Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

ગુજરાતની ગરીમાનો સાંસ્કૃતિક ઉત્સવ એટલે 'ગરબો'

કહેવાય છે કે 'દીપગર્ભો ઘટ' એટલે કે 'દિપગર્ભો'માંથી દીપ શબ્દનો લોપ થઇને 'ગર્ભો' અને એમાંથી અપભ્રંશ થઇને એ ગરબો શબ્દથી ઓળખાતો થયોઃ ગર્ભમાં એટલે કે મધ્યમાં દીવાવાળા ઘડાને ચારેબાજુ છીદ્રો પડાવીએ એટલે તેને ગરબો કોરાવ્યો છે એક કહેવાય :શ્રી કૃષ્ણનું એક નામ 'રાસેશ્વર' છે પૌરાણીક કથાઓ મુજબ શરદઋતુમાં ગોપીઓ શ્રી કૃષ્ણને રાસ રમવાની વિનંતી કરે છે ત્યારે રચાય છે 'હમચી....આમ તો 'હિંચ' અને 'હમચી' એ બને નૃત્યના પ્રકાર છેઃ 'હમચી ખુંદવી' અને 'હિંચ લેવી' એટલે જેમાં પુરૂષો અને સ્ત્રીઓ હાથની તાળીઓ અને પગના ઠેકા સાથે વર્તુળાકારે ઘુમે છે નાગર : જ્ઞાતિજનો દ્વારા બીજા નોરતે એટલે કે રવિવારે ઓનલાઇન ગરબાનું આયોજન

આદ્યશકિતના અસ્તિત્વનું અજવાળું એટલે ગરબો. જેમાં નારીના ભાવ તથા ભાવનાનું સ્વની ભૂમિકાથી સર્વની ભૂમિકાએ પહોંચતું સંવેદન હોય. એનું શબ્દાલય, ભાવાલય અને સંગીતની છટા અને છાકને અંકિત કરે તેવું કાવ્યમય નિરૂપણ હોય તથા તાળી અને ઠેકા સાથે ગરબે દ્યુમવાનો પુરતો અવકાશ હોય તેવું ગીત તે ગરબો. ભલે આ કોરોના કાળમાં દ્યુમવાનો અવકાશ ન હોય પણ નવરાત્રીના નવ દિવસ અધરથી આરાધના એટલે કે ગરબા ગાઇને તો ભકિતમાં ભીંજાઇ જ શકાય.

 ગરબો એટલે ગુજરાતનું ગૌરવ, ગુજરાતની ગરિમા, અસ્મિતા અને સમગ્ર વિશ્વમાં ગુજરાતીઓની ઓળખ. ગરબો એ ગુજરાતી પ્રજાની સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. કહેવાય છે કે 'દીપગર્ભો ઘટ'. એટલે કે 'દીપગર્ભો' માંથી દીપ શબ્દનો લોપ થઇને 'ગર્ભો' અને એમાંથી અપભ્રંશ થઇને એ ગરબો શબ્દથી ઓળખાતો થયો. ગર્ભમાં એટલે કે મધ્યમાં દીવાવાળા દ્યડાને ચારેબાજુ છીદ્રો પડાવીએ એટલે તેને ગરબો કોરાવ્યો છે એમ કહેવાય. નવરાત્રિના પર્વમાં એ શકિત સ્વરુપાના આહ્વાન અને સ્થાપન રૂપે ભકિતનું કેન્દ્ર થઇ પૂજવા યોગ્ય બની જાય છે. ગરબામાં સ્ત્રીઓ વર્તુળાકારે તાલમાં તાળી દઇને રમે, કોઇ કોઇ વળી માથે દીવડાઓની માંડવડી મૂકીને ઘૂમે... 'કહેવાય છે કે આવી જ રીતે પ્રાચીનકાળમાં તેનો પ્રારંભ થયો હતો. આમ, નાના નાના છીદ્રોવાળા માટીના દ્યડામાં દીવડો પ્રગટાવીને માતાજીના સ્વરૂપે સ્થાપવામાં આવતી એક પરંપરા એટલે ગરબો. જાણે શરીર રૂપી દ્યટમાં આતમ રૂપી પ્રકાશથી ઝગમગતું ચૈતન્ય.

 ગરબાનું મૂળ ભગવાન શ્રીકૃષ્ણની રાસલીલામાં છે એમ માનવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણનું એક નામ 'રાસેશ્વર'છે. પૌરાણિક કથાઓ મુજબ શરદઋતુમાં ગોપીઓ શ્રીકૃષ્ણને રાસ રમવાની વિનંતી કરે છે ત્યારે રચાય છે તે 'હમચી'... આમ તો હિંચ' અને 'હમચી' એ બન્ને નૃત્યના પ્રકાર છે. 'હમચી ખૂંદવી' અને 'હિંચ લેવી' એટલે જેમાં પુરુષો અને સ્ત્રીઓ હાથની તાળીઓ અને પગના ઠેકા સાથે વર્તુળાકારે ઘૂમે છે. રાસના ત્રણ ભેદ પણ છે... 'લતા રાસક' બે-બેના યુગલમાં લતા અને વૃક્ષની જેમ વીંટળાઇને રચાતો રાસ... 'દંડ રાસક' કે જેને દાંડિયા રાસ કહે છે તે અને 'મંડલ રાસક'.. જેને 'તાલી રાસક', 'તાલ રાસક' કહે છે... તે ગરબા રૂપે અવતરીત થયો હોવાનું અનુમાન છે.

