Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

હીરાના વેપારી મુકેશ કાકડીયાએ ટોળકી રચી સોસાયટીનો ગેઇટ, કેમેરા તોડી પાડ્યાઃ રહેવાસીઓ પર હુમલો-ધમકી

કુવાડવા રોડ પર સોમનાથ રિયલ હોમ સોસાયટીમાં બનાવઃ ગેઇટ પોતાને નડતર રૂપ હોવાનું કહી જેસીબીથી તોડફોડ કરાવી : મહિલાઓને પણ ગાળો ભાંડીઃ બે યુવાનના સોનાના ચેઇન ખોવાયાઃ બી-ડિવીઝન પોલીસે ગુનો નોંધી પાંચેક શખ્સોને સકંજામાં લીધા

જેમાં તોડફોડ કરવામાં આવી તે સોમનાથ રિયલ હોમ સોસાયટીનો ગેઇટ, સીસીટીવી કેમેરા અને ધમાલને પગલે ભેગા થઇ ગયેલા સોસાયટીના રહેવાસીઓ જોઇ શકાય છે (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૬: કુવાડવા રોડ એંસી ફુટ રોડ પર આવેલી સોમનાથ રિયલ હોમ સોસાયટીના ગેઇટની બહાર અડીને જ મકાન ધરાવતાં હીરાના વેપારી લેઉવા પટેલ શખ્સે પોતાના સગા-મળતીયાઓ સાથે મળી ધમાલ મચાવી સોસાયટીના ગેઇટમાં તોડફોડ કરી તેમજ સીસીટીવી કેમેરા તોડી નાંખી રહેવાસી યુવાનોને અને વોચમેનને માર મારી મહિલાઓને પણ ગાળો દઇ ધમાલ મચાવતાં પોલીસે ગુનો નોંધી પાંચેક શખ્સોને સકંજામાં લીધા છે. હીરાના આ વેપારીએ સોસાયટીનો ગેઇટ પોતાને વાહન અંદર લેવામાં અને બહાર કાઢવામાં નડતરરૂપ હોવાનું કહી તોડફોડ કરી હતી.

બનાવ અંગે જાણ થતાં બી-ડિવીઝન પોલીસે સોમનાથ રિયલ હોમ સોસાયટીના પ્રમુખ લલીતભાઇ છગનભાઇ ઘેટીયા (ઉ.૪૨) (લેઉવા પટેલ)ની ફરિયાદ પરથી સોસાયટીના ગેઇટની બહાર અડીને જ મકાન ધરાવતાં મુકેશ રવજીભાઇ કાકડીયા (પટેલ), દિવ્યેશ પ્રવિણભાઇ કાકડીયા, સાગર મુકેશભાઇ કાકડીયા, કેતન પ્રવિણભાઇ કાકડીયા, મુકેશના બનેવી નરોત્તમ, કેતનનો સાળો સાવન ચંદ્રેશભાઇ હીરપરા, જેસીબી નં. જીજે૧૪ડી-૪૮૫૩નો ચાલક રામજી વણઝારા સહિતના સામે ગુનો નોૅધ્યો છે અને ચારેક શખ્સોને સકંજામાં લઇ પુછતાછ હાથ ધરી છે.

પ્રમુખ લલીતભાઇ ઘેટીયાના કહેવા મુજબ સોમનાથ રિયલ હોમ સોસાયટીમાં છ વર્ષથી ૭૨ પરિવારો રહે છે. જ્યારે મુકેશ કાકડીયા હજુ થોડા દિવસો પહેલા જ રહેવા આવ્યા છે. તેનું ઘર સોસાયટીના મેઇન ગેઇટને બરાબર અડીને જ છે. આજે સવારે તેણે અચાનક ટોળકી રચી જેસીબી બોલાવી સોસાયટીના ગેઇટમાં અને સીસીટીવી કેમેરામાં તોડફોડ શરૂ કરી દીધી હતી. જાણ થતાં સોસાયટીના રહેવાસીઓ ભેગા થઇ જતાં તોડફોડ કરતાં અટકાવતાં બધાએ મહિલાઓને ગાળો ભાંડી હતી. તેમજ બે યુવાનો ધર્મેશ દામાણી અને મોૈલિક લુણાગરીયાને મારકુટ કરતાં ઝપાઝપીમાં તેના ચેઇન ખોવાઇ ગયા હતાં. વોચમેન વચ્ચે પડતાં તેને પણ મારકુટ કરવામાં આવી હતી. મુકેશ કાકડીયાએ પોતાનું વાહન પોતાના ઘરમાં લેતી વખતે સોસાયટીનો ગેઇટ નડતરૂપ થતો હોવાનું કહી આ ડખ્ખો કરી તોડફોડ કરાવી હતી. પી.એસ.આઇ. એમ. એમ. ઝાલા, હિતુભા ઝાલા, મનોજભાઇ સહિતના સ્ટાફે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(4:00 pm IST)