Gujarati News

Gujarati News

News of Friday, 17th March 2023

શ્રી પુજીત રૂપાણી ટ્રસ્‍ટ જ્ઞાનપ્રબોધિની શૈક્ષણિક પ્રોજેકટ પ્રવેશ પરિક્ષા ૨૩મી એપ્રિલે યોજાશે

આર્થિક રીતે નબળા પરિવારોના તેજસ્‍વી વિદ્યાર્થીઓ માટે કારકિર્દી બનાવવાની તક : મેરીટ મુજબ પસંદ થયેલા વિદ્યાર્થીઓનો ધો.૮ થી ૧૨ સુધીનો તમામ શૈક્ષણિકખર્ચ ટ્રસ્‍ટ ભોગવશે

રાજકોટઃ શ્રી પુજત રૂપાણી મેમોરીયલ ટ્રસ્‍ટ દ્વારા સમાજના પછાત તેમજ છેવાડાના વિસ્‍તારો માટે ચલાવાઈ રહેલા વિવિધ ૧૨ જેટલા સેવાકીય પ્રોજેકટ અંતર્ગત ભણવામાં તેજસ્‍વી પરંતુ આર્થિક રીતે નબળા પરિવારોમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે જ્ઞાનપ્રબોધિની શૈક્ષણિક પ્રોજેકટ ચલાવવામાં આવે છે. જે અંતર્ગત ધો.૭માં સરકારી કે ખાનગી શાળાઓમાં અભ્‍યાસ કરતા આર્થિક રીતે નબળા પરિવારોમાંથી આવતા વિદ્યાર્થીઓ કે જેમણે સાતમાં ધોરણમાં પ્રથમ સેમેસ્‍ટરમાં ૮૫ ટકા કે તેથી વધુ માર્કસ મેળવ્‍યા છે અથવા સરકારી શાળામાં ૧ થી ૩ નંબરમાં સ્‍થાન પ્રાપ્‍ત કર્યુ છે. તેવા વિદ્યાર્થીઓની પ્રવેશ પરિક્ષા ૨૩ એપ્રિલ, રવિવારના રોજ શ્રી ચાણકય વિદ્યામંદિર, કરણપરા મેઈન રોડ ખાતે લેવાશે.

પ્રવેશ પરિક્ષામાં સામેલ થવા માંગતા વિદ્યાર્થીઓએ તેમનું અરજી પત્રક પોતાની શાળા મારફત અથવા ડાયરેકટ ટ્રસ્‍ટના કાર્યાલયેથી મેળવી ૧૫ એપ્રિલ સુધીમાં ત્‍યાં જ પરત આપી દેવાનું રહેશે. પ્રવેશ પરિક્ષામાં ઉતિર્ણ થયેલા વિદ્યાર્થીઓને મેરીટ મુજબ પસંદ કરી તેઓને ધો.૮માં શહેરની શ્રેષ્‍ઠ શાળાઓમાં એડમીશન અપાવી ધો.૧૨ સુધીનો તમામ શૈક્ષણિક ખર્ચ ટ્રસ્‍ટ ઉઠાવશે. જેમાં સ્‍કૂલ ફી, પુસ્‍તકો, નોટબુકસ, માર્ગદર્શીકાઓ, પેન્‍સીલ, રબ્‍બર, બોલપેન, યુનિફોર્મ તથા સાયકલનો પણ સમાવેશ થાય છે. તેમજ લાભાર્થી વિદ્યાર્થીઓ માટે ટ્રસ્‍ટના બિલ્‍ડીંગમાં ગ્રુપ ટયુશનની પણ વ્‍યવસ્‍થા કરવામાં આવે છે.

૨૩ એપ્રિલ રવિવારે યોજાનારી પ્રવેશ પરિક્ષા માટે લાયક હોય તેવા તમામ વિદ્યાર્થીઓને પોતાની શાળા મારફત અથવા ડાયરેકટ ટ્રસ્‍ટના કાર્યાલયનો સંપર્ક સાધી અરજીપત્રક મોડામાંમોડું ૧૫ એપ્રિલ શનિવાર સુધીમાં પહોંચાડી આપવા માટે ટ્રસ્‍ટના ચેરમેન શ્રી વિજયભાઈ રૂપાણી તથા ટ્રસ્‍ટી શ્રીમતિ અંજલીબેન રૂપાણીની યાદીમાં જણાવાયું છે.

વિશેષ માહિતી માટે ટ્રસ્‍ટના વહીવટી અધિકારી શ્રી ભાવેનભાઈ ભટ્ટનો ફોનં (૦૨૮૧) ૨૭૦૪૫૪૫, ૨૭૦૧૦૯૮ દ્વારા અથવા ટ્રસ્‍ટના કાર્યાલય ‘કિલ્લોલ', ૧- મયુરનગર, મહાપાલિકા પૂર્વઝોન કચેરી સામે, ભાવનગર રોડ ખાતે રૂબરૂ સંપર્ક સાધવા જણાવાયું છે.

(4:57 pm IST)