Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

રંગીલા રાજકોટ-સૌરાષ્‍ટ્રને ઇરાદાપૂર્વક રણમેદાનમાં ફેરવી મતદારોનો ભાજપ તરફેનો રોષ ભટકાવવાનો પ્રયાસ : પરેશ ધાનાણી

રાજકોટ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે નામાંકન ભરવા જઇ રહેલા પરેશ ધાનાણીએ ભાજપ પર કર્યા ધાણીફૂટ પ્રહારો : આમ આદમી પગભર થાય, સશકત થાય, ભ્રષ્‍ટાચારમાં પિસાતો બંધ થાય, મંદી-બેરોજગારીના ભરડામાંથી મુકત થઇ સ્‍વાભિમાનથી જીવે તેના માટે હું સતત પ્રયત્‍નશીલ રહીશ : ભાજપે સર્વાગી વિકાસની વ્‍યાખ્‍યા રોડ-રસ્‍તા-ગટર-પુલ-પાણી સુધી જ સીમીત કરી દીધી છેઃ જન-જનનો માનસીક, શારીરીક, આર્થિક, શૈક્ષણીક વિકાસ થાય તેને સર્વાગી વિકાસ કહેવાય : ભાજપ તે જાણે છે પણ અમલમાં મુકવા માંગતો નથી : ક્ષત્રીય બહેન-બેટીઓ વિષે અભદ્ર ટીપ્‍પણી કરવામાં આવી છે તેનો મને ભારોભાર રંજ છે અને રોષ છેઃ આ ટીપ્‍પણીથી માત્ર ક્ષત્રીય બહેન-બેટીઓ ઉપર જ નહિ દેશના તમામ સમાજ, તમામ વર્ગો, તમામ વર્ણોની બહેનોની અસ્‍મિતા ઉપર કુઠારાઘાત થયા છેઃ જયારે જયારે શકિતના સ્‍વાભિમાનને ઠેસ પહોંચી છે ત્‍યારે ત્‍યારે દૈવિક શકિતઓએ અહંકારીઓની રાક્ષસી વૃતિને ઓગાળી નાખી છે : હવે તે દિવસો આવી ગયા છે :ક્ષત્રીય બહેન-બેટી ઉપર અકારણ ટીપ્‍પણી કરી સૌરાષ્‍ટ્રને વર્ગવિગ્રહની આગમાં ઝોંકવાનો રૂપાલાનો પુર્વયોજીત પ્રયાસ હતોઃ રાજકોટ-સૌરાષ્‍ટ્રના મતદારો ભાજપની માનસીકતા સમજી લે અને મતદાન કરે

રાજકોટઃ આજે શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે આગામી લોકસભા ચુંટણીમાં કોંગ્રેસ તરફથી મેદાને પડવા જઇ રહેલા ધુંવાધાર યુવા નેતા પરેશ ધાનાણીએ પત્રકારો સમક્ષ પોતાના વિચારો રજુ કર્યા હતા અને વર્ગવિગ્રહ ફેલાવી ભાજપે એન્‍ટીઇન્‍કમબન્‍સી' ખાળવા અને મતદારોને ભટકાવવા રૂપાલાના વિધાનો થકી જે પ્રયાસો કર્યા તેને ઇરાદાપુર્વકના ગણાવી આંબેડકરજીની બંધારણીય યાત્રા ભાજપના રાજમાં કમનસીબે અટકી ગયાના પ્રહારો કર્યા હતા. તેમણે આમ આદમીની તકલીફોને વાચા આપી નિવારવાનો કોલ આપ્‍યો હતો. પત્રકાર પરિષદ સમયની તસ્‍વીરોમાં વિશીષ્‍ટ મુદ્રામાં કોંગી ઉમેદવાર પરેશ ધાનાણી અને ઉપસ્‍થિત કોંગ્રેસના આગેવાનો અને આમ આદમી પાર્ટીના આગેવાનો નજરે પડે છે. નીચેની તસ્‍વીરમાં સૌએ હાથ હાથ મેળવી કોંગ્રેસના વિજય વિશ્વાસનો ટંકાર કર્યો હતો.  (ફોટોઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ૧૭: ભાજપે રંગીલા રાજકોટ અને સૌરાષ્‍ટ્રને ઇરાદાપૂર્વક રણમેદાનમાં પરિવર્તીત કરી પ્રજામાં ભાજપ તરફે ભભૂકી રહેલા રોષને ભટકાવવાનો પ્રયાસ કર્યો છે. હું રાજકોટ લોકસભા સીટ ઉપર ખુબ મોટો પડકાર ઝીલવા આવ્‍યો છું. મારો અવાજ મીડીયાના માધ્‍યમથી જન-જન સુધી પહોંચાડજો. આ શબ્‍દો રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ધુવાધાર યુવા ઉમેદવાર પરેશ ધાનાણીના હતા. આજે સવારે તેઓ રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રેસ કોન્‍ફરન્‍સ સંબોધી રહયા હતા.

