Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

બજારોમાં શુકનવંતો શુભારંભઃ ર૭મીથી લગ્નોત્સવના ઢોલ વાગશે

કોરી ગાગરડીમાં સોપારીનો કટકો, જો જો વહાલીડા વીરા સાસુજીનો લટકો.... : ર૦ર૦ના વર્ષમાં લગ્નના પાંચ મંગલ મુહુર્તઃ કમૂહુર્તા બાદ લગ્નોત્સવની નવી મોસમ ર૦ જાન્યુઆરીથી

રાજકોટ તા. ૧૯ :.. દીપાવલીના તહેવારો પુરા થતા નૂતન વર્ષના આશાભર્યા દિવસો શરૂ થયા છે. નવા વર્ષમાં પ્રારંભે સૌથી વધુ શુકનિયાળ ગણાતો લાભ પાંચમનો દિવસ આજે છે. આજે સવારથી બજારોમાં ફરી ધમધમાટ શરૂ થયો છે. વેપારીઓ, ઉદ્યોગકારો, સેવાક્ષેત્રના વ્યવસાયિકો વગેરેએ આજથી ર૦૭૭ ના વિક્રમ સવંત વર્ષની પ્રવૃતિઓનો પ્રારંભ કર્યો છે. આવતા શુક્રવારથી લગ્નોત્સવની મોસમનો પ્રારંભ થશે.

છેલ્લા ૮ મહિનાથી કોરોનાથી પ્રભાવિત પ્રજાએ તહેવારોની ઉજવણીમાં હળવાશ અનુભવેલ. સરકારની વધુ છૂટછાટ બાદ પ્રથમ વખત લગ્નોત્સવનો સમય આવી રહ્યો છે. આ મોસમ ભુદેવો, કેટરર્સ, મંડપ સર્વિસ, બેન્ડ વાજા, કાપડ-વસ્ત્રો, ઢોલી, સુશોભન વગેરેના ધંધાર્થીઓ માટે વિશેષ રોજગારીના દિવસો ગણાય છે.

શાસ્ત્રોકત દ્રષ્ટિએ ર૦ર૦ના વર્ષમાં શુભ લગ્નના પ મુહુર્તો છે. જેમાં ર૭ નવેમ્બર, ૩૦ નવેમ્બર તેમજ ડીસેમ્બરમાં તા. ૭, ૮ અને ૯નો સમાવેશ થાય છે. ત્યારબાદ ૧ માસના કમૂહૂર્તા આવશે. મકરસંક્રાંતિ પછી લગ્નોત્સવના નવા તબકકાનો ર૦ જાન્યુઆરીથી પ્રારંભ થશે. બજારોમાં મંદીના માહોલ વચ્ચે પણ લગ્નોત્સવની ખરીદીની ચમક દેખાવા લાગી છે.

(12:18 pm IST)