Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

કોરોના અંગે રાજકોટના ખાસ નોડલ ઓફિસર રાહુલ ગુપ્તા રાજકોટમાં : તમામ સાથે ખાસ મીટીંગ

શહેરમાં અમુક અણધડ આરોગ્ય સ્ટાફ દ્વારા આડેધડ ટેસ્ટીંગ અંગે ધ્યાન દોરાયું : કેસો વધવા અંગે રીવ્યુ લેવાયો : રાબેતા મુજબ ટેસ્ટીંગ ચાલુ રાખવા આદેશો

રાજકોટ તા. ૧૯ : કોરોના અંગે રાજકોટ શહેર - જિલ્લા માટે ખાસ નોડલ ઓફિસર તરીકે રાજ્ય સરકારે નિયુકત કર્યા છે, તે ડો. રાહુલ ગુપ્તા આજથી ફરી ત્રણ દિવસ રાજકોટની મુલાકાતે આવ્યા છે, આજે તેમણે કલેકટર, મ્યુ. કમિશનર, ડીડીઓ, સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન, આઇએમએના ડોકટર, ખાનગી હોસ્પિટલના ડોકટરો સાથે ખાસ મીટીંગ યોજી હતી અને કેસો વધવા અંગે રીવ્યુ લઇ રાબેતા મુજબ શહેર - જિલ્લામાં વધુને વધુ ટેસ્ટીંગ, ધન્વંતરી રથની પ્રક્રિયા ચાલુ રાખવા અંગે સૂચના આપી હતી.

શહેરના અમુક વિસ્તારમાં ધન્વંતરી રથના આરોગ્યના અણધડ સ્ટાફ દ્વારા થતા આડેધડ ટેસ્ટીંગ અને લોકોને સામાન્ય શરદી - ઉધરસ હોય તો પણ નાકમાં ટેસ્ટીંગ કરી તમને જાવ કોરોના છે તેવું કહી દેવાય છે, તે બાબતે પણ અધિકારીઓ દ્વારા ડો. રાહુલ ગુપ્તાનું ધ્યાન દોરાયું હતું. એન્ટીજનમાં પોઝિટિવ આવે અને ૨ કલાક બાદ RCPTR ટેસ્ટ કરાય તેમાં નેગેટીવ રીપોર્ટ આવે તેવી ચોંકાવનારી બાબત અંગે પણ ધ્યાન દોરાયું હતું. ડો. રાહુલ ગુપ્તા ત્રણ દિવસ રાજકોટ રોકાશે અને શહેર - જિલ્લાનો રિવ્યુ લઇ સરકારને બાદમાં રિપોર્ટ કરશે તેમ સૂત્રો ઉમેરી રહ્યા છે.

(3:35 pm IST)