Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

રૈયાધારમાં ધોકાને દિવસે ધોકાવાળીઃ ઘરથી દૂર ફટાકડા ફોડવાનું કહેતાં હુમલોઃ દિપક સોલંકી સહિત પાંચ ઘવાયા

પડોશી રાજુ મકવાણા, ભીખા અને સાગરે : ધોકાવાળી કર્યાની ફરિયાદઃ સામે રાજુને પણ ઇજા

રાજકોટ  તા. ૧૯: રૈયાધાર ઇન્દિરાનગરમાં ધોકાની રાતે ઘર પાસેથી ફટાકડા દૂર ફોડવાનું કહેતાં ભંગારની ફેરી કરતાં યુવાન, તેના બે ભાઇઓ, બે સાળા અને પુત્ર પર પડોશીઓએ ધોકાવાળી કરતાં તમામને ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી.

બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે રૈયાધાર ઇન્દિરાનગર-૧માં રહેતાં અને ભંગારની ફેરી કરતાં દિપક સોમાભાઇ સોલંકી (ઉ.વ.૩૫)ની ફરિયાદ પરથી આ વિસ્તારના જ રાજુ કાળુભાઇ મકવાણા, ભીખાભાઇ અને સાગર ભીખાભાઇ સામે ગુનો નોંધ્યો છે. દિપકના કહેવા મુજબ ધોકાની રાતે દસેક વાગ્યે હું મારા ઘરે હતો ત્યારે બાજુમાં રહેતાં રાજુ મકવાણા ફટાકડા ફોડતાં હોઇ તેને દૂર ફોડવાનું કહેતાં તે ઉશ્કેરાઇ ગયેલ અને ગાળો દેવા માંડતા ગાળો દેવાન ના પાડતાં ધોકો ઉપાડી મારા માથામાં મારી દીધો હતો. દેકારો થતાં મારા ભાઇ મનોજ, પ્રકાશ આવી જતાં રાજુના કાકા ભીખા અને તેનો દિકરો સાગર પણ લાકડી લઇને આવ્યા હતાં અને અમને ત્રણેય ભાઇઓને ફટકાર્યા હતાં. મારો સાળો બરસાત તથા ઋત્વીક છોડાવવા આવતાં તેને પણ આ લોકોએ લાકડીના ઘા માર્યા હતાં. આ ઉપરાંત મારા દિકરા વિક્કીને પણ માથામાં લાકડી ફટકારી દેવાઇ હતી. અમને બધાને લોહી નીકળવા માંડતા સિવિલ હોસ્પિટલમાં ૧૦૮ મારફત ખસેડાયા હતાં.

સામા પક્ષે રાજુ કાળુભાઇ મકવાણા (ઉ.૨૫) પણ પોતાને પ્રકાશ સોમા, મનોજ સોમા અને દિપકે બેટથી માર માર્યાની રાવ સાથે સિવિલમાં સારવાર લીધી હતી. હેડકોન્સ. અજયસિંહ ચુડાસમાએ ગુનો નોંધી વિશેષ કાર્યવહી કરી હતી.

હુડકો ચોકડીએ રિક્ષાચાલક દિવ્યરાજસિંહને છરી ઝીંકાઇ

હુડકો ચોકડી તિરૂપતી સોસાયટીમાં રહેતાં દિવ્યરાજસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા (ઉ.૩૨) ચોકડીએ રિક્ષા લઇને ઉભેલ ત્યારે અજાણ્યા શખ્સો ગાળાગાળી કરતાં હોઇ તેની સામે જોતાં એક શખ્સે ગાળો દઇ છરીથી હુમલો કરી નાકે-છાતી પર ઇજા કરતાં સિવિલમાં દાખલ થતાં આજીડેમ પોલીસમાં જાણ કરાઇ હતી.

(3:11 pm IST)