Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

પંચમદાના ગીતો સાંભળવાથી સંતોષ મળે છે : અજયભાઇ શેઠ

પંચમદાએ ૮ વર્ષમાં ૧૦૦ ફિલ્‍મો જેટલું કામ કરેલુ : ૫૨૦ જેટલા ગીતો બનાવ્‍યા છતાં એમના પોતાના સ્‍ટાન્‍ડર્ડ કરતા આ ૫૦ ટકા ઓછું કામ હતું : આર.ડી. બર્મન આર્થિક રીતે દુઃખી નહોતા : ૧૯૮૫માં તેમને પહેલો હાર્ટએટેક આવેલો : જયારે ૧૯૮૯માં લંડન જઈ ૨૨૦૦૦ પાઉન્‍ડ ખર્ચી ડો. મુકેશ હરિયાવાલા પાસે બાયપાસ સર્જરી કરાવી હતી : ૧૯૮૪-૮૫ માં તેમની કુલ ૩૫ ફિલ્‍મો આવી જેમાં તેનું સંગીત હતું : બર્મનદાના નસીબે ફકત ૫ ફિલ્‍મો થોડી ઘણી સફળ થઈ બાકીની ૩૦ ફિલ્‍મ નિષ્‍ફળ ગઈ : પંચમદા પોતે માઉથ ઓર્ગન વગાડતા અને તેમને એકમાત્ર લક્ષ્મીકાંત પ્‍યારેલાલના સંગીતમાં માઉથ ઓર્ગન વગાડેલું છે : પંચમદામાં રેકોર્ડિંગ ક્‍વોલીટી પ્રત્‍યેની સભાનતા હતી : તેઓ દરેક વાજીંત્રોનો વધુમાં વધુ ઉપયોગ કરતા: નાસીર હુસૈન, શક્‍તિ શામંત, દેવ આનંદ વગેરે બીજા મ્‍યુઝિક ડિરેક્‍ટરો તરફ વળી જતા પંચમદાને તેનો રંજ હતો : તેઓ બી કે સી ગ્રેડની હિન્‍દી ફિલ્‍મોમાં કામ કરવા લાગ્‍યા હતા

અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે આર.ડી.બર્મનના ચાહક અજયભાઇ શેઠ તસવીરમાં નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

૨૭ જૂન ૧૯૩૯ માં જન્‍મેલા ભારતીય ફિલ્‍મ ઉદ્યોગનાં સૌથી વધુ પ્રભાવશાળી સંગીત દિગ્‍દર્શક અને પંચમદા ના હૂલામણાં નામે જાણીતાં થયેલા સચિન દેવ બર્મનના એક માત્ર પુત્ર આર.ડી. બર્મન વિશે મોટા ભાગે લોકો જાણે છે. આર.ડી. બર્મનના પ્રથમ પત્‍નિ રીટા પટેલ હતા જેને તેઓ દાર્જિલિંગમાં મળ્‍યા હતા. રીટા, તેમની ચાહક હતી અને બન્ને જણાં એ ૧૯૬૬માં લગ્ન કર્યા અને ૧૯૭૧ માં છૂટા-છેડા લીધાં. આર.ડી. બર્મને ૧૯૮૦માં આશા ભોંસલે સાથે લગ્ન કર્યા. બંને જણાંએ સાથે મળીને અનેક લોકપ્રિય ગીતો રેકોર્ડ કર્યા અને અનેક જીવંત કાર્યક્રમો આપ્‍યા. તેમ છતાં તેમની જિંદગીના અંતિમ ભાગમાં તેઓ સાથે રહ્યા નહી. સાત સ્‍વર જેને ગળથુથીમાં મળ્‍યા હતા એવા મહાન સંગીતકાર આર. ડી. બર્મન વિશે લખવું એટલે સૂરજને દીવો દેખાડવા જેવું છે. પરંતુ આ દુનિયામાં કેટલાય પંચમદાના ચાહકો અને ભાવકો એવા છે જેણે રાહુલદેવ બર્મન ને પોતાના હૃદયમાં સમાવ્‍યા છે. આવાજ ધુરંધર અને સંગીતના ધરોહર એવા આર.ડી.બર્મનના ચાહક, ભાવક અને તેને હ્રદયમાં વસાવનાર મૂળ સૌરાષ્ટ્રના પણ વર્ષોથી મુંબઇ સ્‍થાઇ થયેલા અજયભાઇ શેઠ ફરી એકવાર અકિલા ના આંગણે મહેમાન બન્‍યા હતા. ભૂતકાળમાં તેઓએ આર.ડી.બર્મન વિશે અગણીત વાતો કહી હતી જે અકિલાના ૧૭.૦૨.૨૦૨૨ ના અંકમાં શબ્‍દસહ પ્રસિધ્‍ધ થઇ હતી. આ વખતે પણ અજયભાઇ શેઠે રાહુલદેવ બર્મન વિશેના અનેક પ્રસંગો કહ્યા હતા.

