Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

'યુવા સરકાર'એ થિયેટરોને કરાવી દીધી દિવાળીઃ હકડેઠઠ માણસોએ માણ્યા ગુજરાતી ફિલ્મના શો

કથાવાર્તા અને સંગીતના સથવારે આ ફિલ્મ તમને કશેક લઈ જશે અને વિચારતા કરી દેશે. મનોરંજન તો ખરી જ, પણ મનોમંથન માટે યુવા સરકાર જોવી રહી

રાજકોટ તા. ૧૯:  વાહ ઘણા સમય પછી આવી ગુજરાતી ફિલ્મ જોવા મળી, મોજ પડી ગઇ...જબરદસ્ત જકડી રાખતી ફિલ્મ...આ શબ્દો છે અર્બન ગુજરાતી ફિલ્મ 'યુવા સરકાર' જોઇ ચુકેલા કલાપ્રેમી જનતાના. દિવાળીના તહેવારની રજામાં લોકડાઉન પછી સોૈ પહેલા રિલીઝ થયેલી 'યુવા સરકાર' ફિલ્મે થિયેટરોને દિવાળી કરાવી દીધી હતી. ગેલેકસી થિયેટરમાં એક પણ શો કેન્સલ થયા નહોતાં. રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ કરતાં પણ આપણા ગુજરાતી ફિલ્મ યુવા સરકારે બાજી મારી લીધી હતી. રિલાઇન્સ આઈનોકસ મોલમાં સતત ત્રણ દિવસ બધા જ શો હાઉસફૂલ રહ્યા હતાં. યુવા સરકાર-એક વિચાર એ પારિવારિક ચોખ્ખી ચણાક અને શેર લોહી ચડાવી દે તેવી ફિલ્મ છે. સત્ય હકીકતને આદર્શ રીતે વર્ણવી, લોકોને જગાડવા અને સત્ય જણાવવાનું કાર્ય યુવા સરકારે કર્યું છે. આશરે ૨૫ વર્ષ પછી ફિલ્મ જોવા આવનાર શ્રી હેમંત ચૌહાણે જણાવ્યું કે હું બે કલાક ફિલ્મની અંદર જાણે ખોવાઈ ગયો. આવી ફિલ્મો બનશે તો ગુજરાતી ભાષા જીવતી રહેશે.

લોકોના રીવ્યુ પ્રમાણે ગુજરાતી ફિલ્મમાં એક પ્રોમિનંટ એકટર તરીકે હર્ષલ માંકડ મળ્યા છે, શ્રેષ્ઠ દિગ્દર્શન માટે રક્ષિત વસાવડા સોએ સો ટકા સફળ રહ્યા છે. કોઈપણ સારી ફિલ્મ બનાવવા માટે એક મજબૂત ટીમ હોવી જોઈએ, જે યુવા સરકાર પાસે સુયોગ્ય છે તે ફિલ્મ ઉપરથી દેખાય આવે છે. મેહુલ બુચ, જીતેન્દ્ર ઠક્કર, હર્ષિત ઢેબર, રાજુ યાજ્ઞિક, અનીશ કચ્છી, હિતશ્વ નાણાવટી, અરવિંદ રાવલ, પલ્લવી વ્યાસ, કાજલ અગ્રાવત, મિલન ત્રિવેદી અને ફિલ્મના મુખ્ય હિરોઇન આસ્થા મહેતાનો અભિનય પણ નોંધનીય છે.

કથાવાર્તા અને સંગીતના સથવારે આ ફિલ્મ તમને કશેક લઈ જશે અને વિચારતા કરી દેશે. મનોરંજન તો ખરી જ, પણ મનોમંથન માટે યુવા સરકાર જોવી રહી. લોકડાઉનના પછીના સમયમાં યુવા સરકાર ટીમે તમામ ગાઇડલાઇનનું પાલન કરી લોકોને ન્યુ નોર્મલ તરફ ફિલ્મ જોતા કર્યા છે. ફિલ્મ પૂર્ણ થયા બાદ લોકોની એક મિનિટનું મૌન, પછી તાળીઓનો ગડગડાટ અને ફિલ્મની સંવેદનારોધક બનાવે છે યુવા સરકાર ફિલ્મ જેનું વિચારબીજ છે તેવા હર્ષલ માંકડ 'હેયાન', રક્ષિત વસાવડા અને નિર્માતા નિલેશ કાત્રોડિયાને સો સો સલામ.

ફકત રાજકોટ જ નહીં, સમગ્ર ગુજરાતમાં જે લોકો આ ફિલ્મ જુએ છે તે લોકો માત્ર એક જ વાત કહે છે - આવી ફિલ્મો બનવી જોઈએ, જોવી જોઈએ અને માણવી જોઈએ. સમગ્ર જનતાને યુવા સરકાર ટીમ અપીલ કરે છે કે થિયેટરમાં મુવી જોવા જાઓ અને ગુજરાતી ભાષાને, ગુજરાતનાં નવા કલાકારોને સપોર્ટ કરો. તેવો અનુરોધ નિર્માતા, નિર્દેશક, અભિનેતાઓ કરી રહ્યા છે.

(4:07 pm IST)