Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

પોપટપરા સ્મશાન નજીક ન્યુઝ ચેનલના કેમેરામેનને પછાડી ધોકો ફટકારી લૂંટ

જંકશન પ્લોટથી વિજય મકવાણા રાત્રે હડમતીયા બેડી જવા નીકળ્યો ત્યારે બનાવઃ કાળા કપડા અને મોઢે બુકાની બાંધેલા ત્રણ લૂંટારા મોબાઇલ-રોકડ પડાવી ગયા

રાજકોટ તા. ૧૬: હડમતીયા બેડી રહેતો અને જંકશન પ્લોટમાં આવેલ હેલો સોૈરાષ્ટ્ર ન્યુઝ ચેનલમાં કેમેરામેન તરીકે નોકરી કરતો વિજય રમેશભાઇ મકવાણા (ઉ.વ.૨૨) રાતે સાડા દસે જંકશન પ્લોટથી તેના ઘરે જવા બાઇક લઇને પોપટપરા સ્મશાન પાસેના રસ્તેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે ત્રણ અજાણ્યા શખ્સોએ આંતરી  હાથમાં ધોકો ફટકારી પછાડી દઇ છરી બતાવી મોબાઇલ ફોન અને રોકડ લૂંટી લેતાં સારવાર માટે દાખલ થયો હતો.

વિજયએ બનાવની જાણ કરતાં ચેનલના હેડ કુલદિપસિંહ જાડેજાએ ત્યાં પહોંચી તેને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. તેના કહેવા મુજબ વિજય નોકરીએથી ઘરે જતો હતો ત્યારે કાળા કપડા પહેરલા ત્રણ શખ્સોએ રસ્તો રોકયો હતો અને એક જણાએ વિજયના હાથમાં ધોકો ફટકારી દેતાં તે પડી ગયો હતો. એ પછી બીજાએ છરી કાઢી હતી અને જે હોય તે આપી દેવાનું કહેતાં વિજયએ જીવ બચાવવા રોકડ અને બે મોબાઇલ ફોન આપી દીધા હતાં. એ પછી ત્રણેય શખ્સો આગળ ગયા હતાં અને બાઇક પર ભાગી ગયા હતાં. વિજયએ થોડે દૂર આવેલી ભરવાડની ચાની કેબીને જઇ તેને ઉઠાડી લૂંટારા જે તરફ ભાગ્યા તે તરફ તપાસ કરી હતી પણ પત્તો મળ્યો નહોતો. બાદમાં ભરવાડભાઇના ફોનમાંથી બનાવની જાણ કરી હતી. આ મામલે પોલીસ ફરિયાદની તજવીજ કરવામાં આવી રહી છે.

(3:53 pm IST)