 લોકોનું એવું માનવું છે કે છેલ્લા દિવસોમાં આર.ડી. બર્મન આર્થિક રીતે દુઃખી હતા. જયારે અજયભાઈનું કહેવું છે કે, તે તદ્દન પાયા વિહોણી વાત છે. તેઓ ભગવાનદાદા, ભારતભૂષણ કે મીના કુમારીની જેમ આર્થિક સંકટમાં ફસાયા ન હતા. તેઓને કોઈ જ તકલીફ ન હતી. ૧૯૮૫ માં તેમને પહેલો હાર્ટ એટેક આવેલો. જયારે ૧૯૮૯ માં લંડન જઈ બાયપાસ સર્જરી કરાવી હતી. એ વખતે તેમણે લંડનમાં છ મહિના માટે એક એપાર્ટમેન્‍ટ ભાડે લીધો હતો અને ત્‍યાં રહી એ જમાનામાં ૨૨૦૦૦ પાઉન્‍ડ ખર્ચી ડો. મુકેશ હરિયાવાલા પાસે બાયપાસ સર્જરી કરાવી હતી. એટલું જ નહીં પંચમદાએ જયારે વિદાય લીધી ત્‍યારે તેમની પાસે તેના સેક્રેટરી, ડ્રાઇવર અને ત્રણ સ્‍ટાફ મેમ્‍બર જ હાજર હતા. તેઓ પૈસે ટકે એટલા બધા સુખી હતા કે અંગત લોકોના કહેવા પ્રમાણે છેલ્લે તેઓ ૯૦ લાખના બજેટમાં બંગલો પણ શોધતા હતા.

કામકાજની દ્રષ્ટિએ વાત કરીએ તો અજયભાઈ કહે છે, ૧૯૮૪-૮૫ માં તેમની કુલ ૩૫ ફિલ્‍મો આવી જેમાં તેનું સંગીત હતું. બર્મનદાના નસીબે ફકત ૫ ફિલ્‍મો થોડી ઘણી સફળ થઈ બાકીની ૩૦ ફિલ્‍મ નિષ્‍ફળ ગઈ. એ જમાના પ્રમાણે જે ઠીક ઠાક સંગીત હતું તે લોકોના કાન સુધી ન પહોંચ્‍યું પરિણામે પંચમદાની કેરિયરનો ગ્રાફ નીચે આવ્‍યો. તેઓ એક વર્ષમાં ૧૭ ફિલ્‍મો કરતા. એટલે ૧૫૦ થી વધુ ગીતો અને બેકગ્રાઉન્‍ડ મ્‍યુઝિક આપતા. પરિણામે ૧૯૮૬ માં તેમણે સાત જ ફિલ્‍મો કરી. તેમ છતાં જીવનના છેલ્લા આઠ વર્ષોમાં તેમણે ૫૦ હિન્‍દી ફિલ્‍મોમાં, ૨૫ બંગાળી ફિલ્‍મોમાં, ૮ તમિલ તેલુગુ, મરાઠી અને ઓરિયા જેવી રિજનલ ફિલ્‍મોમાં તેમજ ૮ જેટલા હિન્‍દી બંગાળી પૂજા આલ્‍બમો આપ્‍યા. દિલ પડોશી હે' આલ્‍બમમાં તેમના ૧૬ ગીતો હતા. જેના ગીતો ફિલ્‍મોમાં આવ્‍યા નથી. આર. ડી. ના ચાહકો એ આ આલ્‍બમ ખાસ સાંભળવું જોઈએ જેમાં તેમણે તેમનું શ્રેષ્ઠ કામ આપેલું છે. પંચમદાએ ૮ વર્ષમાં ૧૦૦ ફિલ્‍મો જેટલું કામ કરેલું. ૫૨૦ જેટલા ગીતો બનાવ્‍યા છતાં એમના પોતાના સ્‍ટાન્‍ડર્ડ કરતાં આ ૫૦ ટકા ઓછુ કામ હતું.