 આમ કૃષ્ણભકિત અને આદ્યશકિતની આરાધનામાં દ્યણું બધું સામ્ય છે. ધર્મ બન્નેના કેન્દ્રમાં છે. વર્તુળાકારે સામૂહિક નૃત્ય પણ સમાન તત્વરૂપે છે. બન્ને પરફોર્મિંગ આર્ટસ છે... લય, તાલ, સૂર, સંગીત અને નર્તનથી જીવનને ઉત્સવમય બનાવનારાં છે. ગરબામાં ભાર વિનાનું ચિંતન, મોરના પીંછા જેવી હળવાશ છે, તો રાસમાં ગાયનમાં ઉછળતા થનગનાટ અને ચાપલ્યની વિશેષતા જોવા મળે છે.

 રાસ અને ગરબા બન્નેની સાથે સામાન્ય રીતે ઉલ્લાસ અને આનંદનું તત્વ સંકળાયેલું હોય છે. એક કળાસ્વરૂપે ગરબો 'વાળ્યો વળી શકે' એવો કલા પ્રકાર છે. જો ગરબો હિંચ કે ખેમટા તાલમાં હોય તો છ માત્રામાં, કહેરવા તાલમાં હોય તો આઠ માત્રામાં ને દીપચંદી તાલમાં હોય તો ચૌદ માત્રામાં લેવામાં આવે છે. પહેલાં સારંગ, ભૈરવ કે મ્હાડ રાગ પર આધારીત ગરબાઓ વધારે ગવાતા હતા... હવે તો બધા જ રાગો જેમ કે યમન, કલાવતી, બાગેશ્રી, ભૈરવી, માલકોંસ, દુર્ગા, ભૂપાલી, બિહાગ, ભિમપલાસી, આસાવરી વગેરે અનેક રાગોમાં ગરબાનું સંગીત-નિયોજન થતું જોવા મળે છે. જો કે હાલ કોરોના જેવી આપતીમાં ગરબે ઘુમવાની/રમવની મનાઇ ચોક્કસ છે પણ ગરબા ગાવાની કોઇજ મનાઇ નથી. ગરબા ગાઇને પણ જગદંબાની ભકિત કરી જ શકાય છે. ગરબા ગાવાની વાત આવે ત્યારે વર્ષોથી નાગર જ્ઞાતિમાં ગવાતા પરંપરાગત બેઠા ગરબા ને કેમ ભૂલાય. આજે વિવિધ શહેરોમાં 'ઘણા નાગર જ્ઞાતિના મંડળો દ્વારા બેઠા વિવિધ રાગ પર આધારીત ખુબ સુંદર ગરબા ગરબા ગવાય છે. આ વખતે પણ રાજકોટમાં નાગર જ્ઞાતિ દ્વારા વર્ચ્યુઅલ બેઠા ગરબાનું ખુબ સુંદર આયોજન થયું છે. બીજા નોરતે રવિવારે રાત્રે કલ્યાણીબેન, ધ્વનીબેન અને કુંજ વછરાજાની દ્વારા facebook.com/NaadDhwani/  પર બેઠા ગરબાનું આયોજન થયું છે જયારે નવરાત્રી દરમિયાન નાગર જ્ઞાતિનાજ કલાકારો દ્વારા રાત્રે ૯ થી ૧૦ ફેઇસબુક પેઇજ પર માઇભકતો માટે ગરબા રજુ કરાશે.

 ગરબો એ સામૂહિક સાંસ્કૃતિક આનંદનું સર્વોત્ત્।મ માધ્યમ છે. એક એક ગુજરાતીને ગરબા સાથે શરીર અને પ્રાણ જેવો પ્રગાઢ સંબંધ છે. ગરબો એટલે તો જાણે જીવનની વસંત... યૌવનની તાજગી આણી દેતો કળા અને ભકિતનો સમન્વય...ગરબો આવી અનેક ઉપમાઓને તાદ્રશ કરતી, ગુજરાતીઓના ઉત્સાહને પોષનારી એમની પોતીકી કળા છે.

