Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

ચુંટણીલક્ષી ગુજરાતમાં પ્રચારને વધુ તીવ્ર બનાવતા, આમ આદમી પાર્ટીએ રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાને સહ-પ્રભારી તરીકે નિયુક્ત કર્યા : મારી પાર્ટીની અપેક્ષાઓ પૂરી કરવા માટે હું મારું લોહી, પરસેવો, આંસુ અને પરિશ્રમ નાખીશ : ગુજરાત પરિવર્તન ઈચ્છે છે, ગુજરાતને સારું શિક્ષણ-આરોગ્ય જોઈએ છે. ગુજરાતને કેજરીવાલ જોઈએ છેઃ રાઘવ ચઢ્ઢા

સાંસદ રાઘવ ચઢ્ઢાએ ‘આપ’ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીને વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતના સહ-પ્રભારી તરીકેની જવાબદારી આપવા બદલ આભાર માન્યો

રાજકોટ તા.૧૮ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવાની તૈયારી કરી રહેલી આમ આદમી પાર્ટીએ સાંસદ રાઘવ ચઢ્ઢાને ગુજરાતમાં પાર્ટીના સહ-પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે.

પાર્ટીના સહ-પ્રભારી બનાવ્યા બાદ રાઘવ ચઢ્ઢાએ કહ્યું, "હું મારા રાજકીય માર્ગદર્શક અને આપણા નેતા અરવિંદ કેજરીવાલજીનો ખૂબ આભારી છું કે તેમણે મને ગુજરાતમાં ચૂંટણી પહેલા પાર્ટીના પાયાને મજબૂત કરવાની આ મોટી તક આપી."

 

તેમણે કહ્યું કે, “હું પાર્ટીની આકાંક્ષાઓને પૂર્ણ કરવા અને ગુજરાતની ચૂંટણીમાં આપની પ્રચંડ જીત સુનિશ્ચિત કરવા માટે હું મારું સર્વશ્રેષ્ઠ આપવાનું અને ખંતપૂર્વક કામ કરવાનો સંકલ્પ કરું છું."

 

શાસક ભાજપ પર આકરા પ્રહાર કરતા ચઢ્ઢાએ કહ્યું કે, ગુજરાતના લોકો હવે ભાજપથી કંટાળી ગયા છે, જે છેલ્લા 27 વર્ષથી રાજ્યમાં શાસન કરી રહી છે. દિલ્હીની જનતાએ પણ કોંગ્રેસના 15 વર્ષના શાસનનો અંત કરીને અમને એક તક આપી હતી. ત્યારપછી તેમણે ક્યારેય કોઈ અન્ય પાર્ટી તરફ નજર કરી નથી અને દરેક ચૂંટણીમાં આપ અને અરવિંદ કેજરીવાલજીને વોટ આપવાનું ચાલુ રાખ્યું, કારણ કે લોકો આપ સરકારના પ્રદર્શનથી ખૂબ જ ખુશ છે.

 

એ જ રીતે, પંજાબમાં પણ, લોકોએ કોંગ્રેસ અને અકાલી-ભાજપ સરકારોથી મોં ફેરવી લીધું, જે ઘણા વર્ષોથી રાજ્યમાં વારાફરથી શાસન કરી રહી હતી, પરંતુ ત્યાં કોઈ કામ કર્યું નહોતું. પછી લોકોએ આમ આદમી પાર્ટીને જંગી બહુમતી આપ્યું  અને હવે તેઓ ભગવંત માન સરકાર દ્વારા આપવામાં આવી રહેલા સુશાસનનો આનંદ માણી રહ્યા છે.

 

આજે ગુજરાતમાં પણ ‘પરિવર્તન’ની લહેર છે. લોકો પરિવર્તન ઈચ્છે છે અને તેઓ અરવિંદ કેજરીવાલ અને આપને ઘણો પ્રેમ આપી રહ્યા છે. ભાજપે ગુજરાતને ભ્રષ્ટાચાર, ડ્રગ્સ અને બેરોજગારીનો અડ્ડો બનાવી દીધો છે. મોટા પ્રમાણમાં ડ્રગ્સની તસ્કરી થાય છે. ગુજરાત બેરોજગારીમાં પણ બીજા રાજ્યો કરતા આગળ છે. ગુજરાતની જનતા હવે દિલ્હી અને પંજાબમાં લાગુ કરવામાં આવેલા કેજરીવાલ મોડલને અજમાવવા માંગે છે અને ભૂતકાળની ભ્રષ્ટ અને બિન કાર્યકારી સરકારોથી છુટકારો મેળવવા માંગે છે.

 

તેમણે કહ્યું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની વધતી જતી લોકપ્રિયતાએ ભાજપને હેરાન કરી દિધું છે. એનાં કારણે ભાજપ અમને રોકવા માટે દરેક પ્રકારનાં ઉપાયો કરી રહી છે.

 

રાઘવ ચઢ્ઢાને પંજાબમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીતના સહ-સ્થપતિ તરીકે શ્રેય આપવામાં આવે છે, જ્યારે આપએ આ વર્ષની શરૂઆતમાં 117 વિધાનસભા બેઠકોમાંથી 92 જીતીને રાજ્યમાં પણ જંગી બહુમતી મેળવી હતી.

 

પાર્ટીના એક પ્રવક્તાએ કહ્યું કે, યુવા અને ઉત્સાહી નેતા રાઘવ ચઢ્ઢા યુવાનોની વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે. આ જ કારણ છે કે પાર્ટીના સુપ્રીમ અરવિંદ કેજરીવાલજી એ ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીથી પહેલા તેમને આ મોટી જવાબદારી આપી છે.

 

(9:29 pm IST)