સમય જતા પબ્‍લિકનો ટેસ્‍ટ બદલાયો હતો. નાસીર હુસૈન, શક્‍તિ શામંત, દેવ આનંદ બીજા મ્‍યુઝિક ડિરેક્‍ટરો તરફ વળી જતા પંચમદાને તેનો રંજ હતો. રમેશ શીપ્‍પીએ પણ સાગર પછી આર.ડી બર્મન ને છોડી દીધા હતા. બપ્‍પી લહેરી, અનુંમલિક, નદીમ શ્રવણ વગેરેના સંગીતથી લોકોના ટેસ્‍ટનો દોર બદલાયો હતો. દરમિયાન રાહુલદેવ બર્મન બી કે સી ગ્રેડની હિન્‍દી ફિલ્‍મોમાં કામ કરવા લાગ્‍યા હતા. ઋષિ કપૂરે કહેલું છે કે, પંચમદા કહેતા મુજે પૈસો કી કમી નહીં, અચ્‍છા કામ ચાહિયે. તેમણે રોજ રોજ આંખો તલે, એસા જમાના હોતા.. ગીતો ત્‍યારે આપેલા છતાં એ જમાનામાં ફિલ્‍મ નિષ્‍ફળ જાય ત્‍યારે ગીતો સાંભળવાનો સોર્સ તો રેડિયો જ હતા. ફિલ્‍મો ન ચાલે તો રેડિયો પર ગીતો બહુ ચાલતા નહીં. આર.ડી કામનું સ્‍ટાન્‍ડર્ડ નીચુ ગયું નહોતું.

રાહુલદેવ બર્મન અને કલ્‍યાણજી આણંદજીના મુંબઇના તારદેવમાં આવેલ બોમ્‍બે સ્‍ટુડિયો પસંદગીના સ્‍ટુડિયો હતા. જયારે સંગીતકાર કોઈ જગ્‍યાએ કામ કરે ત્‍યારે તેનો રેકોર્ડિંગ આર્ટિસ્‍ટ ફિક્‍સ હોય છે. રેકોર્ડિંગના જે સાધનો હોય તે પણ ફિક્‍સ હોય છે. આ સાધનો સાથે તેઓ ટેવાયેલા હોય અને તેમાંથી પોતાની પસંદગીનું કઈ રીતે લાવી શકાય તે બખૂબી તેઓ જાણતા. બધા જ ગીતો બોમ્‍બે સ્‍ટુડિયોમાં રેકોર્ડ થયા છે એવું નથી મહેબુબ સ્‍ટુડીયો પણ તેમનો પસંદગીનો હતો અને ત્‍યાં પણ ઘણા ગીતો રેકોર્ડ થયા છે. લક્ષ્મીકાંત પ્‍યારેલાલ ની પસંદગીનો સ્‍ટુડિયો મહેબૂબ અને ફેમસ સ્‍ટુડિયો હતા. જયારે શોલે ના ગીતો રાજકમલ સ્‍ટુડિયોમાં રેકોર્ડ થયા છે. એ સમયે રાજકમલ સ્‍ટુડિયોમાં સ્‍ટીરીયો રેકોર્ડિંગની સુવિધા હતી.

