Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

સાંજે ખંઢેરી સ્‍ટેડિયમમાં ડુ ઓર ડાય જંગ

રોમાંચક ટી-૨૦ મેચ : ભારત માટે ‘કરો યા મરો'ની સ્‍થિતિ : મેચ જીતવો અનિવાર્ય : ક્રિકેટ રસીકોમાં અનેરો થનગનાટ : ચોગ્‍ગા - છગ્‍ગાનો વરસાદ વરસે તેવી શકયતા : સ્‍ટેડિયમ હાઉસફુલ : તમામ તૈયારીઓ પૂર્ણ : સાંજે ૭ થી લાઈવ પ્રસારણ : ૪ એલઈડી સ્‍ક્રીન મેદાનમાં: ડીજેની બોલશે રમઝટ : વરસાદ ન આવે તેવી ક્રિકેટ રસીકોની પ્રાર્થના : ભારતીય ટીમમાં એકાદ-બે ફેરફારની શકયતા

રાજકોટ, તા. ૧૭ : આજે બપોરથી જ ક્રિકેટપ્રેમીઓ ખંઢેરીના સ્‍ટેડિયમ ખાતે પહોંચી રહ્યા છે. ભારત અને આફ્રિકા વચ્‍ચે મુકાબલો શરૂ થઈ રહ્યો છે. ટીમ ઈન્‍ડિયા માટે આ મેચ ડુ ઓર ડાય સમાન રહેશે. આજનો મેચ કોઈ પણ ભોગે જીતવો પડશે નહિં તો સીરીઝથી હાથ ધોવા પડશે.

લાંબા સમય બાદ રાજકોટમાં આંતરરાષ્‍ટ્રીય મેચ રમાઈ રહ્યો હોય ક્રિકેટપ્રેમીઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. ખંઢેરીના મેદાનમાં ચોગ્‍ગા - છગ્‍ગાઓનો વરસાદ જોવા મળશે. ક્રિકેટ પ્રેમીઓ તેમના માનીતા ખેલાડીઓને બક અપ કરવા ભારે ઉત્‍સાહ પ્રવર્તી રહ્યો છે.

સૌરાષ્‍ટ્ર ક્રિકેટ એસોસીએશન દ્વારા ખંઢેરીના મેદાનમાં તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. વરસાદની શકયતાઓ વચ્‍ચે જો વરસાદ આવે તો આધુનિક મશીનો અને ગ્રાઉન્‍ડ સ્‍ટાફ દ્વારા પાણીના નિકાલની પૂરતી વ્‍યવસ્‍થા કરી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ સાંજે આકાશમાં વાદળો છવાતા ગ્રાઉન્‍ડ સ્‍ટાફ દ્વારા સમગ્ર મેદાનને કવર કરી દેવામાં આવ્‍યુ હતું.

ખંઢેરીનું મેદાન આધુનિક સુવિધાઓથી સજ્જ છે. મેદાનમાં ૪ વિશાળ એલઈડી સ્‍ક્રીન મૂકવામાં આવી છે. આ ઉપરાંત ડીજેની સાથોસાથ રાસ ગરબાની પણ જમાવટ જોવા મળશે.

(11:39 am IST)