Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

પત્રકારત્વ ભવનમાં એડ્ ફિલ્મ બનાવવા વર્કશોપ યોજાશેઃ કમલેશ ઉદાસીનું માર્ગદર્શન

તા. રર-ર૩ના યુનિવર્સિટીના વ્યાસ સેમિનાર હોલમાં આયોજન

રાજકોટ, તા. ૧૭ : વર્તમાન સમયમાં ઉત્પાદકો પોતાના ઉત્પાદનની જાણકારી સંભવિત ગ્રાહકો સુધી પહોંચાડવા માટે મુદ્રિત માધ્યમ કરતા વધુ અસરકારક એવી એડ્ ફિલ્મોને માધ્યમ બનાવવાનું વધુ પસંદ કરે છે. રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે એડ્ ફિલ્મોની બોલબાલા વધતી જાય છે ત્યારે વિદ્યાર્થીઓ આ ક્ષેત્રમાં કારકીર્દી બનાવીને વિજ્ઞાપન જગતમાં નવી ઉંચાઇઓ સર કરી શકે તે હેતુસર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શ્રી એ.ડી. શેઠ પત્રકારત્વ ભવન દ્વારા બે દિવસની 'એડ્. ફિલ્મ મેકીંગા' વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. મીડિયા તથા મેનેજમેન્ટ વિષયના વિદ્યાર્થીઓ ઉપરાંત રસ ધરાવતા કોઇ પણ વિષયના વિદ્યાર્થીઓ આ વર્કશોપમાં સહભાગી બનીને પ્રાયોગિક તાલીમ મેળવી શકશે.

ઇસરોના પૂર્વ કાર્યક્રમ નિર્માતા અને એડ ફિલ્મ ક્ષેત્રે પ્રશસ્ત કૌશલ્ય ધરાવતા અમદાવાદના નિષ્ણાત ફિલ્મમેકર કમલેશ ઉદાસી આ બે દિવસ દરમિયાન વિદ્યાર્થીઓને તાલીમ આપશે. વર્કશોપ દરમિયાન એડ ફિલ્મ માટે વિષય પસંદગી તથા સ્ક્રીપ્ટ રાઇટીંગથી માંડીને ફિલ્મ નિર્માણના દરેક તબક્કા વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે. વિવિધ પ્રકારના છ સેશનમાં વહેંચાયેલી આ વર્કશોપ દરમિયાન સહભાગીઓ પોતે પણ પોતાી ફિલ્મનું પ્રેઝન્ટેશન કરી શકશે. વર્કશોપ દરમિયાન સહભાગીઓએ બનાવેલી ફિલ્મો માટે કોમ્પીટીશનનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ઉત્તમ ફિલ્મને પુરસ્કૃત કરવામાં આવશે.

વર્કશોપમાં ભાગ લેવા ઇચ્છતા લોકોએ તા. ર૦મી પહેલા બપોરે ૧ર થી પ વાગ્યા દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પત્રકારત્વ ભવનમાં પોતાનું રજિસ્ટ્રેશન કરાવી લેવું આ અંગેની માહિતી ઉપરોકત સમયે ફોન નં. રપ૮૬૪૧૮ પરથી મેળવી લેવા તેમ જણાવ્યું છે.

(4:04 pm IST)