ઉલ્લેખનીય છે કે ચાર્લી ચેપ્‍લિનની લાઈમ લાઈટ' કરીને એક ફિલ્‍મ આવેલી. તેઓ એક સારા એક્‍ટર ડિરેક્‍ટરની સાથે એક સારા સંગીતકાર પણ હતા. આ ફિલ્‍મની થીમ પરથી પ્રેરણા લઈ આર.ડી.બર્મને તેમના જીવનનું પહેલું રેકોર્ડિંગ ફક્‍ત ૧૯ વર્ષની ઉંમરે ગુરુદત્તની ૧૯૫૮ માં આવેલી રાજ ફિલ્‍મમાં આપ્‍યું. ફિલ્‍મ પ્‍યાસામાં આરડી બર્મનનું આસિસ્‍ટન્‍ટ તરીકેનું કામ જોઈ ગુરુદત્ત ખૂબ જ પ્રભાવિત થયા અને તેમને સ્‍વતંત્ર ફિલ્‍મ સંગીતકાર તરીકે આપી. જેમાં હેમંતકુમાર અને ગીતા દત્ત ના વોઇસમાં ડ્‍યુએટ ગીત તુમ મેરી જિંદગીમે કુછ ઇસ તરહ સે આઈ' રેકોર્ડ કર્યું. આ ફિલ્‍મના ડિરેક્‍ટર નિરંજન હતા. આગળ જતાં આ વુમન ઈન વાઈટ પરથી પ્રેરણા લઈ રાજખોસલાએ વો કોન થી' ફિલ્‍મ બનાવી ફિલ્‍મ ફલોપ ગઈ. આર. ડી. બર્મન સચિનદેવ બર્મનના આસિસ્‍ટન્‍ટ તરીકે કામ કરતા જ હતા. આર. ડી. બર્મને જે બે ગીતો બનાવેલા તે મહેમુદે છોટે નવાબ ફિલ્‍મમાં લેવા જણાવ્‍યું પરંતુ ગુરુદત્તે ના પાડી. એ બેમાંથી એક ધૂન પરથી આર.ડી બર્મને છોટે નવાબ નું રાગ ગીત બનાવ્‍યું ઘર આજા ગીર આઈ'. હજુ એક ધુન બાકી હતી. જેને ૧૦ વર્ષ વીતી ગયા. ૧૯૭૭ માં આવેલી મુક્‍તિ ફિલ્‍મમાં યે ચીજ બુરી હે મગર' ગીતમાં અંતે તે ધૂન વાપરી અને એમ કહી શકાય કે પંચમદાએ બનાવેલ એ બીજી ધૂનને મુક્‍તિ મળી.

 ભુત બંગલા ફિલ્‍મમાં આર.ડી બર્મને એક નાનો રોલ એટલે કે કેમિયો પણ કર્યો હતો. મહેમુદે આર. ડી. બર્મનને સ્‍ક્રીન ટેસ્‍ટ આપવા જણાવ્‍યું અને આર. ડી. બર્મને ભૂત બંગલા ફિલ્‍મમાં એક નાનો રોલ કર્યો હતો.

પંચમદા પોતે માઉથ ઓર્ગન વગાડતા અને તેમને એકમાત્ર લક્ષ્મીકાંત પ્‍યારેલાલના સંગીતમાં માઉથ ઓર્ગન વગાડેલું છે. અજયભાઈ શેઠે જણાવ્‍યું કે, લક્ષ્મીકાંત પ્‍યારેલાલ એસ.ડી બર્મનના સંગીત સાંજીદાઓ તરીકે કામ કરતા. હૈ અપના દિલ તો આવારાઙ્ઘ આ ગીતમાં પંચમદાએ માઉથ ઓર્ગન વગાડ્‍યું છે તો લક્ષ્મીકાંતજીએ મેન્‍ડોલીન વગાડેલું છે. ઉલ્લાસ બાપટે તેના ઇન્‍ટરવ્‍યૂના જણાવ્‍યું છે કે, આર. ડી. બર્મન માં ઇક્‍વાલિટી કોમ્‍પ્‍લેક્‍સ હતો તેના માટે બધા માણસો સરખા હતા. એટલે તેઓ મહાન સંગીતકાર એસ.ડી બર્મનના દીકરા છે તેવું જરા પણ મનમાં હતું નહીં. જયારે લક્ષ્મીકાંત પ્‍યારેલાલને દોસ્‍તી ફિલ્‍મ મળી એ વખતે આ ફિલ્‍મ માટે રફી સાહેબ લાઈવ રેકોર્ડિંગ કરતા હતા ત્‍યારે એસ.ડી બર્મનના રેકોર્ડિંગમાંથી વચ્‍ચેથી આવી અને આર.ડી બર્મને લક્ષ્મીકાંત પ્‍યારેલાલ ની દોસ્‍તી ફિલ્‍મ માટે માઉથ ઓર્ગન વગાડી ગીતનું રેકોર્ડિંગ પૂરું કરાવ્‍યું હતું. આર.ડી બર્મને બેકગ્રાઉન્‍ડ મ્‍યુઝીક માં માઉથ ઓર્ગન વગાડવાની પણ ઓફર કરી પરંતુ મિત્રતાનો વધુ લાભ ન લેતા લક્ષ્મીકાંત પ્‍યારેલાલે બેકગ્રાઉન્‍ડ માં મિલન ગુપ્તા નામના બંગાળી કલાકાર પાસે માઉથ ઓર્ગન વગડાવ્‍યું હતું.