 પ્રસિદ્ઘ સંગીતકાર અવિનાશ વ્યાસે એક મુલાકાતમાં ગરબા માટે કહ્યું હતું કે, 'કોઈ પણ ગીતને ગરબામાં ગાઈ શકાય. માત્ર તેમાં સૂર ને તાલની જટિલતા બહુ ન જોઈએ. ભાવ કે વિચાર એવો હોવો જોઈએ કે જે વર્તુળાકારે ઘૂમતાં-ઘૂમતાં સરળતાથી ઉપાડી શકાય.' ગરબામાં અમુક જ તાલ કે અમુક જ રાગ હોવા જોઈએ એવું કોઈએ નક્કી કર્યું નથી. ગરબા મોટે ભાગે આ ચાર તાલમાં પ્રયોજાય છે. (૧) હીંચ (છ માત્રા. દા.ત.- મા તું પાવાની પટરાણી) (૨) ખેમટા (છ માત્રા, આશાભર્યાં તે અમે આવિયાં) (૩) કહેરવા (આઠ માત્રા, નાગર નંદજીના લાલ) અને (૪) દીપચંદી (૧૪ માત્રા, રદ્યુપતિ રામ હૃદયમાં રહેજો). હીંચ અને ખેમટામાં માત્રા સરખી છે, છતાં તે લય ને વજનથી જુદાં પડે છે. જોકે, આ પ્રચલિત તાલ ઉપરાંત પણ અસલથી જુદા જુદા અટપટા તાલ(ઠેકા)માં ગરબા ગવાતા હતા. સારંગ, ભૈરવ, મ્હાડમાં વધારે ગરબા ગવાતા હતા. હવે ઘણા બધા રાગોમાં ગરબાના કોમ્પોઝિશન થાય છે, જે આવકારવા જોઈએ.

 મધ્યકાલીન રચનાઓમાં માતાની ભકિત તથા કૃષ્ણભકિતથી પ્રેરિત ગરબા-ગરબીઓ છે. ધાર્મિક ગરબો ધીમે ધીમે સામાજિક થતો ગયો એની પ્રક્રિયા સમજવા માટે આપણું લોકસાહિત્ય પૂરતું છે. આપણાં લોકગીતોમાં સાંસારિક જીવનના કેટલાંય ઉલ્લાસ, નાની નાની કેટલીય મથામણો, રોજિંદા જીવન સાથે સંકળાયેલા કેટલાંય પર્વો તથા તહેવારો અને આ બધી દ્યટનાઓની ભીતર વહેતી નારી હૃદયના ભાવની ગુપ્ત ગંગા શબ્દોમાં સાહજિક રીતે મુખરિત થઈ ઊઠી છે.

 ગરબો એ સામુહિક સાંસ્કૃતિક આનંદનું સર્વોત્ત્।મ માધ્યમ છે. આપણા સંસારજીવનનું જેમાં વિશાળ પટ પર આલેખન થયું છે. એ મહાનવલકથા 'સરસ્વતીચંદ્ર' માં પણ તેના સર્જક ગોવર્ધનરામ ત્રિપાઠીએ નાયિકા કુમદસુંદરી પાસે ગરબો ગવડાવ્યો છે. એ હકીકત ગરબાની પ્રચલિતતાને પૂરવાર કરે છે. ગરબો ઘરઆંગણાના ચોકમાંથી શેરીમાં આવ્યો અને ગરબાની યાત્રાનો એ પ્રથમ તબક્કો છે. એણે આંગણું છોડ્યું છે અને છતાં નથી છોડ્યું, કારણ કે શેરીમાં પણ એ કોઈકના આંગણે તો હતો જ. સહિયારી સંપત્ત્િ। જેવો ગરબો પ્રારંભથી જ એક આંગણેથી બીજે આંગણે, એક શેરીથી બીજી શેરીએ ઘૂમતો રહ્યો છે અને એની આંતરિક ગતિશીલતા સાથે તાલ મેળવતો રહ્યો છે.

 અત્યારના સમયમાં સૌથી ચિંતાજનક તત્વ માત્ર એટલું છે કે ગતિ નહીં, પણ ગતિનો નિર્લજ્જ ઘોંઘાટ રહ્યો છે અને એ ઘોંઘાટમાં કવિતાનો ભાવવાહી શબ્દ ડૂબી ગયો છે. જયાં માણસ પોતે પ્રકૃતિ, સંસ્કૃતિ અને વિકૃતિની અવસ્થામાંથી પસાર થતો રહ્યો છે તો મનુષ્ય સાથે સંકળાયેલાં કલાસ્વરૂપો પણ એમાંથી સાવ ઊગરી કેમ શકે? ગરબો એ ગુજરાતી પ્રજાની સંસ્કૃતિનું સૌભાગ્ય છે. ફરી પાછી આપણી પ્રજા આ સ્વરૂપની સ્વીકૃતિ યથાસમજણથી, કવિતા અને સંગીતના સુમેળ સાથે કરશે તો ગરબો એ ગરબો પણ રહેશે અને ગરવો પણ રહેશે. (સંકલિત)

પ્રશાંત બક્ષી

મો. ૭૯૯૦૫ ૫૮૪૬૯

(3:58 pm IST)