Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

આજીડેમ ચોકડી ઓવરબ્રિજ દૂર્ઘટનામાં હલ્કી ગુણવત્તાનું ક્ષતિવાળુ બાંધકામ અને ડિઝાઇન તૈયાર કરનારા એન્જિનીયર - કોન્ટ્રાકટરો સામે ગુનો દાખલ

મેજીસ્ટેરિયલ તપાસનો રિપોર્ટ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયા ન્યુ દિલ્હીને મોકલાયા બાદ આદેશ થતાં એફઆઇઆર નોંધાવાઇઃ એલ્સામેક્ષ મેઇન્ટનન્સ સર્વિસ લિ. ધી આઇએલ, અમદાવાદની એમ.આઇ. સાઇ કન્સલ્ટીંગ એન્જિનીયર્સ પ્રા. લિ. તથા મુંબઇની એમએમ વાડીયા ટેકનો એન્જિનિયર સર્વિસ લિ. વરદ એસો. સામે આઇપીસી ૩૦૪, ૧૧૪ મુજબ એફઆઇઆર નોંધવામાં આવી

રાજકોટ તા. ૧૯: આજીડેમ ચોકડીના ઓવરબ્રિજની જમણી સાઇડની દિવાલનો આશરે ૧૫ મિટર જેટલો ભાગ ગત જુન મહિનામાં એકાએક તૂટી પડતાં બે યુવાન તેના વાહન સહિત દબાઇ જતાં મોત નિપજ્યા હતાં. આ ઘટનામાં સરકારે મેજીસ્ટેરિયલ તપાસના આદેશ કર્યા બાદ  તેનો પ્રાથમિક અહેવાલ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયા ન્યુ દિલ્હીને મોકલી અપાયો હતો. તેના આદેશ અનુસંધાને  જે તે વખતના બ્રિજના કન્સેસનર, બાંધકામ વખતના તે વખતના ઇન્ડિપેન્ડન્ટ એન્જિનીયર અને હાલના ઇન્ડિપેન્ડન્ટ એન્જિનીયર વિરૂધ્ધ અંતે બેદરકારી પુર્વક નબળુ , હલ્કી ગુણવત્તાનું ક્ષતિવાળુ બાંધકામ કરતાં બ્રિજની દિવાલનો એક ભાગ તૂટી જતાં બે વ્યકિતના મોત નિપજ્યા અંગે અંતે ગુનો દાખલ થયો છે.

આજીડેમ પોલીસે આ બનાવમાં નાના મવા રોડ શાસ્ત્રીનગર ફલેટ નં. ૩૯માં રહેતાં અને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં પ્રોજેકટ ડાયરેકટર તરીકે ૫/૯/૨૦થી ફરજ બજાવતાં પંકજકુમાર રમેશપ્રસાદય રોય (ઉ.વ.૪૮)ની ફરિયાદ  પરથી રાજકોટની એલ્સામેક્ષ મેઇન્ટનન્સ સર્વિસ લિ. ધી આઇએલ, અમદાવાદની એમ.આઇ. સાઇ કન્સલ્ટીંગ એન્જિનીયર્સ પ્રા. લિ. તથા મુંબઇની એમએમ વાડીયા ટેકનો એન્જિનિયર સર્વિસ લિ. વરદ એસો. સામે આઇપીસી ૩૦૪, ૧૧૪ મુજબ આજીડેમ ચોકડી રાજકોટથી ગોંડલ ચોકડી રાજકોટ તરફ જતાં સર્વિસ રોડની દિવાલની ડિઝાઇન અસુરક્ષીત અને ખામીયુકત રીતે તૈયાર કરી દિવાલના બાંધકામમાં નબળી ગુણવત્તાના મટીરિયલ્સનો ઉપયોગ કરી યોગ્ય બાંધકામ ન કરતાં અને સમયાંતરે દિવાલનું સમારકામ ન કરતાં તેના કારણે ભવિષ્યમાંદિવાલ પડી જાય અને મોટી દૂર્ઘટના સર્જાય તેમજ તેનાથી માણસોના મોત નિપજે તેવી જાણકારી હોવા છતાં ઓવરબ્રિજની દિવાલનું નબળુ  હલકી ગુણવત્તાનું ક્ષતિવાળુ બાંધકામ અને ડિઝાઇન કરતાં દિવાલ પડી જવાથી વિજયભાઇ કરણભાઇ વીરડા અને ભુપતભાઇ નાથાભાઇ મિંયાત્રાના મૃત્યુ નિપજ્યા હતાં.

શ્રી પંકજકુમાર રોયએ એફઆઇઆરમાં આગળ જણાવ્યું છે કે મારું કામ કન્સેશનર તથા કોન્ટ્રાકટરને જમીન તથા જંગલનું કલીયરન્સ થાય તે માટે સહકાર આપવાનું છે. હું ગુજરાતી ભાષા જાણતો નથી. મને હિન્દી-અંગ્રેજીમાં સમજુત કર્યા બાદ ફરિયાદ લખાવી છે.

