Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

ભાજપના સરપંચ સંમેલનમાં જિલ્લા ભાજપનો જુથવાદ સામે આવ્‍યો

સંમેલન સ્‍થળે લગાવેલ બેનરમાં જિલ્લાના પ્રભારી મંત્રી ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમા અને જિલ્લાના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાના ફોટાની બાદબાકી

રાજકોટ તા. ૧૮ : ગઇકાલે રાજકોટ ખાતે યોજાયેલા ભાજપનાં સરપંચ સંમેલનમાં લગાડવામાં આવેલા બેનરમાં જીલ્લાના પ્રભારી ભુપેન્‍દ્રસિંહ ચુડાસમા અને જીલ્લાનાં જ કેબીનેટ મંત્રી કુવરજીભાઈ બાવળીયાના ફોટાની બાદબાકી કરી જીલ્લાનાં મહામંત્રી અને પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ સહિતનાં આગેવાનોનાં ફોટા હોય આ બનાવે જીલ્લા ભાજપનો જુથવાદ સામે આવ્‍યો છે હાલ આ બનાવે જીલ્લા ભાજપમાં સારી ચર્ચા જગાવી છે.

રાજકોટ જીલ્લા ભાજપમાં આમતો ઘણા વખતથી જુથવાદ ચાલેજ છે પરંતુ કુવરજીભાઈ બાવળીયાના ભાજપ પ્રવેશ બાદ ડો.ભરતભાઈ બોઘરા અને કુવરજીભાઈ બાવળીયા વચ્‍ચેનો જુથવાદ જગ જાહેર છે ત્‍યારે ગઇકાલે સરપંચ સંમેલનમાં બે કેબીનેટ મંત્રીનાં ફોટાની બેનરમાંથી બાદબાકીથી બળતામાં ઘી હોમવા જેવુ થયુ છે.

આ બનાવની હાલ જિલ્લાના સ્‍થાનિક રાજકારણમાં ભારે ચર્ચા જગાવી છે. ઉલ્લેખનીય છે કે મુખ્‍ય મંચ ઉપર લગાવવામાં આવેલા ફોટામાં તો રાષ્ટ્રીય આગેવાનોના જ ફોટા હતા પરંતુ ગ્રાઉન્‍ડ પર લગાવવામાં આવેલા બેનરમાં બંને મંત્રીના ફોટા ન હોય ગ્રાઉન્‍ડ પર જ આ ચર્ચા ચાલુ થઇ ગઇ હતી.

બંને મંત્રીના ફોટા ન છાપવા પાછળ કોનો દોરી સંચાર હતો તેની ચર્ચા ભાજપમાં ચાલી રહી છે. આ બનાવનાં પડઘા પ્રદેશ ભાજપ સુધી પડયા છે.

જુથવાદની આ અસર થોડા સમય પછી આવી રહેલ સ્‍થાનિક ચુંટણીમાં ન પડે તે માટે પ્રદેશ ભાજપનાં આગેવાનો આ બનાવ માટે જવાબદારને ઠપકો આપી આ બનાવની આગને ઓલવવાના પ્રયાસોમા લાગી ગયા છે. જીલ્લાનાં એક આગેવાને જણાવ્‍યું હતુ કે આ બનાવના પડઘા ગાંધીનગર સુધી પડયા છે.

(1:31 pm IST)