Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

સગાઇ તોડી નાખવા બાબતે યુવતીના મામા અલ્પેશભાઇ પર તુષાર ટાટમીયાનો હુમલો

બહુમાળી ભવન ચોકમાં બનાવઃ સામસામી ફરિયાદ

રાજકોટ તા. ૧૬: રેસકોર્ષ રીંગ રોડ પર બહુમાળી ભવન ચોકમાં સગાઇ તોડી નાખવા બાબતનો ખાર રાખી યુવતીના મામા પર જુનાગઢના શખ્સે ઝઘડો કરી છરી વડે હુમલો કરતા સામસામી ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ગોંડલ રોડ ખોડીયાર ચોક પાસે રહેતો યશ અલ્પેશભાઇ ચૌહાણ (ઉ.વ. રર) પરમ દિવસે પોતાના ઘરે હતો ત્યારે તેના ફઇની દીકરી જે બહુમાળી ભવનમાં મજૂર અદાલતમાં કલાર્ક તરીકે નોકરી કરે છે. તેનો ફોન આવેલ અને જણાવેલ કે 'મને તુષાર મનસુખભાઇ ટાટમીયા (રહે. જૂનાગઢ)નો મને ફોન આવેલ અને તેણે કહેલ કે તારે મારી સાથે લગ્ન કરવાના છે જો તું લગ્ન નહીં કરે તો તારા પિતાને જાનથી મારી નાખીશ અને હું બહુમાળી ભવન ચોકમાં આવ્યો છું.' તેમ વાત કરતાં યશ તેના પિતા અલ્પેશભાઇ બચુભાઇ ચૌહાણ સાથે બાઇક પર બહુમાળી ભવન ચોકમાં પહોંચ્યા ત્યારે ત્યાં તુષાર તથા ફઇની દીકરી અમી બંને ઉભા હતા. તેની પાસે જઇને વાતચીત કરી અને યશ અને અલ્પેશભાઇએ અમી સાથે લગ્ન કરવાની તુષારને ના પાડતા તુષારે ઉશ્કેરાઇને ગાળો આપી અમીને માર મારતા અલ્પેશભાઇ વચ્ચે પડતા તુષારે છરી વડે માથાના ભાગે તથા ડાબા હાથમાં ઇજા કરી હતી. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને અલ્પેશભાઇ ચૌહાણને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયારે સામાપક્ષે જુનાગઢ નક્ષત્ર એપાર્ટમેન્ટમાં રહેતા તુષાર મનસુખભાઇ ટાટમીયા (ઉ.વ.૩૦) એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતાની અમી રમેશભાઇ પરમાર સાથે સવા વર્ષ પહેલા સગાઇ થઇ હતી. બંને વચ્ચે મનદુઃખના કારણે સગાઇ તોડી નાખી હતી. બાદ પોતે અમીને સમજાવવા માટે બહુમાળી ભવન ચોકમાં ગયેલ અને લગ્ન કરી લેવા બાબતે વાતચીત કરતો હતો. તે દરમ્યાન અમીના મામા અલ્પેશભાઇ અને પેનો પુત્ર યશ એ આવી ગાળો આપી પ્લાસ્ટીકની લાકડી વડે માર માર્યો હોવાનું જણાવ્યું છે.

આ અંગે પ્ર.નગર પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ દાખલ કરી એએસઆઇ હરેશભાઇ રત્નોતરે તથા માયાબેને તપાસ હાથ ધરી છે.

(3:54 pm IST)