Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

ગુજરાતીઓ જ ગુજરાતી ફિલ્મ જોવા નથી જતાં એ દુઃખદઃ નિર્માતા કપિલ નથવાણી, અભિનેત્રી ગ્રીવાનો એક જ સુર

૨૬મીએ આવી રહી છે સંપુર્ણ પારિવારિક ગુજરાતી ફિલ્મ-જસ્ટીસઃ રાજકોટના વંદનાબેન સરવૈયા અને ચેતન દૈયાની ખાસ ભુમિકા : આપણી સંસ્કૃતિનો વારસો જાળવી રાખવા ગુજરાતી ફિલ્મોને મહત્વ આપવું ખાસ જરૂરીઃ અભિનેતા ગોકુલ બારૈયા : ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ગુજરાતીઓ જ ટોચ પર લાવી શકેઃ યામિની જોષી

માહિતી આપી રહેલા ફિલ્મના કલાકારો તથા નિર્માતા-નિર્દેશક કપિલ ઠક્કર અને પોસ્ટરનું અનાવરણ કરતાં સદ્દભાવના વૃધ્ધાશ્રમના વડિલો જોઇ શકાય છે

રાજકોટ તા. ૧૮: 'બીજી ભાષાની જેમ જ ગુજરાતી ફિલ્મોમાં પણ એ બધુ હોય છે જે હિન્દી અને સાઉથની ફિલ્મોમાં હોય છે, પરંતુ આપણા ગુજરાતી લોકો જ ગુજરાતી ફિલ્મો જોવા જતાં નથી, આપણી સંસ્કૃતિનો વારસો જાળવી રાખવા ગુજરાતી ફિલ્મોને પણ લોકોએ મહત્વ આપવું જોઇએ, સિનેમા ઘર સુધી જોવા જવું જોઇએ...સાઉથના લોકો જેમ પોતાની ભાષાની ફિલ્મો ભરપુર નિહાળે છે એમ ગુજરાતીઓએ પણ પોતાની માતૃભાષાની ફિલ્મોને નિહાળવા જવું જોઇએ, નથી જતાં એ દુઃખદ છે'...આ વાતો ગુજરાતી ફિલ્મ 'જસ્ટિસ'ના નિર્માતા-નિર્દેશક કપિલ ઠક્કર તથા અભિનેત્રી ગ્રીવા કંસારા અને અભિનેતા ગોકુલ બારૈયાએ જણાવી હતી.  ગુજરાતી ફિલ્મ 'જસ્ટીસ' ૨૬ ફેબ્રુઆરીએ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં ન્યાય માટે લડતી દિકરીની કહાની છે. સ્ત્રી સશકિતકરણ, મહત્મા ગાંધીના નારી અંગેના આદર્શો અને મોડર્ન યુવતિના સ્વતંત્ર વિચારો તથા આદર્શ ન્યાય વ્યવસ્થાને ફિલ્મમાં વણી લેવાયા છે.  

ફિલ્મનું શૂટીંગ અમદાવાદ, આણંદ, નડીયાદમાં થયેલું છે. જસ્ટિસ ફિલ્મ વિશે માહિતી આપવા યોજાયેલી પત્રકાર પરિષદમાં નિર્માતા-નિર્દેશક કપિલ નથવાણી, અભિનેત્રી ગ્રીવા કંસારા અને અભિનેતા ગોકુલ બારૈયાએ સવાલોના જવાબોમાં જણાવ્યું હતું કે હવે ગુજરાતી ફિલ્મો પણ સારી, ખુબ સારી બની રહી છે. બીજી ભાષાની ફિલ્મોની જેમ જ ગુજરાતી ફિલ્મ બનાવવામાં પણ ભરપુર ખર્ચા થાય છે, કહાની, લોકેશન્સ, પોસ્ટ પ્રોડકશન આ બધુ પણ જબરદસ્ત હોય છે. આમ છતાં ગુજરાતી ફિલ્મો ચાલતી નથી તેનું એક કારણ આપણે ગુજરાતી પોતે જ છીએ. કારણ કે ગુજરાતીઓ પોતે જો માતૃભાષાની ફિલ્મો જોવા ન જાય તો એ કઇ રીતે ચાલે? ગુજરાતીનો જ ગુજરાતી ફિલ્મ ન જુએ દુઃખદ પણ છે. કારણ કે ખુબ મહેનત કરી, ખુબ ખર્ચ કરીને ઉત્તમ કક્ષાની ફિલ્મ આપવાનો જે પ્રયાસ હોય છે એ ગુજરાતી પ્રેક્ષકોના ગુજરાતી ફિલ્મ પ્રત્યેના અણગમાને કારણે નબળો  પડી જાય છે.   ગુજરાતી સંસ્કૃતિનો વારસો જાળવી રાખવા માટે પણ ગુજરાતી ફિલ્મો જોવા ગુજરાતીઓએ સિનેમા હોલ સુધી જવું પડશે અને એ ખુબ જરૂરી પણ છે. હવે સો ટકા બેઠક ક્ષમતા સાથે સિનેમાઘરો ખુલ્યા છે ત્યારે અમે જસ્ટિસ ફિલ્મને રિલીઝ કરવા જઇ રહ્યા છીએ. યુવા સરકાર પછી આ પહેલી ગુજરાતી ફિલ્મ છે જે લોકડાઉન પછી સિનેમાઘરોમાં આવી રહી છે.

