Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

રામ નવમીએ ખોડિયારનગરમાં મટન મુરઘી વેંચતા બે પકડાયા

ખોડિયારનગરના દૂકાનદાર વિમલ નેપાળી અને મહેરાજ અંસારી વિરૃધ્ધ આરએમસીના સેનેટરી ઇન્સપેકટર ફિરોઝભાઇ શેખે ફોજદારી દાખલ કરાવી

રાજકોટ તા. ૧૮: ગઇકાલે શ્રી રામ નવમી નિમીતે શહેરમાં માંસ મટનના વેચાણ પર પ્રતિબંધ ફરમાવાયો હતો અને આ અંગે મ્યુનિસિપલ કમિશનરે જાહેરનામુ પણ બહાર પાડ્યું હતું. આમ છતાં ગોંડલ રોડ એસટી વર્કશોપ પાછળના ખોડીયારનગર મેઇન રોડ પર એક દૂકાન ખુલ્લી રાખી મુરઘી મટનનું વેચાણ થઇ રહ્યું હોઇ મ્યુ. કોર્પોરેશનની ટીમ અને પોલીસે દરોડો પાડી દૂકાનમાં હાજર બે શખ્સો વિરૃધ્ધ ગુનો નોંધી ધરપકડની તજવીજ કરી હતી.

 

આ બારામાં મ્યુ. કોર્પોરેશનમાં સેનેટરી ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતાં ફિરોઝભાઇ અહેમદભાઇ શેખ (ઉ.વ.૪૮-રહે. સુભાષનગર રૈયા રોડ)ની ફરિયાદ પરથી વિમલ દિલીપસિંગ પરીયાર-નેપાળી (ઉ.વ.૨૦-રહે. આલ્ફા એક કોમ્પલેક્ષમાં ચોકીદારના રૃમમાં, આસ્થા ચોકડી) તથા મહેરાજ હસમત અંસારી (ઉ.વ.૩૨-રહે. ખોડિયારનગર) વિરૃધ્ધ માલવીયાનગર પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો છે.

ફિરોઝભાઇ શેખે જણાવ્યું હતું કે રામ નવમી નિમીતે શહેરના તમામ માસ મટન મુરગીના ધંધાર્થીઓને વેંચાણ બંધ રાખવા જાહેરનામાથી જાણ કરાઇ હોવા છતાં ખોડિયારનગર મેઇન રોડ પર આ બંને શખ્સ પોતાની દૂકાનમાં મુરગી મટન વેંચતા હોઇ માલવીયાનગર પોલીસ સ્ટેશનના હેડકોન્સ. દિનેશભાઇ બગડા, કોન્સ. મયુરદાન ગઢવી સહિતને સાથે રાખી કાર્યવાહી કરી હતી. વધુ તપાસ હેડકોન્સ. ડી. પી. બગડા કરે છે.

(3:42 pm IST)