Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

રાજકોટવાસીઓ ચેતજો... ફરી સંક્રમણ વધવા લાગ્યુ

માસ્ક પહેરો અને કોઈએ ન પહેર્યુ હોય તો પહેરાવો, સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરો નહિ તો રોવાનો વારો આવશે : લગ્ન પ્રસંગની ખરીદી, રજાઓમાં ફરવાની મજા માણી, દુઃખદ પ્રસંગોમાં હાજરી સહિતના મુખ્ય કારણો

રાજકોટઃ દિવાળી- નુતનવર્ષના તહેવારો સંપન્ન થયા છે. આજે લાભપાંચમ છે. ઠંડીના દિવસો પણ શરૂ થઈ ગયા છે. થોડા દિવસ કોરોના હળવો થયા બાદ છેલ્લા કેટલાક દિવસોથી કેસોમાં ફરી ઉછાળો આવ્યો છે. દિવાળીની ખરીદી, દુઃખદ પ્રસંગોમાં હાજરી, રજાઓમાં લોકો ફરવા નિકળી પડયા હતા. કેસોમાં વધારો થવાનું મુખ્ય કારણ છે.

રાજકોટ શહેર- જિલ્લામાં નોરતા બાદ કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો આવતા થોડો હાંસકારો અનુભવાયો હતો. સમરસ માટે બનાવેલા બેડ પણ બંધ કરી દેવામાં આવ્યા હતા. દિવાળીના તહેવારો નજીક આવતા બજારોમાં ખરીદીનો માહોલ જોવા મળતો હતો. જાણે કોરોના ભાગી ગયો હોય તેવું વાતાવરણ જોવા મળતું હતું. સોશ્યલ ડિસ્ટન્સનો અભાવ, લોકોએ માસ્ક પણ પહેરેલા જોવા મળતા ન હતા.

દિવાળીના તહેવારોની ખરીદીની સાથોસાથ લગ્નસરાની સિઝન આવી રહી હોય લોકો ખરીદી કરવા ઉમટી પડયા હતા. તો સાથોસાથ દુઃખદ પ્રસંગોમાં લોકો માત્ર ટેલિફોનીક બેસણું જ રાખતા અને હાલમાં પણ એ જ રાખી રહ્યા છે. પરંતુ અમુક લોકો એકબીજાના ઘરે મળવા જતા આવા અનેક કારણોના લીધે કોરોના ફરી ફૂંફાળો મારવા લાગ્યો છે. એમાં પણ છેલ્લા બે- ત્રણ દિવસમાં તો દિવસનો આંકડો ત્રણ આંકડા નજીક પહોંચવામાં હવે થોડુ જ છેટુ છે.

આ સપ્તાહના પ્રારંભથી જ ઠંડી વધારો થયો છે. મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે શરદી, ઉધરસના કેસોમાં વધારો થશે. કોરોનાની બીજી લહેર પણ શરૂ થઈ ગઈ છે. તંત્ર દ્વારા ટેસ્ટીંગ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. રાજકોટ શહેરમાં તો અનેક સ્થળોએ ખાસ ડોમ રાખવામાં આવ્યા છે. જયાં લોકો જાતે જ વિનામૂલ્યે ટેસ્ટ કરાવી શકે.

આ મહામારીથી બચવા હવે લોકોએ જ પોતે જ સમજીને કામ વગર ઘરની બહાર નિકળવાનું ટાળવું જોઈએ. સોશ્યલ ડિસ્ટન્સનું સંપૂર્ણપણે પાલન કરવું જોઈએ અને માસ્ક ખાસ પહેરવું જોઈએ. હજુ પણ અનેક લોકો માસ્ક વગર જ જોવા મળતા હોય છે. તો અુમક લોકો માત્ર માસ્ક પહેરવા ખાતર જ પહેરે છે. નાક ઢંકાઈ રહે તેવી રીતે માસ્ક પહેરવું જોઈએ.

તહેવારમાં અનેક સોસાયટીઓમાં સ્વયંભૂ લોકડાઉન

બહારની વ્યકિતઓએ સોસાયટીમાં પ્રવેશ ન કરવોઃ ફોનથી જ શુભેચ્છા પાઠવવી

રાજકોટઃ દિવાળી- નવાવર્ષમાં લોકો એકબીજાના ઘરે જઈ નવાવર્ષની શુભકામના પાઠવતા હોય છે, પરંતુ આ વર્ષે કોરોનાની મહામારી વચ્ચે અનેક શહેરીજનોએ મોબાઈલ, વિડયો- કોલીંગથી જ એકબીજાને શુભેચ્છાઓનું આદાન-પ્રાદાન કર્યું હતું. તો અનેક સોસાયટીઓમાં બેનર લગાવી દેવામાં આવ્યા હતા કે અમારી સોસાયટીમાં બહારની વ્યકિતઓએ પ્રવેશ કરવો નહી. માત્ર ફોનથી જ શુભેચ્છાઓની આપ- લે કરવી. હાલના સમયમાં આ એક શ્રેષ્ઠ ઉપાય છે. જેનાથી સંક્રમણ અટકશે. આમ અનેક સોસાયટીઓમાં સ્વયંભૂ લોકડાઉન જોવા મળ્યું હતું.

(3:34 pm IST)