Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

નવાગામમાં ડૂબી જતાં કાકી-ભત્રીજીના મોતથી બિહારી પરિવારજનોમાં કલ્‍પાંત

તહેવાર હોઇ બધા ન્‍હાવા માટે ગયા ત્‍યારે ડૂબી રહેલા બાળકને બચાવવા જતાં એક પછી એક પાંચ તણાયાઃ ત્રણ બચી ગયા

રાજકોટ તા. ૧૯: કુવાડવા રોડ પર નવાગામ આણંદપર મામાવાડીમાં રહેતાં બિહારી પરિવારના તનુબેન ધીરજભાઇ સિંગ (ઉ.૨૭) અને તેની કુટુંબી ભત્રીજી જ્‍યોતિ ગોપાલ શર્મા (ઉ.૧૨)ના દેવનગર ઢોળા પર આવેલા તળાવમાં ડૂબી જતાં મોત નિપજતાં પરિવારજનોમાં કલ્‍પાંત સર્જાયો હતો.

જાણવા મળ્‍યા મુજબ આણંદપર મામાવાડીમાં રહેતાં તનુબેન સહિતના બિહારી મહિલાઓએ તેમનો તહેવાર હોઇ ગઇકાલે ઉપવાસ રાખ્‍યો હતો. એ પછી સાંજે બધા મહિલાઓ ન્‍હાવા માટે તળાવે ગયા હતાં. સાથે બાળકો પણ જોડાયા હતાં. ન્‍હાતી વખતે એક બાળક અને ત્રણ બાળકી ડૂબવા માંડતા તનુબેને સાડીનો છેડો નાખી બે બાળકી અને તેના પુત્ર હિમાંશુ (આર્યન) (ઉ.૧૧)ને બચાવી લીધા હતાં. પરંતુ પોતે અને કુટુંબી ભત્રીજી જ્‍યોતિ ઉંડા પાણીમાં ગરક થઇ ગયા હતાં.

ફાયર બ્રિગેડને જાણ થતાં સ્‍ટેશન ઓફિસર રહિમ ઠેબા, કમલેશ જીંજુવાડીયા, મેહુલ જીંજુવાડીયા, વિનોદ જીંજુવાડીયા, વિશાલભાઇ, લાલજીભાઇ, પંકજભાઇ તથા ગામના લોકો વિપુલભાઇ, જીતેશભાઇ, કિશનભાઇ સહિતનાએ ભારે શોધખોળ બાદ કાકી-ભત્રીજીને બેભાન હાલતમાં બહાર કાઢી સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયા હતાં. પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્‍યાનું તબિબે જાહેર કરતાં પરિવારજનોમાં કલ્‍પાંત સર્જાયો હતો.

તનુબેનને સંતાનમાં એક પુત્ર છે. જ્‍યારે તેની સાથે ડુબી ગયેલી જ્‍યોતિ એક ભાઇ અને ત્રણ બહેનમાં નાની છે. બનાવની જાણ થતાં કુવાડવા રોડ પોલીસે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટ મોર્ટમ માટે ખસેડયા હતાં. કાકી-ભત્રીજીની અંતિમયાત્રા નીકળતાં ગમગીની છવાઇ ગઇ હતી. તનુબેનના પતિ ધીરજ સિંગ કારખાનામાં મજૂરી કરે છે.

(11:08 am IST)