રાહુલદેવ બર્મન પર પશ્ચિમી સંગીતનો પ્રભાવ હતો. અજયભાઈનું કહેવું છે કે, પશ્ચિમી સંગીતકાર કેર્સી લોર્ડ પારસી હતા. તેમના પિતા કાવર્સ લોર્ડ હિન્‍દી ફિલ્‍મ મ્‍યુઝિક માં પરકશન્‍સ (સાઈડ મ્‍યુઝિક ના વાજિંત્રો) લાવનાર વ્‍યક્‍તિ હતા. મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે' ગીતમાં જે ઘુંઘરૂ નો અવાજ છે તે કાવર્સ લોર્ડ દ્વારા વગાડાયા હતા. પંચમદા લંડન થી મુંબઈ આવ્‍યા ત્‍યારે કેર્સી લોર્ડ્‍સ ની રેકોર્ડ સાંભળતા.

બીજા સંગીતકરોમાં એવું શું ન હતું જે આર. ડી. માં હતું? રાહુલદેવ બર્મનના ખરા ચાહક અને ભાવક અજયભાઈ શેઠે જણાવ્‍યું કે, પંચમદામાં રેકોર્ડિંગ ક્‍વોલીટી પ્રત્‍યેની સભાનતા હતી. તેઓ દરેક વાજીંત્રોનો વધુમાં વધુ ઉપયોગ કરતા. તેમનું ૬૦ વર્ષ પહેલાંનું ગીત આજે સાંભળો તો તમને દરેક ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ અલગ સંભળાશે. તેઓ બેઇઝ ગિટારનો પણ શ્રેષ્ઠ ઉપયોગ કરી જાણતા. રાહુલ દેવ બર્મને બીજા સંગીતકારોની તુલનામાં ફોક, નોર્મલ, બંગાળી, મુજરાઓ, કેબ્રે, રોમેન્‍ટિક, કવાલી, ગઝલ વગેરે અનેક ગીતો સાથે સંગીતમાં વિવિધતા આપી છે. તેઓ સિચ્‍યુએશન પ્રમાણે ગીત બનાવી આપતા તે તેમની ખાસિયત હતી. પંચમદાના એવા ઘણા ગીતો છે જેમાં મુખડા કરતા એવું લાગે કે અંતરો વધુ સારો છે. તેઓ ટેન્‍ડમ સોંગમાં પણ ખાસ પરિસ્‍થિતિ પ્રમાણે કાળજી લેતા.

આર.ડી બર્મનને તેમના જીવનકાળ દરમિયાન બે જ ફિલ્‍મફેર એવોર્ડ મળ્‍યા છે એક સનમ તેરી કસમ ફિલ્‍મ માટે અને બીજી ફિલ્‍મ હતી માસુમ. આર.ડી બર્મનના સંગીતથી લતાજીને બીતી ના બીતાઇ રૈના' એ ગીત માટે જયારે રફી સાહેબને ક્‍યા હુઆ તેરા વાદા' ગીત માટે નેશનલ એવોર્ડ મળી ચૂક્‍યા છે જેમાં સંગીત પંચમદાનું હતું. જયારે ગુલઝાર અને આશા ભોંસલેને મેરા કુછ સામાન માટે પણ એવોર્ડ મળ્‍યા છે. આરતી મુખરજી અને પરવીન સુલતાના ને પણ રાહુલદેવ બર્મનના સંગીતમાં ગાયેલા ગીત માટે એવોર્ડ મળ્‍યા છે.

