Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

જીએસટી કાયદાના નિયમ-૩૬(૪)થી નાના વેપારીઓને પડયા ઉપર પાટુ

ગ્રેટર રાજકોટ ચેમ્બર દ્વારા નાણામંત્રી-જી.એસ.ટી. કમિશ્નરને રજુઆત

રાજકોટ, તા.૧૬ : ગત સપ્ટેમ્બર માસથી અમલમાં આવેલ જી.એસ.ટી. કાયદાની કલમ ૩૬(૪) ના અમલને કારણે નાના વેપારીઓ ઉપર થનાર ગંભીર અસરો ધ્યાને લઇ આ નિયમ રદબાતલ કરવા ગ્રેટર રાજકોટ ચેમ્બર દ્વારા નાયબ મુખ્યમંત્રી અને જી.એસ.ટી. કમિશનરને રજૂઆત કરાઇ છે.

કોઇપણ વેપારી ખરીદી કરતી વખતે ભરેલ વેરો ઇન્પુટ ટેક્ષ ક્રેડીટનારૂપે તે માલનું વેચાણ થતા પરત મળવાને પાત્ર રહેલ છે. આમ વેપારીએ ખરીદી પર ભરેલો વેરો પરત મળવો જોઇએ. જી.એસ.ટી. કાયદાનો અમલ ઉતાવળમાં ૧લી જુલાઇ, ર૦૧૭થી કરવામાં આવતા વહીવટી માળખુ પૂર્ણપણે તૈયાર ન હોવાને કારણ અમલ કરવાથી અનેક પ્રશ્નો ઉપસ્થિત થતા હોવાનું રજૂઆતમાં જણાવેલ છે.

આ નિયમના કારણે દોઢ કરોડ રૂપિયાના ટર્નઓવરથી નીચેની મર્યાદામાં કાર્યરત રહેલ વેપારીઓને ખૂબ જ મુશ્કેલી ઉપસ્થિત થયેલ છે. આમ પણ છેલ્લા છ માસથી કોરોનાના કારણે વેપાર ઉદ્યોગમાં મંદી પ્રવર્તી રહેલ છે અને વેપારી સખત નાણાભીડ અનુભવી રહેલ છે. ત્યારે જી.એસ.ટી. કાયદા હેઠળ અમલમાં આવેલ. આ નવા નિયમને કારણે વેપાર બંધ થવાની અણીએ ઉભો છે.

આ નિયમ રદબાતલ કરવા નાયબ મુખ્યમંત્રીશ્રી તથા નાણામંંત્રીશ્રી નીતિનભાઇ પટેલ તેમજ જી.એસ.ટી. કમિશ્નર શ્રી જે.પી. ગુપ્તા સમક્ષ ગ્રેટર રાજકોટ ચેમ્બર દ્વારા રજુઆત કરવામાં આવી છે. આ ઉપરાંત જી.એસ.ટી. કાઉન્સીલના ચેરમેન તથા કેન્દ્ર સરકારના નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન સમક્ષ પણ રજુઆત કરવામાં આવેલ હોવાનું ગ્રેટર રાજકોટ ચેમ્બરના પ્રમુખ ધનસુખભાઇ વોરા તથા ઉપપ્રમુખ રાજુભાઇ દોશીની યાદીમાં જણાવાયું છે.

(3:53 pm IST)