Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

ગરબીઓ ન યોજાવાથી લ્હાણીની બજારનો ૯'દિમાં થતો કરોડોનો વેપાર ઠપ્પ

કોરોનાને લીધે વાસણો, કિચનવેર, પ્લાસ્ટીક વેર સહિતના વેપારીઓ ધંધો ગુમાવશે : ૧૦ રૂ. થી શરૂ થતી વિવિધ વસ્તુઓઃ ગરબી રમતી બાળાઓને પ્રોત્સાહન રૂપે લ્હાણી અપાય છે

રાજકોટ તા. ૧૬ : કોરોના કાળમાં લોકો તહેવારોનો આનંદ નથી માણી શકયા, સાતમ-આઠમ, ગણપતિ મહોત્સવ સહિતના તહેવારો ચાલ્યા ગયા છે, ત્યારે આવતીકાલથી શરૂ થતા માતાીજના નવલા નોરતામાં પણ ગરબી દ્વારા માતાીજીની થતી આરાધના પણ નથી શકય થવાની. ત્યારે નવરાત્રી સાથે જોડાયેલ અનેક ધંધાર્થીઓ-વેપારીઓ-કલાકારોને કારમી નુકશાની થઇ રહી છે તેવામાં ગરબીમાં માતાજીની આરાધના કરતી નાની બાળાઓને પ્રોત્સાહન રૂપે અપાતી લ્હાણીના વેપારીઓને પણ મુશ્કેલી પડી છે.

ગરબીમાં રમતી બાળાઓને મંડળ કે સંચાલકો દ્વારા દરરોજ અથવા દશેરાએ લ્હાણી વિતરણ કરવામાંં આવે છે ૧૦ રૂપીયાથી લઇને પોતાના બજેટ મુજબ ભાવિકો, મંડળો અને સંચાલકો દ્વારા લ્હાણી કરવામાં આવે છે.

પહેલાના સમયમાં બાળાને નવરાત્રી દરમિયાન પોતાનું આણું વળી જાય તેટલી લ્હાણી મળતી જેમાં ઠામ-વાસણો અને અન્ય રાચરચીલુ મળતું જમાના પ્રમાણે વાસણોનું સ્થાન મેલેમાઇન પ્લાસ્ટીક અને અન્ય વસ્તુઓએ લીધુ છે. ત્યારે બાળાઓને લ્હાણી ગરબી ન યોજાવાના કારણે નહીં મળે.

એકલા રાજકોટમાં જ નવરાત્રીમાં કરોડો રૂપીયાની લ્હાણીનું વિતરણ થાય છે. તેવામાં વાસણ, પ્લાસ્ટીક વેર, કિચનવેર સહિતના વેપારીઓ આ વખતે મુશ્કેલીમાં મુકાયા છે. સાથો-સાથ ઘણી ગરબીઓમાં બાળાઓને સોના-ચાંદીની મોટી લ્હાણી (મંડળ) પણ આપવામાં આવતી હોય છે.

વેપારીઓ દ્વારા નવરાત્રીના એક મહિના અગાઉથી લ્હાણી માટેની વસ્તુઓના ઓર્ડર આપી દેવાતા કોઇ વેપારીઓએ  ઓર્ડર આપ્યા ન હતા લ્હાણીમા બાળાઓને વાસણો, મેલેમાઇનના સેટ, કુકર, પ્લાસ્ટીકના ડબ્બા, કન્ટેનર સેટ, ગળામાં પહેરવાના હારનો સેટ, ગીફટ હેમ્પર સહિતની વસ્તુઓ અપાતી હોય છે. ઘણી ટુર કંપનીઓ ડીસ્કાઉન્ટ વાઉચર પણ દેતી હોય છે.

પણ સૌથી મોટુ નુકશાન લોકલ વેપારીઓને પડે છે જેઓ નવરાત્રી દરમિયાન લ્હાણીની વસ્તુઓ વેંચી આવક મેળવતા હોય છે. આ વખતે નવરાત્રીની સાદાઇથી ઉજવણી થવાની હોવાથી વેપારીઓને મોટુ આર્થિક નુકશાન થવાની ભીતી છે.

(3:12 pm IST)