જેતપુર-ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે-૨૭૨૭ના કિ.મી. ૧૮૦.૫૭૦ આજીડેમ ચોકડી રાજકોટ પાસે આવેલ બ્રિજની જમણી બાજુની દિવાલ તા. ૮/૬/૨૦૨૦ના રોજ અચાનક તૂટી પડતાં બે વ્યકિતના મૃત્યુ થયા હતાં. આ બાબતે સરકાર દ્વારા કલેકટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ મારતફ મેજીસ્ટેરિયલ ઇન્કવાયરી કરાવાઇ હતી. તેના આધારે માર્ગ અને મકાન વિભાગના સચિવશ્રી એસ. બી. વસાવાએ તા. ૩/૦૯/૨૦ના પત્રથી ડો. સુખબીરસિંઘ સંધુ -આઇએએસ ચેરમેનશ્રી નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ન્યુ દિલ્હીને તપાસ અહેવાલ મોકલ્યો હતો. તેના આધારે જે તે વખતના કન્સેસનર અને બાંધકામ વખતના ઇન્ડિપેન્ડન્ટ એન્જિનીયર અને હાલના ઇન્ડિપેન્ડન્ટ એન્જિનીયર વિરૂધ્ધ એફઆઇઆર દાખલ કરવા અધિકૃત કરાયા છે.

જે અનુસંધાને ચીફ જનરલ મેનેજર (ટેક) રિજનલ ઓફિસ ગુજરાત-ગાંધીનગરન તરફથી ૬/૧૦ ઇમેઇલથી નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયા ન્યુ દિલ્હીના પત્ર મુજબ કાર્યવાહી કરવા જણાવાતાં તે અંતર્ગત પીઆઇ યુ રાજકોટને ૯/૧૦થી અને એનેએચએઆઇ એચ કયુને જાણ કરવામાં આવી હતી. એ પછી આજીડેમ પોલીસ મથકમાં વિગતવાર ફરિયાદ અપાઇ છે.

ફરિયાદમાં જણાવાયું છે કે જે તે વખતના કન્સેસનર અને બાંધકામ વખતના ઇન્ડિપેન્ડન્ટ એન્જિનીયર તથા હાલના ઇન્ડિીપેન્ડન્ટ એન્જિનીયર સામે એફઆઇઆર નોંધાવવા અમોને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ન્યુ દિલ્હી તરફથી ૫/૧૦ના રોજ આદેશ થયો છે.

જેતપુર-ગોંડલ-રાજકોટ નેશનલ હાઇવે નં. ૨૭ રાજકોટ બાયપાસ કિ.મી. ૧૮૦.૫૭૦ ઉપર તા.૮/૬ના રોજ આજીડેમ ચોકડી પાસેના અન્ડરબ્રીજની જમણી બાજુની દિવાલનો સાઇડ પરનો અંદાજીત ૧૫ મિટરનો કટકો પડી જતાં બે વ્યકિતના મોત થયા હતાં. જરૂરી પત્રો તથા મેજીસ્ટેયિરલ ઇન્કવાયરીના અહેવાલની વિગતે જે તે વખતના કન્સેસનર અને બાંધકામ વખતના ઇન્ડિપેન્ડન્ટ એન્જિનીયર અને હાલના ઇન્ડિપેન્ડન્ટ એન્જિનીયરના જવાબદાર અધિકારીઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

જે તે વખતના કન્સેસનર અને બાંધકામ વખતના ઇન્ડિપેન્ડન્ટ એન્જિનીયર તથા હાલના ઇન્ડિપેન્ડન્ટ એન્જિનીયરની વિગત આ મુજબ છે. જેમાં વેસ્ટ ગુજરાત એકસપ્રેસ વે લિ. (રહે. એલ્સામેક્ષ મે ઇન્ટન્સ સર્વિસ લિ. ધી આઇ.એલ. એલ. એન્ડ એફએસ ફાયનાન્સ સેન્ટર પ્લોટ લોકલ નં. સી-૨૨,  બાંદરા ઇસ્ટ મુંબઇ, ઓફિસ-સૂર્યા કોમ્પલેક્ષ બીજો માળ, ટાટા શો રૂમની બાજુમાં ૧૫૦ રીંગ રોડ રાજકોટ), એમ.એસ. સાઇ કન્સ્લટીંગ એન્જિનીયર્સ પ્રા. લિ. (રહે. બ્લોક નં. એ-સાઇ હાઉસ, સત્યમ કોર્પોરેટ સ્કવેર, રાજપથ કલબ સામે અમદાવાદ તેમજ   એમ.એસ. વાડીયા ટેકનો એન્જિનીયર્સ સર્વિસિસ લિ. વરદ એસોસિએટ (રહે. વીંગ એ- રહેજા પોઇન્ટ-૧, પંડિત જવાહરલાલ નહેરૂ રોડ, વકોલા સાંતાક્રુઝ (ઇ), લોકલ ઓફિસ મીરા પાર્ક સોસાયટી-૧, સ્વીમીંગ પુલ પાસે રાજકોટ) સામે ગુનો નોંધાવાયો છે.

ગુજરાત સરકાર દ્વારા નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયા નવી દિલ્હીને મોકલાયેલા પ્રાથમિક તપાસના અહેવાલની વિગતે નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયાના નિર્દેશ મુજબ બ્રિજની જમણી બાજુની દિવાલના બાંધકામ વખતના કન્સેસનર/ કોન્ટ્રાકટરને ઇન્ડિપેન્ડન્ટ એન્જિનીયરે તથા હાલના ઇન્ડિપેન્ડન્ટ એન્જિનીયરે તેમના સુપરવિઝનની કામગીરીમાં દાખવેલ બેદરકારી અંગે એફઆઇઆર નોંધાવવા અમોને અધિકૃત કરતાં અમે ફરિયાદ કરી છે. તેમ વધુમાં શ્રી પંકજકુમારે ફરિયાદમાં જણાવતાં પીઆઇ  પીઆઇ વી. જે. ચાવડાની રાહબરીમાં પીએસઆઇ એમ. એમ. ઝાલા અને ટીમે તપાસ શરૂ કરી છે.

(3:08 pm IST)