Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

ભાજપના સંકલ્‍પ પત્રમાં જોવા મળી વિકસિત ભારતની છાંટઃ રાજુભાઇ ધ્રુવ

રાજકોટ,તા. ૧૭: તાજેતરમાં દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ રજુ કરેલા ભાજપના સંકલ્‍પ પત્રમાં ૨૦૪૭નાં વિકસિત ભારતના સપનાની છાંટ -ઝલક જોવા મળે છે તેમ જણાવી સૌરાષ્‍ટ્ર ભાજપના પ્રવક્‍તા રાજુભાઈ ધ્રુવે કહ્યું છે કે, આ સંકલ્‍પ પત્ર દેશના ૧૪૦ કરોડ નાગરિકોની આશા અને અપેક્ષા પૂર્ણ કરનારું છે. આ સંકલ્‍પ પત્રમાં રીફોર્મ, પરફોર્મ અને ટ્રાન્‍સફોર્મનો ઉલ્લેખ કરવામાં આવ્‍યો છે અને આ સંકલ્‍પ પત્રથી ભારતના ચાર મજબુત સ્‍તંભ યુવાઓ, મહિલાઓ, ગરીબો અને ખેડૂતો સશક્‍ત થશે તેની ગેરેંટી છે.

તેમણે કહ્યું છે કે,  દેશના યશસ્‍વી વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી વિકસિત ભારતના સંકલ્‍પ સાથે કામ કરી રહ્યા છે ત્‍યારે તેમના દરેક સંકલ્‍પ ઉપર ઈશ્વર ની પ્રેરણા તથા  ભારતની જનતાના આશીર્વાદ વરસી રહ્યા છે. ભાજપના સંકલ્‍પ પત્રમાં દેશના નાગરિકો પ્રત્‍યેની નિષ્ઠા જોવા મળે છે અને આ સંકલ્‍પ પત્ર દેશના લોકો માટે લોકો દ્વારા અને લોકોની ભાગીદારીથી તૈયાર વિકસિત ભારતનો રોડ મેપ છે.

સંકલ્‍પ પત્ર વિકસીત ભારત ૨૦૪૭ ને સાકાર કરવાનો રોડ મેપ છે તેમ જણાવતા રાજુભાઈ ધ્રુવે વધુમાં કહ્યું છે કે, ભાજપના  સંકલ્‍પ પત્રમા ૨૪જેટલા મહત્‍વના મુદ્દાનો સમાવેશ કરવામા આવ્‍યો છે. કોંગ્રેસના સમયમા આંતકવાદથી ગ્રસ્‍ત દેશ આજે સુરક્ષીત દેશ બન્‍યો છે તેની ગેરંટી  વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ  મોદીએ આપી છે. તેમણે  દેશના ગરીબ અને મધ્‍યમવર્ગના દર્દીઓને ઉત્તમ સારવાર મળે તે માટે આયુષ્‍યમાન કાર્ડ યોજનામા ૭૦ વર્ષથી વધુ ઉમંરના વડિલોને લાભ મળે તે માટે જાહેરાત કરી છે. ભાજપે જે વચનો આપ્‍યા હતા તે પુરા પણ કર્યા છે તેમ જણાવતા રાજુભાઈ ધ્રુવે કહ્યું છે કે, અયોધ્‍યામાં શ્રી રામ ભગવાનના ભવ્‍ય મંદિરનું નિર્માણ તેની સાબિતી છે.

આપણે દેશની  કાયાપલટ છેલ્લા ૧૦ વર્ષ માં જોઈ શકયા છીએ. ગ્રામીણ માર્ગો  થી એક્‍સપ્રેસ હાઇવે એ નવા ભારત ની ઓળખ બની છે આવનારા દિવસોમાં બુલેટ ટ્રેન પણ સમગ્ર દેશને જોડશે.સ્‍વાભિમાન,ખુમારી ,આધ્‍યાત્‍મિતા ,નૈતિક મૂલ્‍યો ,સાંસ્‍કળતિક વારસા ને આધુનિકતા, વૈજ્ઞાનિક સંશોધનો ,નવી નવી ટેકનોલોજી સાથે જોડી દેશ નો સર્વાંગીણ અને સમરસ વિકાસ કરી મહાસત્તા બનાવવા ના ધ્‍યેય સાથે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી દેશ ને આગળ વધારી રહ્યા હોય ત્‍યારે સૌરાષ્‍ટ્ર-ગુજરાત હરહમેંશ અગાઉ ૨૦૧૪ અને ૨૦૧૯ ની લોકસભાની ચૂંટણી ની જેમ આ વખતે પણ ભાજપ ને  તમામ ૨૬ બેઠકો ૫ લાખ કરતા વધુ મતો થી વિજેતા બનાવી ભારત ને વિશ્વગુરુ બનાવવા સાથ આપશે તેવો દ્રઢ વિશ્વાસ રાજુભાઈ ધ્રુવે વ્‍યક્‍ત કર્યો છે.

(3:36 pm IST)