વધુમાં જણાવાયું હતું કે 'જસ્ટિસ' ફિલ્મની વાર્તામાં સ્ત્રી સશકિતકરણ, મહાત્મા ગાંધીના નારી અંગેના આદર્શો, મોડર્ન યુવતીના સ્વતંત્ર વિચારો તેમજ આદર્શ ન્યાય વ્યવસ્થા સહિતના મેસેજ સુંદર રીતે સાંકળી લેવામાં આવ્યા છે. ફિલ્મનું નિર્માણ એસ-૯ ફિલ્મ બેનર હેઠળ કપિલ નથવાણી (રાજકોટ)ના નિર્દેશનમાં થયું છે. એમનું માનવું છે કે આગામી સમયમાં કોઈપણ સ્ત્રી ભયમુકત થઈને સમાજમાં જીવી શકે અને પોતાના ગમતા ક્ષેત્રમાં કામ કરી શકે એવો સમાજની સ્થાપના માટે આ ફિલ્મ લોકોને વિચાર કરવા પ્રેરશે. ફિલ્મની વાર્તા બે બહેનોનો પ્રેમ, રાજકીય કનેકશનના લાભ ગેરલાભ અને ન્યાયતંત્રની સમાજ પર થતી અસરોને પણ બખૂબી દર્શાવવામાં આવી છે.

આ ફિલ્મમાં જાણીતા કલાકારો ગ્રીવા કંસારા, ગોકુલ બારૈયા, જિતેન્દ્ર ઠકકર, ચેતન દૈયા, વંદના સરવૈયા, યામિની જોશી, ચેતન દોશી, વિધી શાહ, ઉત્સવી ગોર સહિતની ખાસ ભુમિકાઓ છે. જેમાં યામિની જોષી અને ચેતન દૈયા બંને રાજકોટના કલાકારો છે અને તેમનો ખાસ રોલ છે. નિર્દેશકની વ્હાલુડી દિકરી સારાનો પણ નાનકડો રોલ છે.  ફિલ્મમાં સંગીત મૌલિક મહેતા દ્વારા આપવામાં આવ્યું છે. જયારે બ્રેકગ્રાઉન્ડ સ્કોર સુનિલ પટ્ટણી (તારક મહેતા ફેમ) દ્વારા તૈયાર થયું છે.

અભિનેત્રી યામિની જોષીએ જણાવ્યું હતું કે ફિલ્મમાં મારી ભુમિકા નાની છતાં ખુબ મહત્વપુર્ણ છે. ગુજરાતી ભાષાની ફિલ્મોને આપણે ગુજરાતીઓએ જરૂર નિહાળવી અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પણ બીજી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઓની જેમ ટોચ પર લાવવી એ દરેક ગુજરાતીની ફરજ છે. મેં હિન્દી, ભોજપુરી ફિલ્મો પણ કરી છે. પરંતુ માતૃભાષાની ફિલ્મો મારા માટે હમેંશા પ્રથમ ક્રમે રહે છે. નિર્માતા-નિર્દેશક કપિલભાઈ નથવાણી (મો.૮૩૦૬૬ ૧૦૦૦૧) સહનિર્માતા જીજ્ઞેશ રાદડીયા, આસી. ડાયરેકટર નિલેશ ચોવટીયા સહિતના પત્રકાર પરિષદમાં હાજર રહ્યા હતાં.

(10:17 am IST)