Gujarati News

Gujarati News

News of Friday, 17th March 2023

લોનના ચકરડામાં ફસાઇ જતાં રેખાબેન મૈયડ ઝેર પી ગયાઃ એક પછી એક ડઝનેક લોન લઇ લીધી

સ્‍કૂલ બસના ડ્રાઇવર તરીકે કામ કરતાં પતિએ પ્રારંભે ફાયનાન્‍સમાંથી પચાસ હજાર લોન લીધી હતીઃ એ પછી બીજી લોનો લીધીઃ હનુમાન મઢી પાછળના શિવપરામાં રહેતાં મહિલા હોસ્‍પિટલના બિછાને

રાજકોટ તા. ૧૬: રૈયા રોડ પર હનુમાન મઢી પાછળ ભગવતીહોલવાળી શેરીમાં રહેતાં રેખાબેન હરેશભાઇ મૈયડ (ઉ.વ.૩૨) નામના મહિલાએ સવારે ઘરે ઘઉમાં રાખવાની ટીકડીઓ પી લઇ આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા છે. પતિએ એક લોન લીધા બાદ તે ચુકવવા બીજી અને બાદમાં ત્રીજી કરતાં કરતાં ડઝનેક લોન લઇ લેતાં દેણા અને વ્‍યાજના ચક્રમાં ફસાઇ જતાં કંટાળીને આ પગલુ ભર્યાનું જણાવાયું હતું.

બનાવ અંગે હોસ્‍પિટલ પોલીસ ચોકીના સ્‍ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. રેખાબેન ગૃહિણી છે અને સંતાનમાં એક પુત્રી છે. પતિ હરેશભાઇ નાથાભાઇ મૈયડ સ્‍કૂલ બસનું ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે. તેણે જણાવ્‍યું હતું કે કોરોનાને કારણે લોકડાઉન આવવાથી પોતે નોકરી વગરના થઇ ગયા હતાં. લોકડાઉન ખુલ્‍યા પછી ઘરમાં જરૂર હોઇ ફાયનાન્‍સથી પચાસ હજારની લોન લીધી હતી. એ પછી આ લોનના હપ્‍તા ભરવામાં ખેંચાઇ જતાં બીજી લોન લીધી હતી. બીજી ભરવા માટે ત્રીજી અને બાદમાં એક એક કરતાં બાર જેટલી લોનો લઇ લીધી હતી.

દર મહિને આ બધી લોનના મળી ચાલીસેક હજાર રૂપિયા ભરવાના થતાં હોઇ હપ્‍તો ભરવાની તારીખ આવી જતાં અને ઉઘરાણી માટે પણ લોકો ઘરે આવતાં હોઇ ઘરમાં પૈસા ન હોવાથી અને કુલ છ લાખથી વધુનું દેણું અત્‍યારે ચડત થઇ ગયું હોઇ કંટાળીને પત્‍નિએ ઝેરી દવા પી લીધી હતી. તેમ વધુમાં હરેશભાઇએ જણાવ્‍યું હતું. પોલીસે  જરૂરી કાર્યવાહી કરી હતી.

(3:31 pm IST)