧૫૦૩, એસસી ૧૫૫૦૦૮ જેટલા મતદારો છે. અને અન્‍ય ૩,૯૮, ૪૩૩ મતદારો રાજકોટ બેઠક પર છે, આ મતદારો જ રૂપાલા કે ધાનાણી બંને માંથી એકને રાજકોટ બેઠકની કમાન સોંપશે.

રાજકીય નિષ્‍ણાતો જણાવે છે કે, જ્ઞાતિ-જાતિના મતદાતાઓના આંકડાની સંખ્‍યાને ધ્‍યાનમા રાખવામાં આવે તો કોંગ્રેસ આ બેઠક પર અપસેટ કદાચ સર્જી શકે છે. પણ પાટીદારો ભાજપની વૉટબેંક છે જો પાટીદારોના વોટ રૂપાલાને મળે તો ધાનાણી માટે રાજકોટનું રાજ કપરા ચઢાણ સમાન છે. જ્ઞાતિ સમીકરણ પરથી તારણ કાઢી શકાય કે, લેઉઆ કે કડવા પાટીદાર મતદારો ખરા પણ અન્‍ય જ્ઞાતિના મતદારોનુ પ્રભુત્‍વ આ બેઠક પર વધુ રહેશે અને કદાચ જે કોઈ ઉમેદવાર ચૂંટણી જીતશે તેમાં અન્‍ય મતદારોનો ફાળો જ વિશેષ રહેશે.

(12:05 pm IST)