Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

કાલે રાજકોટ લોકસભા બેઠક ઉપર પરેશભાઇ ધાનાણી વાજતે-ગાજતે ફોર્મ ભરશે : સ્‍વાભિમાન સભા પણ યોજાશે

કાલે બપોરે ૧રાા વાગ્‍યે ફોર્મ ભરાશે : ડમી તરીકે ડો. હેમાંગ વસાવડા-હિતેશ વોરા ફોર્મ રજૂ કરશે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શકિતસિંહજી ગોહિલ સહિતના અગ્રીમ નેતાઓ હાજર રહેશે...

રાજકોટ તા. ૧૮ :.. રાજકોટ લોકસભા બેઠક ઉપર આવતીકાલે કોંગ્રેસમાંથી અમરેલીના વતની અને ત્‍યાંના મતદાર શ્રી પરેશભાઇ ધીરજલાલ ધાનાણી વાજતે-ગાજતે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને કોંગ્રેસના ધરખમ રાષ્‍ટ્રીય નેતા શ્રી શકિતસિંહજી ગોહીલ તથા અન્‍ય અગ્રણી હરોળના નેતાઓની ઉપસ્‍થિતિમાં ફોર્મ ભરશે.

ફોર્મ ભરતા પહેલા બહુમાળી ચોક ખાતે કોંગ્રેસની વિશાળ સ્‍વાભિમાન સભા યોજાશે, અને બાદમાં ચૂંટણી પંચના નિયમો મુજબ ત્રણ ગાડીમાં આવી બપોરે ૧ર-૩૦ કાલે શ્રી પરેશ ધાનાણી ફોર્મ ભરશે.

અત્રે એ ઉમેરવુ જરૂરી કે ર૦૦ર માં શ્રી પરેશભાઇ ધાનાણી ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર પરષોતમભાઇ રૂપાલાને અમરેલીમાં વિધાનસભાની ચૂંટણીમાં હરાવી ચૂકયા છે. હવે તેઓ રાજકોટ બેઠક ઉપર લોકસભાના જંગમાં શ્રી રૂપાલા સામે મેદાનમાં આવ્‍યા છે.

બી. કોમ. ગ્રેજયુએટ શ્રી પરેશભાઇ ધાનાણીની ડમીમાં રાજકોટ કોંગ્રેસના આગેવાન ડો. હેમાંગ વસાવડા, તથા શ્રી હિતેશભાઇ વોરા ફોર્મ રજૂ કરશે, કોંગ્રેસ દ્વારા કુલ ત્રણ સેટ રજૂ થશે.

આવતીકાલના ફોર્મ ભરવાના અને યોજાનાર સભા અંગે શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી અતુલભાઇ રાજાણી, તથા પરેશભાઇના અંગત શ્રી પંકજ કાનાબાર વિગેરે દ્વારા કાર્યવાહી થઇ રહી છે.

(4:06 pm IST)