Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

કોર્ટમાં ખોટુ નામ ધારણ કરી જુબાની આપવાના કેસમાં

સજાનો હુકમ સ્‍ટે કરી આરોપીને જામીન પર છોડવા સેસન્‍સ કોર્ટનો હુકમ

રાજકોટ,તા. ૧૮ : કોર્ટમાં ખોટુ નામ ધારણ કરી જુબાની આપવાના કેસમાં સજાનો હુકમ સ્‍ટે કરી આરોપીને જામીન પર મુકત કરવાનો સેશન્‍સ કોર્ટ હુકમ કર્યો હતો.
આ કેસની ટૂંકમાં હકકીત એવી છે કે, આ કામમાં આરોપી ડાયા ભીખા ચીફ કોર્ટ રાજકોટમાં પોતાનું સાચુ નામ છુપાવી પોતે ગણેશ ભીખા નામ ધારણ કરી ખોટા નામે જુબાની આપતા પકડાઇ ગયેલ. ત્‍યારબાદ ઇ.પી.કો. કલમ ૧૯૩,૧૯૬,૨૦૫,૪૧૯ મુજબના ગુન્‍હાની ફરીયાદીએ ફરીયાદ કરી ત.ક.અ એ. પોતાની તપાસ પૂર્ણ કરી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરેલ.
ત્‍યારબાદ એડી. ચીફ કોર્ટે ૧૦ જેટલા સાહેદો તપાસી આરોપીની તરફેણમાં બચાવ માટે કોઇ પુરાવો મળી ન આવતા આરોપીને તકસીરવાન ઠેરાવી આરોપી ડાયા ભીખાને ૨ વર્ષની સાદી કેસની સજાનો હુકમ કરેલ હતો. આરોપીએ ચીફ કોર્ટમાં ૩૦ દિવસના જામીન મેળવી જીલ્લા કાનુની સેવા સત્તામંડળમાં મફત વકીલ સહાય માટે અરજી કરેલી. જે અરજી અન્‍વયે લીગલ પેનલ એડવોકેટ વિવેક એન.સાતાની નિમણુક થતાં એડવોકેટ વિવેક સાતાએ આરોપીની સજાના હુકમ વિરૂધ્‍ધ સેસન્‍સ કોર્ટ રાજકોટમાં અપીલ દાખલ કરેલ. એડવોકેટ વિવેક સાતાએ વચગાળાની અરજીની દલીલ કર્યા બાદ એડી. સેશન્‍સ કોર્ટે આરોપી ડાયા ભીખાને અપીલ ચાલતા સમય સુધી નીચેની કોર્ટનો સજાનો હુકમ સ્‍ટે. કરી રૂા. ૧૫,૦૦૦ ના જામીન પર મુકત કરતો હુકમ ફરમાવેલ છે.આરોપી ડાયા ભીખા તરફે લીગલ એઇડ એડવોકેટ વિવેક એન.સાતાની નિમણુંક થયેલ હતી.

 

(4:21 pm IST)