Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

જસદણ પંથકના દારૂના ગુનામાં આરોપીની આગોતરા જામીન અરજીને ફગાવી દેતી કોર્ટ

રાજકોટ તા. ૧૬: દારૂના ગુન્હામાં આરોપીઓની આગોતરા જામીન અરજીને કોર્ટે ફગાવી દીધી હતી.

આ અંગેની વિગત એવી છે કે, તારીખ ૧૩-૯-ર૦ના રોજ જસદણ પોલીસે બાખલવડ ગામે હરસુખ ઉર્ફે પીન્ટુ મીઠાભાઇ પલાળીયાના રહેણાંકના મકાને ઇંગ્લીશ દારૂની બોટલ નં. ૧૪૪ પકડી પાડેલ અને આરોપીની અટકાયત કરેલ તે ગુન્હામાં અન્ય આરોપી લાલજીભાઇ ધીરૂભાઇ પલાળીયા રહે. બાખલવડ તા. જસદણ વાળો તથા અલ્પેશભાઇ હકાભાઇ ગાંભડીયા રહે. નાના માત્રા તા. વિંછીયા વાળાએ સદરહું ગુન્હાના કામમાં રાજકોટ સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન મળવા માટે અરજી કરેલ.

સરકાર પક્ષે સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયા હાજર થયેલ અને જામીન અરજીનો વિરોધ કરતા જણાવેલ કે ગુજરાત રાજયમાં દારૂબંધી હોવા છતાં આરોપીઓએ આટલો મોટો જથ્થો દારૂની ફેરાફેરીમાં સંકળાયેલ છે. જો આરોપીને જામીન આપવામાં આવશે તો તેઓ ફરીથી આવા ગુન્હા કરશે અને તેઓને કાયદાની કોઇ ડર રહેશે નહીં અને આવા નશીલા પદાર્થો વેચાણ કરી યુવા ધનને નશીલા બનાવશે તેવું રજુઆત કરેલ તે રજુઆતને માન્ય રાખી સેસન્સ જજ શ્રી પી. એન. દવે એ આરોપીની આગોતરા જામીન અરજી રદ કરેલ છે. આ કામમાં સરકાર પક્ષે એ.પી.પી. મુકેશભાઇ પીપળીયા રોકાયેલ હતા.

(3:04 pm IST)