Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

દિવ્‍યાંગ છીએ પણ ભારતના જાગૃત મતદારો છીએ

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રભવ જોશીએ દિવ્‍યાંગોની રેલીને ‘ફલેગ ઓફ' કરાવ્‍યું : દિવ્‍યાંગોની મતદાન જાગૃતિ રેલી યોજાઇ

રાજકોટ, તા. ૧૭ : ઢોલ, નગારા, ત્રાંસા અને ઘુઘરાના સુરીલા અવાજ સાથે સ્‍કુટર, ઘોડાગાડી અને કલર-કલરના ફુગ્‍ગા સાથે રાજકોટના રેસકોર્ષ રીંગ રોડ પર લોકશાહીના સૌથી મોટા પર્વ ચૂંટણીમાં મહત્તમ મતદાન કરવા માટે અંદાજે ૫૦૦ જેટલા દિવ્‍યાંગ ભાઈઓ-બહેનોએ રેલી કાઢીને તમામ રાજકોટવાસીઓને મતાધિકારનો ઉપયોગ કરવા પ્રેરિત કર્યા હતા. આ રેલીનું ‘ફલેગ ઓફ' જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્‍ટર શ્રી પ્રભવ જોશી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી નવનાથ ગવ્‍હણેએ કરાવ્‍યું હતું.

સ્‍વીપના નોડલ અધિકારી અને અધિક કલેકટરશ્રી જિજ્ઞાસાબેન ગઢવીના માર્ગદર્શન હેઠળ શ્રી છ.શા.વિરાણી બહેરા- મૂંગા શાળા, વી. ડી.પારેખ અંધ મહિલા વિકાસ ગળહ, શ્રી યુનિક વિકલાંગ ચેરીટેબલ ટ્રસ્‍ટ વગેરેના દિવ્‍યાંગ ભાઈઓ-બહેનો દ્વારા રેલી કાઢીને રાજકોટ વાસીઓને મતદાનની મળેલી અમુલ્‍ય તકનો સદુપયોગ કરવા પ્રેરીત કર્યા હતા.

દિવ્‍યાંગ બાળકો દ્વારા જુદા - જુદા સ્‍લોગનો સાથે મતદાન જાગળતિનો પ્રચાર-પ્રસાર કરીને ‘સક્ષમ ભારત-સુદ્રઢ ભારત' બનાવવા અચૂક મતદાન કરી પોતાની ફરજ નિભાવવા બધાને પ્રેરણા પુરી પાડી હતી.

વિરાણી બહેરા-મૂંગા શાળાના બાળકો દ્વારા બહુમાળી ભવન ચોક ખાતે નાટકના માધ્‍યમ વડે ‘કેવી રીતે મતદાન કરવું' તે સમજાવ્‍યું હતું.

આ તકે PWD (વિકલાંગ વ્‍યક્‍તિ) નોડલ અધિકારીશ્રી શ્રીમતી ઇલાબેન ગોહેલ તથા સહ નોડલ અધિકારી અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી એસ.એમ રાઠોડ અને ચૂંટણી વિભાગના કર્મચારીઓ અને વીવીધ સંસ્‍થાના અનેક લોકો ઉપસ્‍થિત રહ્યા હતા.

‘આપણે સૌએ મતદાન કરી આપણી ફરજ નિભાવી જોઈએ' તેવી વાત આ બાળકોએ રેલી અને નાટકના માધ્‍યમ થકી  સમજાવી હતી.

(3:13 pm IST)