તેમણે જણાવ્‍યું હતું કે, લોકસભા મત વિસ્‍તારને રણસંગ્રામમાં ફેરવી સંસદીય મેદાન મારવાનો ભાજપનો મનસુબો છે. ભાજપના સતાધિશોનો અહંકાર સાતમા આસમાને પહોંચ્‍યો છે. ક્ષત્રીય બહેન-દિકરી વિષે અકારણ અભદ્ર ટીપ્‍પણી કરી સૌરાષ્‍ટ્રમાં વર્ગવિગ્રહ ફેલાવવાનો મારા સંભવીત હરીફ રૂપાલાએ પ્રયાસ કર્યો છે. ગઇકાલે હું પેલેસ રોડ સ્‍થિત માં આશાપુરાના મંદીરે ચૈત્રી આઠમ નિમિતે દર્શન કરવા ગયો ત્‍યારે ત્‍યાં આસ્‍થાભેર દર્શને આવેલા ક્ષત્રીય સમાજના મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત બહેન-બેટીઓને વંદન કરી તેમના જવતલીયા ભાઇ તરીકે તેમની અસ્‍મિતાની લડતમાં સાથે હોવાની હૈયાધારણા આપી ત્‍યારે ઉપસ્‍થિત દરેક ક્ષત્રાણીઓની આંખો છલકી ગઇ હતી. ભાજપના અહંકારના કારણે તેમની નાની એવી માંગ સ્‍વીકારવામાં નથી આવતી તેનું મને ભારોભાર દુઃખ છે અને રોષ છે. ક્ષત્રીય  બહેન-બેટીઓ વિષે અભદ્ર ટીપ્‍પણી કરવામાં આવી છે તે માત્ર ક્ષત્રીય બહેન-બેટીઓ ઉપર જ નહિ દેશના તમામ સમાજ, દેશના તમામ વર્ગો, દેશના તમામ વર્ણોની બહેનોની અસ્‍મિતા ઉપર કુઠારાઘાત સમાન છે. જયારે જયારે શકિતના સ્‍વાભિમાનને ઠેસ પહોંચી છે ત્‍યારે ત્‍યારે દૈવિક શકિતઓએ અહંકારીઓની રાક્ષસી વૃતિને ઓગાળી નાખી છે. હવે તેવું બનતા વાર નહિ લાગે.

આજે બાબા સાહેબ આંબેડકરની બંધારણીય યાત્રા ભાજપના શાસનમાં આગળ વધતી જોવા મળતી નથી. સત્તાના સુત્રો સંભાળી રહેલા લોકો સામાન્‍ય માણસની આશાને પરીપુર્ણ કરી શકયા નથી. માત્ર સ્‍વવિકાસમાં તેઓ રચ્‍યાપચ્‍યા રહે છે. જેને લઇને આજે નિષ્‍ફળતાનો ભોગ ભાજપના જ ઉમેદવારો બની રહયા છે.

પરેશ ધાનાણીએ વધુમાં જણાવ્‍યું કે, ભાજપમાં દાવાનળ જેવી પરિસ્‍થિતિ છે. વિપક્ષમાંથી વટલાયેલા લોકોની ભાજપમાં બોલબાલા છે. રાજકોટમાં પાર્ટી વિથ ડીફરન્‍સ' ગણાતી ભાજપની હાલત આજે અત્‍યંત કફોડી બની ગઇ છે. વર્ષો જુનો ભાજપનો કાર્યકર આજે ભાજપ કાર્યાલયે ખુરશી ઉપર ગાફા મારી રહયો છે અને પક્ષપલ્‍ટો કરી આવેલા કોંગ્રેસના ઉતારો'  આ ખુરશી શોભાયમાન કરી રહયા છે. જે લોકો સત્તાની સીન્‍ડીકેટમાં જોડાયેલા છે તે લોકો સ્‍વસશકિતકરણ માત્ર કરી રહયા છે. પ્રજાની તેમની લેશ માત્ર પડી નથી.