અનિરુદ્ધ ભટ્ટાચાર્ય અને બાલાજી વિઠ્ઠલ નામના વ્‍યક્‍તિએ રાહુલદેવ બર્મન એટલે કે આર. ડી. બર્મન પર એક પુસ્‍તક લખ્‍યું છે જેનું નામ છે આર.ડી બર્મન ધ મેન ધ મ્‍યુઝિક.' બાર વર્ષ પહેલાં લખાયેલ આ પુસ્‍તકને નેશનલ એવોર્ડ પણ મળ્‍યો છે. જયારે બ્રહ્માનંદ સીંહ નામના વ્‍યક્‍તિએ આર.ડી બર્મન ઉપર પંચમ અનમિક્‍સડ' નામની ડોક્‍યુમેન્‍ટરી બનાવેલી છે જેને પણ નેશનલ એવોર્ડ મળ્‍યો છે. અજયભાઇ કહે છે, પંચમદાના ગીતો સાંભળવાથી સંતોષ મળે છે તે નક્કી.

કિશોરકુમારને સફળ પ્‍લેબેક સિંગર બનાવનાર રાહુલદેવ બર્મન હતા

૧૯૪૭ માં કિશોરકુમાર મુંબઈ આવ્‍યા. પોતે એસ.ડી બર્મન અને સાયગલના ગીતોથી પ્રભાવિત હતા. એમની ઈચ્‍છા ગાયક બનવાની હતી. મોટાભાઈ અશોકકુમાર જે હિન્‍દી ફિલ્‍મોના સ્‍ટાર અને બોમ્‍બે ટોકીઝમાં પાર્ટનર હતા તેમને કિશોર કુમારે એસ.ડી બર્મન ને મળવાની વાત કરી. એસ.ડી બર્મને તેમને સાંભળ્‍યા અને કોરસ ગીતમાં ગાવાની તક પણ આપી. એ પછી ખેમચંદ પ્રકાશે કિશોર કુમારના અવાજમાં દેવાનંદ પર ફિલ્‍મ જીદ્દીમાં ગવડાવ્‍યું મરને કી દુઆએ ક્‍યુ માંગુ જીને કી તમન્ના ક્‍યુ કરે..' એસ.ડી કિશોર કુમારને ગાયક બનાવવા પ્રયત્‍ન કરી રહ્યા હતા. દેવાનંદ કરતાં કિશોરકુમાર નો પહેલો અવાજ રાજ કપૂર માટે વપરાયો છે. એ પછી બહાર ફિલ્‍મમાં હીરો કરણ દિવાન પર ફિલ્‍માવેલ ઙ્કસૈયા દિલમે આના રેઙ્ઘ ગીત કિશોર કુમારે ગાયું. એ જ રીતે પ્રેમનાથ માટે પણ કિશોરદાએ પોતાનો કંઠ આપ્‍યો. એ જમાનાના વિલન જીવનને પણ એસ.ડી બર્મનના સંગીતમાં કિશોર કુમારે અવાજ આપ્‍યો. જયારે બીજા કોઈ સંગીતકારો કિશોરકુમારને ગાયક તરીકે લેવા તૈયાર ન હતા. કિશોરકુમાર પોતે સ્‍ક્રીન પર હોય તો જ તેના ગીતો લેતા બાકી નહીં. ત્‍યારે એસ.ડી બર્મને તેમને આગળ વધાર્યા. એ પછી આર.ડી બર્મને ૧૯૬૫ માં મહેમુદ માટે ભૂત બંગલા ફિલ્‍મ માટે જાગો સોને વાલો' ગીત કિશોરકુમાર પાસે ગવડાવ્‍યું. તીન દેવિયાં ફિલ્‍મ માટે પણ કિશોર પાસે ગીતો ગવડાવ્‍યા. ગાઈડ ફિલ્‍મમાં ગવરાવ્‍યું. બંદગી ફિલ્‍મમાં પણ ગવડાવ્‍યું પણ ફિલ્‍મ ડીલે થતાં ૧૯૭૪ માં ફિલ્‍મ ફીર કબ મિલોગીમાં કિશોર કુમારે ગીત ગયા. ૧૯૬૮માં સંજય ખાન અભિનીત અભિલાષા ફિલ્‍મમાં પ્‍યાર હુઆ હે મુજસે મુજકો ચેન નહીં આતા' કિશોર કુમારે ગાયુ. જયારે પડોશન ફિલ્‍મમાં પણ સુનીલ દત્ત માટે કિશોરકુમાર અવાજ આપ્‍યો. એટલે જે કામ બાપ ન કરી શક્‍યા એ દીકરાએ કરી બતાવ્‍યું. એટલે કે કિશોરકુમારને સફળ પ્‍લેબેક સિંગર બનાવવાનું બીડું એસ.ડી બર્મને ઝડપ્‍યું હતું પણ કામ કરી બતાવ્‍યું આર.ડી બર્મને. કિશોરકુમાર આર.ડી બર્મન થી ૧૦ વર્ષ મોટા પણ કિશોરદા તેમને ગુરુ કહેતા. કિશોર કુમારના શ્રેષ્ઠ ૫૦ ટકા ગીતો પંચમદાના બનાવેલા હતા. કિશોર નો પોતાનો એક અલગ જ અવાજ આર.ડી.એ ફિલ્‍મો માટે ઉપયોગમાં લીધો તેમ ચોક્કસ કહી શકાય.

