Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

સ્ટેન્ડીંગ ચેરમેન ઉદય કાનગડની બાજ નજર

પેવિંગ બ્લોકના ૬ કોન્ટ્રાકટો રિ-ટેન્ડર કરાવતા પ્રજાના ૧૭.૪૩ લાખ બચી ગયા

ગત સ્ટેન્ડીંગમાં વોર્ડ નં. ૧ના વિવિધ વિસ્તારોમાં પેવિંગ બ્લોક નાખવાની ૮ શંકાસ્પદ દરખાસ્તો નામંજુર કરાયેલ જે પૈકી ૬ કોન્ટ્રાકટોમાં રિ-ટેન્ડર થતાં ૨.૯ કરોડના કામો ૧.૯ કરોડમાં કોન્ટ્રાકટરો તૈયાર થયા : અર્જન્ટ બિઝનેશથી મંજુરી : કાલાવડ રોડ પર ૬ કરોડના ખર્ચે નવો પાણીના ટાંકા સહિત ૨૫ દરખાસ્તોને લીલીઝંડી અપાઇ

આજે સવારે મ્યુ. કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટિની બેઠક મળી હતી. તે વખતની તસ્વીરમાં ચેરમેન ઉદય કાનગડ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, ડો. દર્શીતાબેન શાહ, અનિલ રાઠોડ, ઘનશ્યામસિંહ જાડેજા, ડે. કમિશનર શ્રી સિંઘ વગેરે પદાધિકારીઓ તથા અધિકારીઓ નજરે પડે છે.

રાજકોટ તા. ૧૬ : મ્યુ. કોર્પોરેશનમાં આજે મળેલી સ્ટેન્ડીંગ કમિટિમાં અર્જન્ટ બિઝનેશથી મુકાયેલી પેવિંગ બ્લોકના કોન્ટ્રાકટમાં રિ-ટેન્ડરની છ દરખાસ્તોમાં પ્રજાની તિજોરીના ૧૭.૪૩ લાખ બચ્યા હોવાનું ખુલ્યું હતું.

આ અંગે સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન ઉદય કાનગડે વિસ્તૃત માહિતી આપતા જણાવેલ કે ગત સ્ટેન્ડીંગ કમિટિમાં વોર્ડ નં. ૧ના વિસ્તારોમાં પેવિંગ બ્લોક નાંખવાના ૮ જેટલા કોન્ટ્રાકટો મંજુર કરવા દરખાસ્તો હતી. જેનો કુલ ખર્ચ ૨,૯,૭૪,૯૬૪ થતો હતો. જે બજાર ભાવ કરતા વધુ પડતો હોઇ આ દરખાસ્તો શંકાસ્પદ જણાતા સ્ટેન્ડીંગ કમિટિએ આ ૮ કોન્ટ્રાકટરે નામંજુર કર્યા હતા. આથી અધિકારીઓએ ઉકત તમામ ૮ પેવિંગ બ્લોકના કોન્ટ્રાકટો રિ-ટેન્ડર કર્યા હતા જે પૈકી ૬ કોન્ટ્રાકટો કુલ ૧,૯૨,૩૧,૮૦૨માં આપવા અરજન્ટ બિઝનેશથી આજે સ્ટેન્ડીંગ કમિટિમાં મુકાતા આ રિ-ટેન્ડરથી પ્રજાની તિજોરીને રૂ. ૧૭.૪૩ લાખનો ફાયદો થયો હોઇ દરખાસ્તો મંજુર કરાઇ છે. હજુ અન્ય બે કોન્ટ્રાકટો પણ રિ-ટેન્ડરથી ફાયદો થશે.

જે અરજન્ટ દરખાસ્તો મંજુર થયેલ

જેમાં કેપેસીટી બિલ્ડીંગ પ્રોજેકટ ઓન લો કાર્બન એન્ડ કલાઇમેટ રેસિલિયન્ટ સીટી ડેવલોપમેન્ટ ઇન ઇન્ડીયા (કેપેસીટીસ), રાજકોટ મહાનગરપાલિકા અને ઇકલી સાઉથ એશીયા વચ્ચે થનાર કરારને માન્યતા આપવા.

વોર્ડ નં. ૧માં આલાપ ગ્રીન સીટીના ખુલ્લા પ્લોટમાં 'જનભાગીદારી યોજના' હેઠળ પેવીંગ બ્લોક નાખવા.

વોર્ડ નં. ૧માં લાભદિપ સોસાયટી (સુચીત)માં રસ્તાની સાઇડ સોલ્ડરમાં 'જનભાગીદારી યોજના' હેઠળ પવીંગ બ્લોક

વોર્ડ નં. ૧માં ગૌતમનગરમાં રસ્તાની સાઇડ સોલ્ડરમાં જનભાગીદારી યોજના હેઠળ પેવીંગ બ્લોક લગાડવા.

વોર્ડ નં. ૧માં અક્ષરનગર શેરી નં. ૧, ૪ (પાર્ટ), ૫ તથા હરિઓમ સોસાયટીમાં જનભાગીદારી યોજના હેઠળ પેવીંગ બ્લોક નાખવા અંગે તથા વોર્ડ નં. ૧માં સત્યનારાયણનગર તથા કષ્ટભંજન સોસાયટીમાં રસ્તાના સાઇડ સોલ્ડરમાં જનભાગીદારી યોજના હેઠળ પેવીંગ બ્લોક લગાડવા.

વોર્ડ નં. ૫માં મોચીનગર-૬ શેરી નં. ૧ થી ૭માં રસ્તાની સાઇડ સોલ્ડરમાં જનભાગીદારી યોજના હેઠળ પેવીંગ બ્લોક લગાડવા વગેરે દરખાસ્તો મંજુર થયેલ.

પાણીનો ટાંકો

આ ઉપરાંત કાલાવડ રોડ પર આત્મીય કોલેજ પાસે રૂ. ૬.૬૬ કરોડનાં ખર્ચે પાણીનો નવો ટાંકો બનાવવાનો કોન્ટ્રાકટ રણજીત બિલ્ડકોનને આપવાની દરખાસ્ત મંજુર થયેલ. ઉપરાંત તેવી જ રીતે માધવરાવ  ક્રિકેટ ગ્રાઉન્ડમાં માર્ચ ર૦ર૦ રાત્રી ભોજનનો ખર્ચ મંજૂર કરવા, નાકરાવાડી લેન્ડ ફીલ્ડ સાઇટમાં કચરાની હેરફેર માટે બે વર્ષ માટે બે મશીન ભાડેથી રાખવા મ.ન.પા.નાં ડે. કમીશનર શ્રી પ્રજાપતીને કોરોનાની સારવાર માટેનો ખર્ચ ખાસ કિસ્સામાં આપવા, દશનામ ગૌસ્વામી અખિલ સાધુ સમાજ સમાધિ સ્થાન (સ્મશાન) માટે રૈયામાં જગ્યા આપવા, તેમજ વિવિધ વિસ્તારોમાં પેવિંગ બ્લોગ, મેટલીંગ રોડ, સાધુ વાસવાણી રોડ પર સ્ટોર્મ વોટર ડ્રેનેજ વગેરે સહિતની કુલ રપ જેટલી દરખાસ્તોનો ચેરમેન ઉદય કાનગડનાં અધ્યક્ષ સ્થાને મળેલી સ્ટેન્ડીંગ કમિટિમાં કુલ ૧૫.૩૮ કરોડના વિકાસકામો મંજુર થયેલ.

(4:02 pm IST)