મંદીનું મોજુ પ્રવર્તી રહયું છે. મધ્‍યમ કક્ષાના વેપાર-ધંધા ભાંગી પડયા છે. ભણેલો-ગણેલો યુવાન નોકરી માટે ભટકી રહયો છે ત્‍યારે ભાજપ તેમના મામા-માસી-ફઇ-ફુવાના દિકરાઓને વહીવટી માળખામાં થોપી રહયા છે. કરાર આધારીત ફિકસ પે અને આઉટ સોર્સીંગની બોલબાલા છે. ખેત ઉત્‍પાદનનો ખર્ચ વધતો જાય છે ત્‍યારે ગરીબ ખેડુત વધુ ગરીબ બની રહયો છે. મોંઘવારીએ માઝા મુકી છે. કરીયાણુ મોંઘુ બનતા ગૃહીણી માટે બે છેડા ભેગા કરવા કપરા બની રહયા છે. આ સંજોગોમાં મલાઇ તારવી, તાજામાઝા કોણ બની રહયું છે તે તમે (મતદારો) વિચારજો અને કિંમતી મતનો અધિકાર ભોગવજો.

રાજયમાં ભૂમાફીયા, ખનીજ માફીયા, દારૂ માફીયા, શિક્ષણ માફીયાનું રાજ તો પ્રવર્તતુ જ હતું પરંતુ હવે યુવા વર્ગને ખોખલા બનાવતા ડ્રગ્‍સ માફીયાઓનો પગપેસારો પણ થઇ ચુકયો છે. ભાજપ સરકાર પ્રજાને કયા ધકેલવા માંગે છે ? સરકારની તિજોરીમાંથી મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓના સામ્રાજયો વિકસી રહયા છે જે સામાન્‍ય માણસ પણ સારી રીતે સમજી ચુકયો છે.  ભાજપે સર્વાગી વિકાસની વ્‍યાખ્‍યા રોડ-રસ્‍તા-ગટર-પુલ-પાણી સુધી જ સીમીત કરી દીધી છે.  જન-જનનો માનસીક, શારીરીક, આર્થિક, શૈક્ષણીક વિકાસ થાય તેને સર્વાગી વિકાસ કહેવાય  તે ભાજપના સત્તાવાળાઓ જાણતા હોવા છતા અમલમાં મુકવા માંગતા નથી.

વિવિધતામાં એકતા અને અધિકારોને કચડવા, વર્ગવિગ્રહ ફેલાવવાના પ્રયાસો કરવાની ભાજપની ખતરનાક માનસીકતાને સમજીને મત આપજો.

હું રાજકોટ બેઠક ઉપર લડવા આવ્‍યો છું, તેની પાછળનું કારણ સત્તામાં બેઠેલા લોકોનો અહંકાર ઓગાળી જન-જનના અધિકારોની રક્ષા કરી તેમનું સ્‍વાભિમાન ફરીથી પ્રસ્‍થાપીત કરવા આવ્‍યો છું.

હું લોકો પગભર થાય, સશકત થાય,  ભ્રષ્‍ટાચારમાં પિસાતા બંધ થાય, મંદી-રોજગારીના ભરડામાંથી બહાર આવે અને ગાંધી, સરદારની ભુમી ઉપર લોકશાહી ઢબે પોતાનો અવાજ ઉઠાવતા થાય તેની લડત લડવા આવ્‍યો છું તેમ અંતમાં પરેશ ધાનાણીએ જણાવ્‍યું હતું.

આજે કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલી પત્રકાર પરીષદ સમયે રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના પ્રભારી ભીખુભાઇ વારોતરીયા, શહેર પ્રમુખ અતુલ રાજાણી, આમ આદમી પાર્ટીના શિવલાલભાઇ વેકરીયા, અજીત લોખીલ, પડધરી-ટંકારાના પુર્વ ધારાસભ્‍ય અને કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ અધ્‍યક્ષ  લલીતભાઇ કગથરા, ડો. નિદત બારોટ, જસવંતસિંહ ભટ્ટી, રાજદીપસિંહ જાડેજા, આદિત્‍યસિંહ ગોહીલ, સંજય અજુડીયા, નરેન્‍દ્ર સોલંકી, મહિલા કોંગી અગ્રણી દિપ્‍તીબેન સોલંકી, પ્રદેશ મહામંત્રી ડી.પી.મકવાણા, અજીત વાંક, ગોપાલ અનડકટ, જીલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ શૈલેષ  કપુરીયા, જીલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ મહેન્‍દ્રસિંહ જાડેજા, મનસુખભાઇ કાલરીયા, દાનાભાઇ હુંબલ, કૃષ્‍ણદત્ત રાવલ સહીતના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્‍થિત રહયા હતા.(૪.૨૩)

 

(2:40 pm IST)