 ઉલ્લેખનીય છે કે કિશોરકુમારના પુત્ર અમિત કુમારે દુર કા રાહી ફિલ્‍મ માં મેં પંછી એક મતવાલા' પિતા સાથે રહીને ગાયું. જયારે ૧૯૭૬ માં બાલિકા વધુ નામની ફિલ્‍મમાં બડે અચ્‍છે લગતે હૈ' ગીત અમિત કુમારે ગાયું. કહી શકાય કે પિતા કિશોરકુમાર સહિત દીકરા અમિતકુમાર ને ગાયક તરીકેની ઓળખ પણ આર.ડી બર્મને જ અપાવી. અમિત કુમારને તેમનો પહેલો ફિલ્‍મ ફેર એવોર્ડ યાદ આ રહી હૈ ફિલ્‍મ લવ સ્‍ટોરી ના ગીત માટે મળ્‍યો હતો જેમાં સંગીત પંચમદાનું જ હતું.

અને પંચમદાએ પોતાનો ફલેટ એ વ્‍યક્‍તિને જ વેચ્‍યો...!

અજયભાઈ શેઠ એક કિસ્‍સો યાદ કરતા જણાવે છે કે, વર્ષ ૨૦૦૦ ની સાલમાં હું મુંબઈના ભાઈદાસ હોલમાં એક કાર્યક્રમ જોવા ગયો હતો. ત્‍યારે એક પંચમદાનું ગીત આવ્‍યું ત્‍યારે મેં કહ્યું અરે આ તો પંચમદાનું ગીત છે. મારી બાજુમાં એક વ્‍યક્‍તિ બેઠા હતા તેમણે કહ્યું પંચમદા તો મારા પડોશી છે. મેં કહ્યું તમે પંચમદા જયાં રહે છે તે મેરીલેન્‍ડ્‍સ એપાર્ટમેન્‍ટમાં રહો છો? તેમણે કહ્યું ના હું ઓડીના એપાર્ટમેન્‍ટમાં રહું છું. મેરીલેન્‍ડસ પહેલા પંચમદા ઓડીના એપાર્ટમેન્‍ટમાં રહેતા. તેમનો ફલેટ મેં જ ખરીદ્યો છે. તે વ્‍યક્‍તિનું નામ મને યાદ નથી પણ એણે કહ્યું જયારે પંચમદા અહીં રહેવા આવ્‍યા તેના કેટલાક મહિનાઓ પછી મને ખબર પડી કે તેઓ તેમનો ફલેટ વેચવા માંગે છે. હું તેમને મળ્‍યો અને કેટલામાં વેચવો છે? તેમ પૂછ્‍યું. વાતચીત પછી તે વ્‍યક્‍તિએ કહ્યું હું મારું બજેટ જોઈ લઉં છું અને જો અનુકૂળ પડશે તો હું આવીશ. પણ ફાઇનાન્‍સીયલી તેના માટે પોસિબલ ન હતું. એટલે તેઓ ફરી તેમને મળવા ન ગયા. એ વાતને ચાર પાંચ વર્ષ જેટલો સમય વીતી ગયો. અચાનક એક વખત પંચમદાએ તેમને બોલાવ્‍યા અને કહ્યું કે તમને મારા ફલેટમાં રસ હતો તો શું હવે ખરીદવા ઈચ્‍છો છો? એ વ્‍યક્‍તિએ કહ્યું કે રસ તો છે પણ એ વખતે મારી પાસે એટલું બજેટ ન હતું.

