Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના યાર્ડોમાં મગફળીની ૩.રપ લાખ ગુણીની ધિંગી આવકઃ ભાવો સ્થિર

રાજકોટ યાર્ડમાં કપાસની ૧પ હજાર મણની આવકઃ ભાવમાં ૩૦ થી ૪૦ રૂ.નો ઉછાળોઃ રાજકોટ યાર્ડમાં મગફળીની આવકો બંધ કરાઇ

રાજકોટ તા. ૧૯ :.. લાભપાંચમના શુકનવંતા દિવસે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડોમાં મગફળીની ૩.રપ લાખ ગુણીની ધિંગી આવકો થઇ હતી. મગફળીની ધિંગી આવકો છતાં મગફળીના ભાવો સ્થિર રહ્યા હતાં. જયારે કપાસના ભાવોમાં ૩૦ થી ૪૦ રૂ.નો ઉછાળો થયો હતો.

દિપાવલીના તહેવારો પુર્ણ થયા બાદ આજે લાભપાંચમના દિવસે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડો ખુલતા મગફળીની પુષ્કળ આવકો થઇ હતી. રાજકોટ યાર્ડમાં મગફળીની ૭પ હજાર ગુણી તથા ગોંડલ યાર્ડમાં મગફળીની ૮૦ હજાર ગુણીની આવકો થઇ હતી. સૌરાષ્ટ્રના જસદણ, જામનગર, હાપા, કાલાવડ, ભાવનગર, અમરેલી તથા બોટાદ સહિતના યાર્ડોમાં મગફળીની કુલ ૩.રપ લાખ મગફળીની જંગી આવકો થઇ હતી. મગફળીની પુષ્કળ આવકો છતાં મગફળીના ભાવો સ્થિર રહ્યા હતાં. સૌરાષ્ટ્રના યાર્ડોમાં મગફળી એક મણના ભાવ ૯પ૦ થી ૧૦૮૦ રહ્યા હતાં. જયારે મીલ ડીલીવરીમાં મગફળી જાડી એક મણના ભાવ ૧૦પ૦ થી ૧૦૬૦ તથા મગફળી ઝીણી એક મણના ભાવ ૧૧ર૦ થી ૧૧૩૦ રૂ. રહ્યા હતાં.

ચાલુ વર્ષે મગફળીના બમ્પર ઉત્પાદનના પગલે દિપાવલી પૂર્વે પણ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના યાર્ડોમાં મગફળીની પુષ્કળ આવકો નોંધાઇ હતી. લાભપાંચમના દિવસે મગફળીની પુષ્કળ આવકો થતા રાજકોટ યાર્ડમાં મગફળીની આવકો બંધ કરાઇ છે.

મગફળીની સાથે સૌરાષ્ટ્રના યાર્ડોમાં કપાસની આવકો પણ વધી હતી. આજે રાજકોટ યાર્ડમાં કપાસની ૧પ હજાર મણની આવકો થઇ હતી. કપાસના ભાવમાં મણે ૩૦ થી ૪૦ રૂ.નો ભાવ વધારો થયો હતો.  કપાસ એક મણના ભાવ વધીને ૧૦૦૦ થી ૧ર૦૦ રૂ. થયા હતાં.

(12:52 pm IST)