Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

મવડીના રૂષી ચોવટીયાની ૨૦ લાખની સ્‍કોર્પિયો ભાડે લઇ ગયા બાદ કોઠારીયા અને જામનગરના શખ્‍સોએ પાછી જ ન આપી

હાર્ડવેરના કારખાનેદારે ગાડી ફઇના દિકરાને આપી હતીઃ તેનો પરિચત આકાશ ઉર્ફ અક્કી ૪૩૦૦ના ભાડેથી લઇ ગયો અને જામનગરના બીલાલશાને ભાડે આપી દીધીઃ તાલુકા પોલીસે ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૧૮: મુળ ગોડલના મોટી ખિલોરીના અને હાલ મવડી રહી હાર્ડવેરનું કામ કરતાં યુવાને ગયા મહિને લોનથી નવી સ્‍કોર્પિયો ખરીદી પોતાના ફઇના દિકરાને આપી હોઇ ફઇના દિકરાએ આ કાર રૂા. ૪૩૦૦ના ભાડાથી આપ્‍યા બાદ ભાડે લઇ જનાર કોઠારીયાના શખ્‍સે જામનગરના શખ્‍સને આ કાર આપી દેતાં અને હવે આ બંનેએ ભાડુ પણ ન આપી કાર પણ પરત ન કરતાં ઠગાઇની ફરિયાદ નોંધાવાઇ છે.

આ બનાવમાં તાલુકા પોલીસે મવડી ગામમાં રહેતાં મુળ ગોંડલના મોટી ખિલોરી ગામના રૂષી હિમતભાઇ ચોવટીયા (ઉ.વ.૨૫)ની ફરિયાદ પરથી કોઠારીયાના આકાશ ઉર્ફ અક્કી પટેલ અને જામનગરના બિલાલશા હસનશા શાહમદાર વિરૂધધ આઇપીસી ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબ વીસ લાખની સ્‍કોર્પિયો કાર રૂા. ૪૫૦૦ના ભાડેથી લઇ ગયા બાદ પરત ન આપી ઠગાઇ કર્યાનો ગુનો નોંધ્‍યો છે.

રૂષીએ જણાવ્‍યું છે કે હું મિત્રો સાથે મવડીમાં ભાડેથી રહુ છુ અને કોઠારીયા ચોકડીએ સંસ્‍કાર ઇન્‍ડસ્‍ટ્રીઝ એરીયામાં સત્‍યમ્‌ એન્‍ટરપ્રાઇઝ નામે હાર્ડવેરનો ભાગીદારીમાં ધંધો કરુ છું. મેં તા. ૨/૩/૨૪ના રોજ સ્‍કોર્પિયો કલાસીક કાગી બેંકમાંથી લોન લઇને રૂપિયા ૨૦,૦૫,૦૦૦માં ખરીદ કરી છે. જેના આરટીઓ પાસીંગ નંબર જીજે૦૩એનકે-૫૦૦૬ છે. આ ગાડી મેં ખરીદ કર્યા બાદ મારા ફઇના દિકરા કૃતિક હીરપરાને સંભાળવા આપી હતી. તે મારી આ ગાડી ભાડેથી આપવાનું કામ કરી વહીવટ સંભાળતો હતો. દોઢેક મહિના પહેલા કૃતિકે આ ગાડી તેના ઓળખીતા કોઠારીયાના આકાશ ઉર્ફ અક્કી પટેલને રૂપિયા ૪૩૦૦ના ભાડેથી દોઢસો ફુટ રીંગ રોડ પર મવડી ચોકડી પાસે ખોડિયાર હોટેલ નજીકથી ભાડેથી આપી હતી.

અક્કી ઉર્ફ આકાશે એક મહિના સુધી નિયમીત રીતે ભાડુ આપ્‍યું હતું. એ રકમ કૃતિક મને આપી દેતો હતો. મારે હવે બીજી જગ્‍યાએ ભાડેથી આ ગાડી આપવી હોઇ ફઇના દિકરા કૃતિકને અક્કી પટેલ પાસેથી ગાડી પરત મંગાવી લેવાનું કહેતાં કૃતિકે ગાડી માંગતા આકાશ ઉર્ફ અક્કીએ પોતે આ ગાડી જામનગરના બિલાલશા શાહમદારને આપી છે, તે પાછી આપશે ત્‍યારે પોતે પરત કરશે તેમ કહ્યું હતું.

પરંતુ વારંવાર ફોન કરવા છતાં આકાશ અને બિલાલશા ગાડી પરત આપતા ન હોઇ અને ભાડુ પણ આપતા ન હોઇ વિશ્વાસઘાત છેતરપીડી કર્યાનું જણાવતાં તાલુકા પોલીસને જાણ કરી હતી. તેમ વધુમાં રૂષી ચોવટીયાએ જણાવતાં પીઆઇ ડી. એમ. હરીપરાની રાહબરીમાં પીએસઆઇ એ. કે. સાંગાણીએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

(11:46 am IST)