 પંચમદાએ કહ્યું હું ફરી વિચારું છું કે ફલેટ વેચી નાખું તમારે જોઈએ છે? મુંબઈની પ્રોપર્ટીના તો ભાવ કુદકે ને ભૂસકે વધે એટલે તે વ્‍યક્‍તિએ પંચમદાને પૂછ્‍યું કે શું કિંમત? પંચમદાએ કહ્યું કે, ‘ઉસ વખ્‍ત કિતના બોલા થા ઉતના દે દેના.' એ વ્‍યક્‍તિએ કહ્યું કે તમે શ્‍યોર છો? પંચમદાએ કહ્યું કે તમારે જગ્‍યાની જરૂર છે એટલે તમારો પરિવાર એ મારો પરિવાર. એ વ્‍યક્‍તિ એ પંચમદાનો ફલેટ ખરીદ્યો. આખા ફલેટમાં રીનોવેશન કર્યું. પણ તેઓ જાણતા હતા આ પંચમદાનો જે સીટિંગ એરિયા છે જયાં બેસી તેઓ સંગીતની ધૂન બનાવતા. એ સીટીંગ એરિયાને તેમણે આજે પણ ડિસ્‍ટર્બ નથી કર્યો. તે વ્‍યક્‍તિએ તેના પરિવારને કહ્યું આપણે આખા ઘરનો ઉપયોગ કરીશું પણ આ સીટિંગ એરિયા નો ઉપયોગ નહીં કરીએ. અહીં પંચમદા ગાદલા પર બેસી અને સંગીતની તરજ બનાવતા. આજે પણ એ જ પરિસ્‍થિતિમાં તેમણે તે જગ્‍યા રાખી છે અને પંચમદાને શ્રદ્ધાંજલિ આપી છે.

રસોઇ બનાવવાના

શોખીન હતા પંચમદા

કહેવાય છે કે કલાકાર જીવ ખાવા-પીવાના ખૂબ શોખીન હોય છે. આર. ડી. બર્મન પણ રસોઈ બનાવવાના ખૂબ શોખીન હતા. સલીલ ચૌધરી, મદનમોહન અને આર.ડી. બર્મનને રસોઈ બનાવવાની સાથે લોકોને જમાડવાનો પણ જબરો શોખ હતો. કવિતા કૃષ્‍ણમૂર્તિ એ કહેલું કે, તેઓ જયારે બેંકોક ઉપર ટુરમાં ગયા હતા ત્‍યારે એક સૂપ ની રેસિપી શેફ ને પૂછવા કવિતા કૃષ્‍ણમૂર્તિ ને આર.ડી બર્મને કહ્યું. કવિતા કૃષ્‍ણમૂર્તિ એ રેસીપી જાણી આર.ડી બર્મન ને જણાવી. પંચમદાએ મુંબઈ આવી એ સુપમાં ફેરફાર સાથે પોતાની રીતે બનાવ્‍યો અને કવિતા કૃષ્‍ણમૂર્તિ ને કહ્યું પેલો સૂપ મેં બનાવ્‍યો હતો જો તે ચાખ્‍યો હોત તો બેંગકોક કરતા વધુ સારો બન્‍યો હતો તેમ ચોક્કસ કહેત.! આશા ભોંસલએ પણ તેમના એક ઇન્‍ટરવ્‍યુમાં કહ્યું છે કે, ગુલશન બાવરા, રણધીર કપૂર, રમેશ બહલ વગેરે જયારે પંચમદાના ઘરે હોય ત્‍યારે આશાજી પોતે રસોઈ બનાવતા અને આ બધાને જમાડતા અને પછી પોતે જમતા. ઉલ્લેખનીય છે કે આર. ડી. તેમના ઘરે મરચાની ખેતી પણ કરતા.

 

(11:41 am IST)